માં(Mother) પોતાના બાળકો માટે કઈ પણ કરી શકે છે. પરંતુ, હાલમાં બનેલી ઘટના સાંભળી તમે પણ ચોકી જશો. આ ઘટના મોરબી(Morbi) જિલ્લામાં બની હતી. વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામની શેરીમાં ગુરુવારે વહેલી સવારે કોઇ જનેતા પોતાની તાજી જ જન્મેલી બાળકીને તરછોડીને નીકળી ગઇ હતી. તેની એવી તો શું મજબૂરી હશે કે, નવ મહિના સુધી પોતાના પેટમાં રાખી અને જનમ્યા બાદ તરત જ છોડીને ચાલી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, રાજાવડલા ગામે રહેતા ઉસ્માનભાઇ જલાલભાઇ વડાવિયા રોજિંદા ક્રમ મુજબ રોજું રાખવા વહેલી સવારે જાગયા ત્યારે કોઇ બાળકીના રડવાનો અવાજ આવતાં તેઓ બહાર આવ્યા તો તેમનું ધ્યાન બાળકી પર પડ્યું હતું. ત્યારબાદ તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. બાળકીને વાંકાનેર સિવિલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ, વધુ સારવારની જરૂર જણાતાં રાજકોટ રીફર કરવામાં આવી હતી. શહેર પોલીસ સ્ટાફે બાળકીના માતા પિતાની શોધખોળ આરંભી છે.
ઉસ્માનભાઇ જલાલભાઇ વડાવિયા જણાવ્યું કે, ‘આવું મારી જિંદગીમાં બીજી વાર બન્યું છે. આ અગાઉ 12 વર્ષ પહેલાં પણ આ જ રીતે એક નવજાત અને ત્યજી દેવાયેલું શિશુ મને મળ્યું હતું અને તરત જ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યું અને તે જીવી ગયું, એની ખુશી સૌથી વધુ હતી.’
પ્રસૂતાઓની વિગતો મંગાવાઇ છે, CCTVની તપાસ થશે:
બાળકીના માતા પિતાની શોધખોળ કરવા માટે ગામમાં લાગેલા સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી છે. અધુરા માસે બાળકીનો જન્મ થયો હોવાનું માલૂમ થયું છે. આથી ગર્ભવતી મહિલાઓ, પ્રસુતાઓની માહિતી એકઠી કરી રહ્યા છે અને માસૂમને ત્યજી દેનારી જનેતાની શોધી કાઢવા તલસ્પર્શી તપાસ શરુ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.