સુરતના કામરેજના ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવડીયાના પુત્ર શરદ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટને લઈને ધમકી આપવામાં આવી હોવાની સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ નોંધાવનારે ધમકી આપતું રેકોર્ડિંગ પણ પોલીસને આપ્યું છે. વધુ તપાસ પોલીસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાસોદ્રા ગામ ખાતે રહેતા વેપારી રાજેન્દ્રભાઈ લવાભાઈ સવાણીએ ગત 2 ઓગસ્ટના રોજ ફેસબુક પર એક સરકારી શાળાને લગતી પોસ્ટ કરી હતી. જેમાં શાળાની સમસ્યાનો નિકાલ થાય તે અંગે ફોટો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. સરકારી શાળાની સમસ્યાનો નિકાલ થાય તેવો હતો અને આ પોસ્ટ કોઈ વ્યક્તિને ઉદ્દેશીને કરી ન હતી. આ દરમિયાન 3 ઓગસ્ટના રોજ કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાના દીકરા શરદ ઝાલાવડીયા સાથે ફોનમાં વાતચીત થઈ હતી. જેમાં શરદ ફેસબૂક પોસ્ટ અંગે એલફેલ બોલવા લાગ્યો હતો.
શરદે વેપારીને જણાવ્યું હતું કે, તમારા ખોટા કામમાં કોઈ સાથ સહકાર ન આપે અને તમારા જે આકા હોય તેને કહી દેજો કે માપમાં રહે. શરદે વેપારી સાથે ગાળાગાળી કરી અસભ્ય વર્તન કર્યું હતું. જેથી તેમણે ગાળો ન આપવા જણાવતા શરદે ધમકી આપી હતી કે, હવે ધારાસભ્ય વિરુદ્ધ પોસ્ટ મૂકી જુવો, પછી ખબર પડશે. રાજેન્દ્રભાઈને આપવામાં આવેલી ધમકીના કારણે સરથાણા પોલીસ સ્ટેશનમાં ધારાસભ્યના પુત્ર શરદ ઝાલાવડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
ધારાસભ્ય આરોપી પુત્ર ના બચાવવામાં આવ્યા :-
પુત્ર વિરુદ્ધ થયેલી ફરિયાદ અંગે ધારાસભ્ય વીડી ઝાલાવડીયાએ જણાવ્યું હતું કે, પહેલાં પોસ્ટ કરીને ઉશ્કેરણી કરવામાં આવી છે. અને અગાઉ માફી માંગી પોસ્ટ ન કરવા અંગે જણાવ્યું હતું. જોકે, બે દિવસ બાદ ફરી પોસ્ટ કરવા લાગ્યો હતો. જે બાબતે તમામ પુરાવાઓ પોલીસને આપવામાં આવ્યા છે. અને ફરિયાદીના પણ અનેક ખોટા કામો બહાર આવશે.
માર્ચ 2018માં ધારાસભ્ય વીડી ઝાલાવડીયાના પુત્ર શરદ ઝાલાવડીયા સામે સરથાણા પોલીસ મથકમાં જાનથી મારી નાખવા અંગેની ફરિયાદ દાખલ થઈ હતી. ફરિયાદમાં ધારાસભ્યના પુત્ર શરદ ઝાલાવડીયા અને તેના મિત્ર શૈલેષ મેર દ્વારા તેમને આ ધમકી આપવામાં આવી હતી. ફરિયાદી અલ્પેશ ડોંડાએ તેમની સોસાયટીમાંથી રેતી ભરેલી ટ્રકો બન્ને આરોપીના કહેવા મુજબ લઈ જવામાં આવી રહી હતી.મોડી રાત્રે સોસાયટીમાંથી રેતીની ટ્રકો પસાર થવાના કારણે લોકોને હેરાનગતિ થતી હોય લલિતે બંનેને ટકોર કરી હતી. તાપી નદીમાંથી રેતી લાવવામાં આવી રહી હોય તે અંગે પણ પુછપરછ કરી હતી. જેથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.