હાલ ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળતા સરકાર દ્વારા મોટાભાગના વેપાર-ધંધા તેમજ સરકારી કચેરીઓ-નીચલી અદાલતોમાં શરૂ કરવામાં આવી છે. સાથે જ ઓનલાઈન શિક્ષણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત આવતીકાલથી કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ પ્રવાસીઓ માટે શરૂ થઈ જશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓને કોરોનાની ગવર્મેન્ટની ગાઈડ લાઈન પ્રમાણે સગવડો આપવામાં આવશે.
ત્યારે લોકોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, ગુજરાતમાંથી મોટા ભાગના વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટમાંથી અનેક પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લે છે. તો જો આ પ્રવાસીઓમાંથી કોઈ એક કોરોના સંક્રમિત હોય અને જિલ્લામાં સંક્રમણ વધુ ફેલાય તો કોણ જવાબદાર રહેશે? આ ઉપરાંત કોરોના સંક્રમણને લીધે રાજ્યના તમામ ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો બંધ છે તો સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેમ ખોલવામાં આવે છે?
SOUની સાથે જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક પણ ખુલશે
જાણવા મળ્યું છે કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે જે જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક અને રમાડા હોટલ ટેન્ટ સિટી સહિત કેવડિયાના અનેક પ્રોજેક્ટો ખુલ્લા મુકવામાં આવશે. બીજી બાજુ કેવડિયા ખાતેની ટેન્ટ સિટી અને હોટલોના માલિકો છેલ્લા એક વર્ષથી પ્રવાસીઓના અભાવને કારણે લાખો રૂપિયાનું નુકશાન ભોગવી રહ્યા છે. ત્યારે હવે ફરી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે એવી આશા રાખીને બેઠા છે. આ ઉપરાંત આવતીકાલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પ્રવાસીઓને ઓનલાઇન સાથે હવે ઓફલાઈન ટિકિટ પણ મળી રહેશે.
SOUની ઓનલાઇન ટિકિટ બુકિંગ ચાલુ
આવતીકાલથી એટલે કે, 8 તારીખથી કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરી શરૂ થશે. આ માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ થઈ ગયું છે. તેમજ હોટલ અને ટેન્ટસિટી માટે પણ બુકિંગ ઇન્કવાયરી શરૂ થઈ છે. જોકે, 36 મહાનગરો-શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ રાત્રે 9થી સવારે 6 કલાક દરમિયાન રહેશે. હોમ ડિલિવરી કરતી રેસ્ટોરાં-હોટલ રાત્રે 10 વાગ્યા સુધી હોમ ડિલિવરી કે ટેકહોમની સર્વિસ આપી શકશે. તમામ સંસ્થાઓ, વ્યાપારી પેઢીઓ, ઉદ્યોગોએ કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
ધાર્મિક સ્થળો માટે 11 જૂન બાદ નિર્ણય લેવાઈ શકે
સરકાર દ્વારા કોરોના સંક્રમણ ઘટાડવા માટે ધાર્મિક સ્થળો તેમજ કાર્યક્રમો પર રોક લગાવવામાં આવી છે. જેના કારણે ગુજરાતના અંબાજી, શામળાજી, ઊંઝા ઉમિયાધામ સહિતના સુપ્રસિધ્ધ યાત્રા ધામ બંધ કરવામાં આવ્યા છે. આ મંદિરોમાં દેશભરમાંથી ભક્તોની ભારે ભીડ ઉમટે છે. જેના કારણે મોટા પ્રમાણમાં સંક્રમણનો ખતરો ઉભો ન થાય તે જોઈ સરકાર દ્વારા આગામી 11 જૂન સુધી ધાર્મિક સ્થળો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હાલ તમામ મંદિરોમાં માત્ર પૂજારીને જ પ્રવેશવાની મંજૂરી છે. જેમના દ્વારા આરતી તેમજ પૂજા કરવામાં આવે છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે મંદિર ખોલવા માટેનો નિર્ણય આગળ લંબાવતા જણાવ્યું હતું કે, જો કોરોના સંક્રમણ નિયંત્રણમાં હશે તો મંદિરને દર્શનાર્થીઓ માટે ખોલવાનો નિર્ણય 11મી જૂને લેવામાં આવશે. આ સાથે ભક્તોને પણ 11 જૂન બાદ મંદિર ખુલે તેવી આશા છે. હાલમાં પૂજારીઓ દ્વારા મંદિરમાં પૂજા અને આરતી નિયમિત કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.