ઘનશ્યામ નાયકના મૃત્યુના નવ મહિના બાદ તારક મહેતામાં દેખાશે નવા ‘નટુ કાકા’ -જુઓ કોણ છે?

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Tarak Mehta ka Ulta Chashma)’ એ એક એવી સિરિયલ છે જે મોટે ભાગે દરેકને પસંદ હોય છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક લોકોને આ સિરિયલ પસંદ હોય છે. તેમજ આ સિરિયલ (Serial)ના દરેક પાત્ર ચાહકોના મનમાં ખાસ સ્થાન ધરાવે છે. સિરિયલમાં નટુકાકા (Natukaka)નું પાત્ર ભજવતા ઘનશ્યાન નાયક છેલ્લાં બે વર્ષથી બીમારીને કારણે આવતા નહોતા અને ગયા વર્ષે તેમનું અવસાન થયું હતું. ત્યારે હવે અસિત મોદી(Asit Modi) સિરિયલમાં નવા નટુકાકા લઈને આવ્યા છે. ચાલો જાણીએ…

શું કહ્યું અસિત મોદીએ?
ઘનશ્યાન નાયક એટલે કે નટુકાકાના અવસાન બાદ હવે અસિત મોદી સિરિયલમાં નવા નટુકાકા લઈને આવ્યા છે. આ અંગેનો વિડીઓ અસિત મોદી દ્વારા શૅર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં અસિત મોદીએ કહ્યું હતું કે, આજે તેઓ ખાસ વાત કરવા આવ્યા છે. જ્યારે પણ ગડા ઇલેક્ટ્રોનિક્સની વાત આવે ત્યારે નટુકાકાની યાદ આવે છે. જોકે ઘનશ્યામ નાયક હવે આપણી વચ્ચે નથી. તેઓ આપણને છોડીને જતા રહ્યા છે. અલબત્ત, તેઓ જ્યાં પણ હશે ત્યાં ગડા ઇલેક્ટ્રોનિક્સની કોમેડી જોઈને હસતા હશે અને મિસ કરતા હશે. એ જ નટુકાકાએ હવે નવા નટુકાકા પણ મોકલ્યા છે. આશા છે કે આ નટુકાકાને પણ તમે તેટલો જ પ્રેમ આપશો.

દર્શકોને વિનંતી કરી:
અસિત મોદી દ્વારા શેર કરાયેલ વિડીઓમાં નવા નટુકાકાને ઇન્ટ્રોડ્યૂસ કરાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે એક કલાકારને માત્ર દર્શકોનો પ્રેમ જોઈએ છીએ. તેમને દર્શકોએ દરિયા ભરીને પ્રેમ આપ્યો છે અને આ માટે તેઓ હંમેશાં દર્શકોના ઋણી છે. તેમને વિશ્વાસ છે કે દર્શકો આ જ રીતે પ્રેમ વરસાવતા રહેશે. તેઓ માત્ર એક જ વિનંતી કરે છે કે આ નવા નટુકાકાને પણ પ્રેમ આપજો. તેમનાથી નાની-મોટી ભૂલ થાય તો માફ કરજો. તેમને આશા છે કે આ નવા નટુકાકા સિરિયલમાં ખરા ઊતરશે. આવું અસિત મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું.

અસિત મોદીએ કહ્યું, શો મસ્ટ ગો ઓન:
આ ઉપરાંત વિડીઓના અંતમાં અસિત મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ‘કલાકારો બદલાતા રહેશે, કોઈ આપણી વચ્ચે નહીં રહે, કોઈ આ સફર છોડી દેશે, પરંતુ પાત્ર ક્યારેય બદલાશે નહીં. શો મસ્ટ ગો ઓન.’ આ સિવાય વીડિયોમાં છેલ્લે… નવા નટુકાકાએ અસિત મોદીને સવાલ કર્યો હતો, ‘મારો પગાર ક્યારે વધશે?’ આ સવાલ સાંભળીને અસિત મોદીએ કહ્યું હતું કે આનો જવાબ તો જેઠાલાલ જ આપી શકશે.

અસિત મોદીએ કહ્યું, નવા નટુકાકાને હું છેલ્લાં ઘણાં વર્ષોથી ઓળખું છું:
નવા નટુકાકા અંગે જણાવતા અસિત મોદીએ કહ્યું હતું કે, ‘આ અમારા માટે ઘણી જ ભાવુક ક્ષણ છે. 13 વર્ષથી નટુકાકાનું પાત્ર ઘનશ્યામ નાયક ભજવતા હતા. તેમની જગ્યાએ બીજા કલાકારને લાવવા સરળ નહોતા. અમે છેલ્લા કેટલાક મહિનાથી નટુકાકાના પાત્રનું ઓડિશન શરૂ કર્યું હતું, કારણ કે અમે દર્શકો માટે આ પાત્ર ફરી લાવવા માગતા હતા. થોડાં ઓડિશન બાદ અમે ગુજરાતના જાણીતા એક્ટર-પ્રોડ્યુસર-ડિરેક્ટર કિરણ ભટ્ટને નટુકાકા તરીકે લાવવાનું નક્કી કર્યું.’

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું તેમને છેલ્લાં ઘણાં વર્ષોથી ઓળખું છું અને જ્યારે ઓડિશન સમયે તેમને પહેલીવાર મળ્યો ત્યારે મને એમ જ લાગ્યું કે આ અમારા નટુકાકા છે. આમ તો ઘનશ્યામ નાયકની જગ્યા કોઈ લઈ શકે તેમ નથી, પરંતુ મને વિશ્વાસ છે કે કિરણ ભટ્ટ દર્શકોમાં પોતાની અલગ જગ્યા બનાવવામાં સફળ રહેશે. કિરણ ભટ્ટ પાત્રને જરૂર ન્યાય આપશે.’

કોણ છે નવા નટુકાકા?
પ્રાપ્ત માહિતી અનુસાર, નવા નટુકાકાનું નામ કિરણ ભટ્ટ છે અને તેઓ ગુજરાતી છે. કિરણ ભટ્ટ થિયેટર ડિરેક્ટર, પ્રોડ્યુસર તથા આર્ટિસ્ટ છે. 2019માં કિરણ ભટ્ટે ‘વેવાઈ V/S વેવાઈ’ ડિરેક્ટ કર્યું હતું. હાલમાં તેમનું ડિરેક્ટ કરેલું નાટક ‘સગપણ તને સાલમુબારક’ના શો ચાલે છે. તેમજ તેઓ પોતાના મિત્રવર્તુળમાં ‘કેબી’ તરીકે લોકપ્રિય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *