ગીર સોમનાથ(ગુજરાત): બે દિવસ પહેલા ગીર સોમનાથ જીલ્લાના તાલાલા ગીર તાલુકાના બકુલા ધણેજ ગામ નજીક બાકોલા ડુંગર પર આવેલ શ્રી પીઠડ આઇ માતાજીના મંદિરમાં રાત્રીના સમયે ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. મંદિરના સીસીટીવીમાં ચોરીની તમામ ઘટના કેદ થઇ ગઈ હતી. જેના ફૂટેજો પણ સામે આવ્યા છે. ત્યારે સીસીટીવી ફૂટેજોને કારણે તસ્કરને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જયારે તસ્કરએ મંદિરની દાનપેટી તોડી તેમાંથી દસેક હજારની રકમ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, કાળા માથાનો માનવી વર્તમાન સમયમાં અસામાજીક પ્રવૃતિ કરવા માટે તમામ હદો પાર કરી રહ્યા છે. તે દરમિયાન માનવી ઘર્મસ્થાનોને પણ મુકતો ન હોવાનું અનેકવાર સામે આવ્યું છે. તેવામાં બે દિવસ પહેલા 17 સપ્ટેમ્બરની રાત્રીના અગીયારેક વાગ્યા આસપાસ સોમનાથ-ગીર પંથકવાસીઓની આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર એવા તાલાલા તાલુકાના બકુલા ઘણેજ ગામ નજીક બાકોલા ડુંગર પર આવેલ શ્રી પીઠડ આઇ માતાજીના મંદિરમાં એક તસ્કર ચોરી કરવા માટે અંદર ખુસ્યો હતો. તસ્કરએ મંદિરમાં ફર્યા પછી દાનપેટીને નિશાન બનાવી તેને તોડી નાંખી તેમાં રહેલ રોકડ રકમની ચોરી કરી ત્યાંથી ભાગી ગયો હતો.
આ વાતની જાણ ત્યારે થઇ જયારે સવારે પૂજારી મંદિરે પહોચ્યા હતા. જેને કારણે તેને ચોરી અંગે પોલીસને જાણ કરી હતી. જયારે મંદિરમાં લગાવાયેલ સીસીટીવી કેમેરાની તપાસ કરતા તેમાં એક તસ્કર મંદિરમાં રાત્રીના સમયે ઘુસ્યો હોવાનું નજરે ચડ્યું હતું. પોલીસે તે સીસીટીવી ફૂટેજોના આઘારે તસ્કરને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પૂજારીએ અનુમાન વ્યકત કર્યુ છે કે, મંદિરની દાનપેટીમાંથી દસેક હજારની રકમ ચોરી થઇ હતી. મળતી માહિતી મુજબ, પોલીસને તસ્કરની ઓળખ મળી ચુકી ગઈ છે અને તેની ધડપકડ કરવાની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. લોકોની આસ્થા અને શ્રધ્ધાના કેન્દ્ર સમાન મંદિરમાં ચોરીની ઘટના બનતા ધર્મપ્રેમી લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.