વિશ્વના અંદાજે 80% કાચા હીરાને જ્યાં ચમકાવવાનું કામ થાય છે તેવા સુરત ડાયમંડ ઉદ્યોગનો ચળકાટ થોડો ઝાંખો પડ્યો છે. ખાસ કરીને અમેરિકા અને ચીન વચ્ચે ચાલતી ટ્રેડ વોરના કારણે પોલીશ્ડ હીરાની માગ અત્યારે 25-30% ઘટી ગઈ છે. આ જ કારણસર હીરાના સૌથી મોટા નિકાસકાર હરિ કૃષ્ણ એકસપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે આ વર્ષે પોતાના કારીગરોને બોનસ ન આપવાનો નિર્ણય કર્યો છે. કંપની પોતાના વર્કર્સને દિવાળી બોનસમાં ગાડી અને ફ્લેટ આપવા માટે જાણીતી છે. સુરતના અન્ય ડાયમંડ પોલીશર્સ પણ આવી જ કંઈક વિચારી રહ્યા છે. હીરા બજારના મોટા ભાગના લોકોનું કહેવું છે કે, મંદીને કારણે માલિકોની સ્થિતિ પણ ખરાબ છે તેવા સમયે પોતાના કારીગરોને છુટા કરવાના બદલે સાચવી રાખવા એ જ એક મોટી વાત છે. હીરા ઉદ્યોગકારોને આશા છે કે થોડા સમયમાં મંદીની અસર ઓછી થશે.
ઘનશ્યામ ધોળકિયા:કારીગરોની નોકરી જાય તેના કરતા બોનસ ન આપવું તે વધુ સારું.
હરિ કૃષ્ણ એક્સપોર્ટસના સ્થાપક અને એમડી ઘનશ્યામ ધોળકિયાએ જણાવ્યું હતું કે, મંદીની અસર તમામ કંપનીઓ પર એક સમાન છે. અમારા જેવી મોટી કંપની પણ તેમાંથી બાકાત નથી. સામાન્ય સંજોગોમાં અમે અમારા 7,000 કારીગરોને કાર, મકાન કે અન્ય સ્વરૂપે બોનસ આપતા આવ્યા છીએ પરંતુ વર્તમાન સંજોગો જોતા આ વર્ષે દિવાળી પર બોનસ આપવું અશક્ય જણાઈ રહ્યું છે. અન્ય ઉદ્યોગોમાં જે રીતે લોકો નોકરીઓ ગુમાવી રહ્યા છે તેની સામે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં હજુ સુધી કોઈ મોટી ઘટના બની નથી. અમે અમારા કારીગરોને છુટા કરવાના બદલે તેમને સાથે રાખવાનું પસંદ કર્યું છે અને એટલે જ આ વર્ષે બોનસ નહી આપવાનો નિર્ણય કર્યો છે. વર્કર્સ માટે દિવાળી બોનસ કરતા તેમાંની નોકરી વધારે અગત્યની છે.
સુરતમાં કામના કલાકોને ઘટાડીને પણ કારખાના અને ઓફીસ ચાલુ રાખ્યા છે.
સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુભાઈ કથીરિયાએ જણાવ્યું કે, પાછલા એક વર્ષથી ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યું છે. વૈશ્વિક પરિબળો અને તેની અસરને લઇને હીરા બજારમાં અત્યારે સિઝન હોવા છતાં માગ 25-30% ઓછી છે. આ પરિસ્થિતિને પહોચી વળવા માટે મોટાભાગના ઉદ્યોગકારોએ પોતાના કારીગરોની સંખ્યા ઘટાડવાના બદલે કામના કલાકો ઘટાડી પ્રતિ દિન 6 કલાક સુધી કરી નાખ્યા હતા. જોકે, હવે સ્થિતિમાં થોડો સુધારો જણાઈ રહ્યો છે.
આગામી બે-ત્રણ મહિનામાં માગમાં સુધારો થવાની આશા છે.
એસોસિએશનના પૂર્વ પ્રમુખ બાબુભાઈ ગુજરાતીએ કહ્યું કે, હીરા બજારમાં આ વખતે મંદીનો સમય લાંબો રહ્યો. જોકે, હવે ધીમે ધીમે માગ આવી રહી છે તે જોતા લાગી રહ્યું છે કે, ઉદ્યોગ થોડા સમય બાદ મંદીમાંથી બહાર આવી જશે. વર્તમાન સંજોગો જોતા લાગી રહ્યું છે કે, આગામી બે-ત્રણ મહિના દરમિયાન માગમાં સુધારો થઇ શકે છે. આ વર્ષે દિવાળી કદાચ ખરાબ ન જાય.
સુરતમાં 6 થી 7 લાખ રત્ન કલાકારોને રોજગારી આપે છે.
સુરત ડાયમંડ એસોસિએશનના આંકડા પ્રમાણે શહેરમાં હીરાને પોલીશ કરવાના 4-5 હજાર કારખાના આવેલા છે જેમાં 6-7 લાખ રત્ન કલાકારોને રોજગારી મળે છે. સુરતમાં પોલીશ્ડ થતા હીરામાંથી 95% હીરા નિકાસ થાય છે અને આમાં પણ એકલા ચીનમાં 40% નિકાસ થાય છે. શહેર વર્ષે રૂ. 1.50 લાખ કરોડની રકમના હીરાની નિકાસ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.