2024નો બને હાથના ડોનેશનનો પ્રથમ કિસ્સો- બ્રેઈનડેડ મહિલાએ અંગોના દાન થકી 6 લોકોને આપ્યું નવજીવન

Organ donation in Surat: જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, પી.પી.સવાણી હોસ્પિટલ અને સુથાર સમાજના યુવા આગેવાનો દ્વારા અંગદાન કરવામાં આવ્યું હતું. સુરતમાં વર્ષ-2024માં બંને હેન્ડ ડોનેશનનો પ્રથમ કિસ્સો સામે આવ્યો. ઘરે લગ્ન પ્રસંગ હોવા છતાં તમામ પરિસ્થિતિઓને સંભાળી લઈને અન્ય લોકોની ખુશીઓના વિચાર કરીને તેઓને નવજીવન આપવા અંગદાન આપવાનો દ્રઢ સંકલ્પ લઈ શોકની લાગણીને માનવતા મહેકાવી અંગદાન (Organ donation in Surat) કરીને સમગ્ર વિશ્વમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અકસ્માતના કારણે સ્થિતિ ગંભીર થઇ હતી
મુળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ટીંબલા ગામના વતની અને હાલમાં સુરતના પાસોદરા ઓપેરા રોયલ ખાતે રમેશભાઈ પુનાભાઈ સોંડાગર પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની હંસાબેન, બે દીકરા અને એક દીકરી છે. સુરતમાં સુથાર કામની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રમેશભાઈ પુનાભાઈ સોંડાગર તથા તેમના પત્ની હંસાબેન રમેશભાઈ સોંડાગર પોતાની ભત્રીજીના લગ્નપ્રસંગનાં પૂર્વ આયોજનમાંથી પારિવારિક કામકાજ પૂર્ણ કરી ગત 7 ફેબ્રુઆરીએ વરાછાથી ખોલવડ પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે પાસોદરા પાટિયા ચારરસ્તા પર પુરપાટ ઝડપે આવતી ફોર વ્હીલ ગાડીના ચાલકે ટક્કર મારતા આ દંપતી ખૂબ ગંભીર રીતે ઘવાયું હતું. ઘટના સ્થળે લોકોએ ઈમરજન્સી 108ને કોલ કરતા તેમના મારફતે પી.પી.સવાણી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં બંનેની પરિસ્થિતિ જોતા આઈ.સી.યુ. માં દાખલ કરવામા આવ્યા હતા.

પરિવારના લોકો ઘેર શોકની લાગણીમાં ડૂબી ગયા
ઘરે લગ્ન પ્રસંગમાં ખુશીના બદલે શોકનો માહોલ સર્જાયો હતો અને પરિવારના લોકો ઘેર શોકની લાગણીમાં ડૂબી ગયા હતા. આ સમયે  સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર સમાજના યુવા આગેવાન તથા પરિવારના જમાઈ યોગેશ માંડવીયારએ અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. આ સમયે તેઓએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો અને પરિવારના સભ્યોને એકત્ર કરી અંગદાન માટે જાગૃત કર્યા હતા. છેવટે ખૂબ જ વિચાર વિમર્શ કર્યા બાદ હંસાબેનના પરિવારના સૌ સભ્યોએ સહમતી દર્શાવી હતી.

સર્વત્રસમાજને એક નવી રાહ બતાવી
અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતી મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તથા પી.પી.સવાણી હોસ્પિટલ દ્વારા અંગદાન થકી આ સોંડાગર પરિવારે લગ્ન પ્રસંગ સમયે અંગદાનનો નિર્ણય લઈને સર્વત્રસમાજને એક નવી રાહ બતાવી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સોંડાગર પરિવારના આ અંગદાનના સંકલ્પ અને વિચાર થકી બંને હાથ, હૃદય, બંને કિડની, ચક્ષુઓના દાન દ્વારા અન્ય 6 લોકોને ફરી નવજીવન મળ્યું.

બંને હાથ મુંબઇ, ગ્લોબલ હોસ્પિટલમાં 33 વર્ષીય પુરુષમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા
એમ્બ્યુલન્સ દ્વારા બંને હાથ મુંબઇ, ગ્લોબલ હોસ્પિટલ સ્થિત 33 વર્ષીય પુરુષમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામા આવ્યા હતા. મહાવીર હોસ્પિટલ, સુરત હૃદય મોકલવામાં આવ્યું, ઝાયડ્સ હોસ્પિટલ, અમદાવાદ ખાતે એક કિડની, અને ભાયલાલ અમીન હોસ્પિટલ, વડોદરા ખાતે બીજી કિડની તેમજ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક, સુરતના ડૉ. પ્રફુલભાઈ શિરોયા દ્વારા બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું.

પરિવારના સભ્યોએ અંગદાન કરવા અપીલ કરી
તમામ લેવાયેલ ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે એ માટે ગુજરાત પોલીસ દ્વારા સમયાંતરે ટ્રાફિક અવર્સમાં પણ જુદા-જુદા 3 ગ્રીન કોરીડોરનો વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવતા સમયસર અંગો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર સમાજમાં સુરત ખાતે આ પ્રથમ ઘટના હોઈ સોંડાગર પરિવાર સહિત સમગ્ર સમાજ ખૂબ જ ગર્વ અનુભવે છે અને અન્ય લોકોને નવજીવન મળે એવી પ્રેરણા અને વિચાર માટે પરિવારના સભ્યોએ અંગદાન જાગૃતિના પ્લે કાર્ડ સાથે લોકોને અંગદાન અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી.