સુરત નવી સિવિલ હોસ્પિટલ બાદ હવે ગરમીના દિવસોમાં મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ઘણા વોર્ડમાં કેટલાક પંખા બંધ છે તો ઘણી જગ્યાએ દર્દીના બેડ પાસે પંખા યોગ્ય રીતે મુકિયા નહીં હોવાને લીધે દર્દીઓને પોતાના ઘરેથી જ પંખા લાવવા પડી રહ્યા છે. એક બાજુ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે આવી સ્થિતિ વચ્ચે દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
સ્મીમેર હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્મીમેર હોસ્પિટલના અમુક વોર્ડમાં કેટલા પંખાઓ બંધ છે, જ્યારે ઘણા પંખા વોર્ડમાં દર્દીઓના બેડ પાસે યોગ્ય જગ્યાએ લગાડવામાં આવ્યા નથી એટલું જ નહિ પણ મોટાભાગના પંખાઓ દર્દીના બેડ ઊંચા હોવાથી હવા લાગતી નથી હાલમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે મોટાભાગના દર્દીઓ જાતેજ ઘરેથી પંખા લઈને આવી હવા મેળવી રહ્યા છે.
ગરમીમાં પરસેવાથી રેબઝેબ થઇ રહેલા દર્દીઓને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. એટલુંજ નહીં દર્દીઓને પંખાની સાથેજ સ્વિચ બોર્ડ, વાયર પણ લાવવું પડે છે. વોર્ડમાં દાખલ દર્દીઓ દીપકભાઈ ડાભી (ઉ.વ.23),વિપુલ શર્મા (ઉ.વ.15), નાઓએ જણાવ્યું હતું કે તેમને બહુ ગરમી લાગતી હતી.
પંખાની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી નર્સ સહિત સ્ટાફને આ અંગે ફરિયાદ કરી પરંતુ તેમને યોગ્ય સહકાર નહીં આપતા. ઘરેથી પંખા લઈને આવવા પડ્યું હતું. આવીજ પરિસ્થિતિ અન્ય કેટલાક વોર્ડમાં પણ સર્જાઈ છે.
થોડા દિવસ અગાઉ પણ નવી સિવિલ હોસ્પિટલમાં પણ કાળઝાળ ગરમીમાં ઘણા પંખા બંધ હતા તો કેટલાક દર્દી ના બેડ પાસે યોગ્ય જગ્યાએ લગાડેલા ન હતા જેને કારણે દર્દીઓએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો અમુક દર્દીઓએ ગરમીમાં રાહત મળે તે માટે પોતાના ઘરેથી પંખો લાવીને દર્દીના પલંગ પાસે મૂક્યો હતો.