ગુજરાતના ખૂણે ખૂણે લોકો વરસાદ માટે તરસી રહ્યા છે લોકો- ભયંકર બફારા વચ્ચે હવામાન વિભાગે વરસાદને લઈને કરી આગાહી

ગુજરાત: રાજ્યમાં હાલ ચોમાસાની સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. ખાનગી હવામાન એજન્સી અનુસાર, રાજ્યમાં 15 જુલાઈ સુધી 20 મિમી સુધી જ વરસાદની સંભાવના છે. વરસાદ ખેંચાતાં રાજ્યમાં ચોમાસાની આ સીઝન દરમિયાન અત્યારસુધી સરેરાશ 4.80 ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે. જ્યારે 1991થી 2020 સુધીમાં ચોમાસાની સીઝન દરમિયાન રાજ્યમાં સરેરાશ 33 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ત્રણ જિલ્લાના ત્રણ તાલુકામાં જ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નર્મદાના ડેડિયાપાડામાં 7 મી.મી. ડાંગના વઘઈમાં 3 મી.મી અને વલસાડમાં 2 મી.મી વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કચ્છમાં ચોમાસાની અત્યાર સુધીની સીઝનનો સરેરાશ 2.2 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં અત્યારસુધીની સીઝનનો 3.66 ઈંચ વરસાદ પડ્યો છે. જાણવા મળ્યું છે કે, મધ્ય ગુજરાતમાં અત્યારસુધીની ચોમાસાની કુલ સીઝનનો 4.80 ઈંચ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં અત્યારસુધીની કુલ સીઝનનો 3.3 ઈંચ જેટલો વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં સીઝનનો અત્યારસુધીનો કુલ 9.37 ઈંચ વરસાદ થયો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત, ઉત્તર ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 3.6 ઈંચ વરસાદ વરસ્યો છે. જે છેલ્લાં 7 વર્ષમાં બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે. છેલ્લાં 7 વર્ષમાં 2015માં સૌથી વધુ સરેરાશ 4.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો સરેરાશ 1.10 ઈંચ વરસાદ 2016માં રહ્યો હતો. તેમજ વર્ષ 2017માં સરેરાશ 3.4 ઈંચ, વર્ષ 2018માં સરેરાશ 2.5 ઈંચ, વર્ષ 2019માં સરેરાશ 3.5 ઈંચ અને વર્ષ 2020માં સરેરાશ 2.88 ઈંચ વરસાદ નોંધાયો હતો.

પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી પ્રમાણે, રાજ્યભરમાં હજુ પણ 15 જુલાઈ સુધી રાજ્યમાં 20 મી.મીથી વધારે વરસાદ દેખાઈ રહ્યો નથી. ગુજરાતમાં ખરીફ સીઝનમાં ખેડૂતોએ અત્યાર સુધીમાં 19.25 ટકા એટલે કે 25 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન હજુ પણ વરસાદ ખેંચાશે તો ખેડૂતોને પાક સુકાઈ જવાની ચિંતા સતાવી રહી છે.

​​​​​​​હજુ આગામી 12-15 દિવસમાં કોઇ સિસ્ટમ સર્જાય નહીં તો ખેડૂતોને વાવેતર કરાયેલા પાકને નુકસાનની ભીતિ છે. આ ઉપરાંત, રાજ્યમાં હાલ 207 જળાશયોમાં 39.10% જળસ્તર છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં 42.18% જળ સંગ્રહ છે. રાજ્યમાં હાલ માત્ર બે જળાશયો જ એવા છે જે સંપૂર્ણ ભરાયા છે. રાહતની વાત એ છે કે, હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

વાવણી બાદ મોટા ભાગના વિસ્તારમાં વધુ વરસાદ પડયો નથી. માટે કૂવાના તળ જેટલાં આવવાં જોઇએ એટલાં આવ્યાં નથી. આવા સંજોગોમાં જે ખેડૂતો પાસે કૂવો છે તેઓ પાકને પાણી આપી શકે છે. પણ જેમની પાસે નથી તેઓ વરસાદની રાહ જોઇ રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, આવા સંજોગોમાં એકાદ સપ્તાહમાં વરસાદ થાય તો સારું, નહીં તો પાક નિષ્ફળ જાય એવી સ્થિતિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *