રુવાડા ઉભા કરી દેતો જાનવીનો સંઘર્ષ- જુઓ કેવી રીતે માતા વિહોણી દીકરીએ મુશ્કેલીઓના દરેક ઘુંટડા પી સંભાળ્યો પરિવાર

અમદાવાદ(ગુજરાત): ‘દીકરો જ માતા-પિતાનો સહારો બને છે’ એવા શબ્દો તમે ઘણા લોકોના મોઢે સાંભળ્યા જ હશે. જોકે, વાસ્તવિકતા ઘણી જુદી છે. પુત્રોએ માતા-પિતા(mother-father)ને છોડી દીધાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે દીકરીને સાપનો ભારો સમજનારાઓનો લોકો માટે એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ (Ahmedabad)માં માતા વિનાની દીકરી પોતાના પિતાના જીવનનો સહારો બની છે.

હાલની આ કાળઝાળ ગરમીમાં હજારો વાહનોની અવરજવર વચ્ચે BCA પાસ 21 વર્ષની દીકરી પાણીપૂરી વેચી રહી છે. ઘરના કામકાજ ઉપરાંત રસ્તા પર ટેબલ મૂકીને પાણીપૂરી વેચતી આ છોકરી સ્પષ્ટપણે તેના પિતા માટે કંઈક કરવા માંગે છે. આ દીકરીની ભાવના મુશ્કેલીમાં મુકાયેલા લોકો માટે શીખ સમાન છે. પાણીપુરી વેચતી વખતે કેટલાક પુરુષોની ખરાબ નજર અને સંબંધીઓના મેણાટોણા વચ્ચે દીકરીનો સંઘર્ષ તમને ભાવુક બનાવી દેશે.

અમે વાત કરી રહ્યા છીએ 21 વર્ષની જાનવી કાડિયાની. અમદાવાદમાં CTM ચાર રસ્તા પાસે MK ટ્રાવેલ્સની સામે સાંજે નાસ્તાનું કાઉન્ટર ચલાવતી જાનવી કડિયાની માતાનું 12 વર્ષ પહેલાં અવસાન થયું હતું. “મારી માતાનું બાર વર્ષ પહેલાં અવસાન થયું હતું. તેમને લીવરનું કેન્સર હતું. પરિવારમાં હું, મારા પિતા અને દાદી હતા. મારા દાદીનું પણ એક વર્ષ પહેલાં અવસાન થયું હતું. ત્યારથી મારા પિતા અને હું પરિવારમાં છીએ.”

જણાવી દઈએ કે, અમદાવાદના મણિનગરમાં રહેતી જાનવી કડિયાએ વર્ષ 2019માં લોકમાન્ય કોલેજમાંથી BCA કર્યું છે. હાલમાં નાસ્તાનું કાઉન્ટર ચલાવતી જાનવી જણાવે છે કે, પિતાને મદદરૂપ થવા કોલેજનાં ત્રીજા વર્ષમાં જ એક ખાનગી કંપનીમાં નોકરી શરૂ કરી હતી, જ્યાં બેક ઓફિસમાં કામ કરતી હતી. કોરોનાની બીજી લહેરમાં ઓફિસ બંધ થઈ ગઈ. અન્ય ઘણા લોકોની જેમ મારે પણ ઘરે બેસવાનો વારો આવ્યો. બે મહિના ઘરે બેઠા બાદ આ નાસ્તાનું કાઉન્ટર શરૂ કર્યું.

વધુમાં તે જણાવે છે કે, મને પહેલેથી ફૂડ બનાવવામાં શોખ હતો. વળી, બીજી લહેર પછી ક્યાંય જોબ પણ મળતી નહોતી. પછી આ સેટઅપ ચાલુ કર્યું. મારે પહેલેથી આ લાઇનમાં જવું જ હતું. પરંતુ, આર્થિક રીતે મારું બેકગ્રાઉન્ડ એટલું સારું નહોતું કે શોપ રાખીને ધંધો કરી શકું. એટલા માટે મેં આ રીતે લારી શરૂ કરી. હવે આના પરથી મોટા પર જવું છે. મારા દાદીએ મને બનાવતા શિખવાડ્યું હતું અને મેં ચાલુ કર્યું.

તે જણાવે છે કે, શરુઆતમાં કસ્ટમરને કઈ રીતે બોલાવવા કે કઈ રીતે ભેગા કરવા એ ખબર નહોતી પડતી, પણ ટેસ્ટ સારો લાગ્યો એમ બધા આવતા ગયા. તેને જણાવ્યું કે, નવ મહિના પહેલાં હું વસ્ત્રાલ ઊભી રહેતી હતી. પરંતુ, ખૂબ દૂર થઈ જતું હતું એટલે સામે લક્ષ્મણભાઈ વાઘેલા નામના ચા વાળા કાકાને વાત કરી તો તેમણે આ સીટીએમની જગ્યા જણાવી હતી. અહીં ટ્રાવેલ્સની ભીડ વધુ હોય છે. છ મહિનાથી અહીં મારો બિઝનેસ સારો ચાલે છે.

લેડીઝ ને એકલી જુએ એટલે અમુક ખરાબ નજરવાળા કસ્ટમર આવી જાય, પણ હું તેમને ઇગ્નોર કરું છું. આપણે તો ઘર ચલાવવાનું છે એટલે ઊભું જ રહેવું પડે ને. તેને કહ્યું કે, રોજના 1200થી 1300 રૂપિયાનો ગલ્લો થઈ જાય છે. મારા ફાધર મને આમાં મદદ કરે છે. મારે આમાંથી મોટી રેસ્ટોરાં સુધી પહોચવું છે એ જ લાઈફનો ગોલ છે. મારો એક મિત્ર છે જે મને સપોર્ટ કરે છે. મારા પિતા બહારથી મારા માટે બધો સામાન લાવે છે. હું બધી સામગ્રી ઘરે તૈયાર કરું છું, પછી તે મને અન્ય વસ્તુઓમાં પણ મદદ કરે છે.

તે વધુમાં કહે છે કે, જ્યારે તેણે આ વ્યવસાયમાં જોડાવાનું નક્કી કર્યું ત્યારે તેના નજીકના સંબંધીઓએ આવું કરવાની ના પડી હતી. તે કહે છે કે છોકરીએ આ રીતે ઊભા ન રહેવું જોઈએ. મારા પપ્પાને પણ સંભળાવે છે કે, તને ખબર નથી કે તું તારી છોકરીને આ રીતે રસ્તા પર ઉભી રાખે છે. કોઈની કેવી નજર હોય? હું એટલું જ કહેવા માંગુ છું કે રોડ ઉપર ઉભા રહીને કોઈ ખરાબ કામ નથી કરતુ. તમારે સપોર્ટ કરવો હોય તો કરો, નહીંતર તેને જે કરવું છે એ કરવા દો.

12 વર્ષ પહેલા તેની માતા અને 1 વર્ષ પહેલા દાદીને ગુમાવનાર જાનવીના પિતાની પણ તબિયત સારી નથી. જાનવીના પિતાને લાંબા સમયથી હાડકાની સમસ્યા છે. નોકરી દરમિયાન તેનો પગ વળી ગયો હતો અને પહેલું લોકડાઉન પૂરું થતાંની સાથે જ તેને સર્જરી કરાવવી પડી હતી. તેના પિતા અગાઉ સિક્યોરિટીમાં કામ કરતા હતા. તે ચાર મહિના સુધી પથારીમાં રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *