કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ ફરી એકવાર નરેન્દ્ર મોદી નું નામ લીધા વગર તેમને સંભળાવ્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હવે વધુ એક નિવેદન આપતા કહ્યું છે કે, તમે પહેલા તમારા ઘરની જવાબદારીઓ પૂરી કરો. વધુમાં એમ પણ કહ્યું કે જે ઘર નથી સંભાળી શકતા તે દેશ પણ નથી સંભાળી શકતા.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભાજપની વિદ્યાર્થી શાખા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપીના ભૂતપૂર્વ કાર્યકર્તાઓ માટેના એક સંમેલનમાં સંબોધન કરતા કહ્યું હતું કે, હું ઘણા લોકોને મળ્યો છું. જેમણે કહ્યું છે કે અમે ભાજપ માટે અમારું જીવન સમર્પિત કરવા માગીએ છીએ. અમે દેશ માટે અમારું જીવન સમર્પિત કરવા માગીએ છીએ.
આ નિવેદનમાં વધુ કહેતા ગડકરી કહે છે કે, હું આવા લોકો ને પૂછવા માગું છું કે તમે શું કરી રહ્યા છો એ તમને ખબર છે? તમારા પરિવારમાં અન્ય કોણ રહે છે? તમે પહેલા તમારા ઘરની દેખભાળ કરો. કારણ કે જે પોતાનું ઘર નથી સંભાળી શકતા તે દેશ નથી સંભાળી શકતા. આમ પહેલા પોતાનું ઘર પોતાના બાળકો અને પતિને કરો ત્યારબાદ પાર્ટી અને દેશ માટે કામ કરો.
ઉલ્લેખનીય છે કે નીતિન ગડકરી છેલ્લા કેટલાક સમયથી પ્રધાનમંત્રી મોદી નું નામ લીધા વગર એવા નિવેદનો કરી રહ્યા છે. જેનો સીધો અર્થ નરેન્દ્ર મોદી પર બેસતો હોય. વિશ્વસનીય રાજકીય વિશ્લેષકો અનુસાર આગામી ચૂંટણીમાં આર.એસ.એસ એવું ઈચ્છી રહ્યું છે કે પ્રધાનમંત્રીના ઉમેદવાર તરીકે નીતિન ગડકરી હોય. પરંતુ આ અહેવાલોને નીતિન ગડકરી ફગાવી રહ્યા છે.