રાજ્યના શામળાજી નજીક આવેલ ગોઢકુલ્લા ગામમાં ભેદી રીતે ભયંકર ધડાકો થયો હતો. જેમાં ઘરના મોભીનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું છે. જ્યારે પત્ની તથા 2 બાળકો ઈજાગ્રસ્ત થયા છે. ત્રણેય ઈજાગ્રસ્ત લોકોને શામળાજીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ત્યારપછી તેમની સ્થિતિ વધુ ગંભીર જણાઈ આવતા અમદાવાદમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યારે મૃતકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવ્યો છે. સારવાર દરમિયાન બાળકીનું પણ મોત થયું છે. આ ઘટનામાં સ્થાનિક પોલીસની ટીમની સાથે LCBની ટીમ પણ તપાસમાં જોડાઇ છે. હાલમાં આ અંગેની આગળની તપાસ હાથ ધરાઈ છે. મૃતક યુવક તળાવમાંથી શંકાસ્પદ વસ્તુ ઘરે લાવ્યા બાદ આ ધડાકો થયો હતો.
ઘરના મોભીનું થયું મોત:
મળી રહેલ જાણકારી મુજબ, અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલ શામળાજી નજીક ગોઢકુલ્લા ગામમાં ભેદી રીતે ધડાકો થયો હતો. જેમાં 32 વર્ષીય રમેશભાઈ લાલજીભાઈ ફણેજાના ઘરમાં ધડાકો થતાં રમેશભાઇનું મોત થયું છે. ઘરનાં મોભી સભ્યનું મોત થતા તેમની પત્ની તેમજ 2 બાળકો સહિત પરિવારના કુલ 3 લોકોનો આધાર છીનવાઇ ગયો છે. ઘરના બીજા લોકોને પણ ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે શામળાજી તેમજ પછી અમદાવાદ લઈ જવામાં આવ્યા છે.
કારણ હજુ પણ અકબંધ:
આ બ્લાસ્ટ અંગે હજુ તપાસ ચાલી રહી છે. આ ધડાકાની પાછળ રહેલ કોઇ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આગળની તપાસ માટે FSLની ટીમને પણ બોલાવીને સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્લાસ્ટનો અવાજ એટલો ભયંકર હતો કે, આજુબાજુના 2 કિમી સુધીમાં સંભળાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ખુબ મોટા પ્રમાણમાં લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા કે, આટલો મોટો અવાજ ક્યાંથી આવ્યો. આ ધડાકા પછી લોકો પોતાની રીતે અનેક તર્કવિતર્ક કરી રહ્યા છે પણ આની પાછળનું કારણ FSLનો રિપોર્ટ આવ્યા પછી જ જાણી શકાશે. આ અંગે અરવલ્લી જિલ્લાના DYSP ભરતભાઈ બસિયા જણાવે છે કે, વિસ્ફોટક સામગ્રી અંગે સ્પષ્ટતા થાય તે માટે FSLની ટીમને પણ બોલાવવામાં આલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.