Organ donation of only 4 days old baby in Surat: અંગદાન (Organ Donation) ક્ષેત્રે સુરતમાં અનેક પ્રકારની પ્રવૃતિ ચાલે છે. પરંતુ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન એ આજે માત્ર પાંચ જ દિવસના બાળકના અંગદાન માટે પરિવારને સમજાવીને એક અનોખું પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્યું છે. બાળકોના અંગદાનમાં સંભવત: ભારતનું સૌથી નાની વયનું અંગદાન કરનાર સુરતનું બાળક બન્યું છે. વિશ્વમાં પણ જન્મના કલાકોમાં અંગદાન કરનાર બીજું જ બાળક છે.
અંગદાન ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે જેમાં આજે થયેલા અંગદાન પવિત્ર નવરાત્રી દરમ્યાન શક્તિનું અનેક અનોખું જ સ્વરૂપ જોવા મળ્યું છે. જન્મથી રડી કે હલનચલન કરી ન શકેલા બાળકના અંગોનું દાન કરવાનો નિર્ણય શક્તિસ્વરૂપા એવા દાદી અને માતાએ લઈને સમાજને ઉદાહરણ પુરુ પાડ્યું છે.
હાલ સુરતના વાલક પાટીયા પાસે ગીતાંજલી રો-હાઉસમાં રહેતા અને મૂળ અમરેલી નજીકના માળીલાના વતની હર્ષભાઈ અને ચેતનાબેન સંઘાણીના ઘરે 13 ઓક્ટોબરના રોજ દિકરાનો જન્મ ડૉ. સંજય પીપળવા કલરવ હોસ્પિટલમાં થયો હતો. જન્મ પછી બાળક હલનચલન કરતું ન હતું કે એ રડ્યું પણ ન હતું. તપાસ કરતાં તરત તેમણે વિશેષ સારવાર લેવાનું જણાતાં ડૉ. અતુલ શેલડીયાની કેર ચીલ્ડ્રન હોસ્પીટલમાં દાખલ કર્યું હતું.
અહી બાળકને વેન્ટીલેટર ઉપર રાખી સાજા થવાની કાગડોળે રાહ જોવાતી હતી સાથે જ અનેક પ્રકારની તપાસ કરવામાં આવી હતી. વિશેષ સારવાર માટે ડો.હિમાંશુ પાનસુરીયા (ન્યુરો), ડો. રીતેશ શાહ (ન્યુરો), ડો. અતુલ શેલડીયા (પીડીયાટ્રીશ્યન) દ્વારા બાળકની તપાસ કરતા બાળકને બ્રેંનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
પરિવાર ભારે હ્યદયથી ઈશ્વર ઈચ્છા સ્વિકારીને એ સમયે પારિવારિક મિત્ર હિતેષભાઈ કરકર દ્વારા ડૉ.નિલેશ કાછડીયા નો સંપર્ક થકી બાળકના અંગદાનની માહિતી મળી હતી અને તેમણે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પી. એમ. ગોંડલિયા અને વિપુલ તળાવીયા નો સંપર્ક કર્યો હતો.
ઈશ્વરનો સંકેત સમજીને જીવનદીપ ઓર્ગન ડોનેશનના પી.એમ.ગોંડલિયા અને વિપુલભાઈ તળાવીયા અને અન્ય સભ્યોના સહકાર અને સમજણ થકી બાળકના પિતા હર્ષભાઈ, માતા ચેતનાબેન, કાકા વ્રજભાઈ, દાદા અતુલભાઈ, દાદી રશ્મીબેન સૌએ સામુહીક નિર્ણય લઈને માત્ર પાંચ જ દિવસના બાળકના અંગોનું દાન કરવાનો ઐતિહાસિક નિર્ણય કરીને પવિત્ર નવરાત્રીમાં પુણ્યનું આ કામ કર્યું હતું.
અંગદાનની સંમતિ મળ્યા બાદ પ્રથમ સોટો (સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન) ના ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કર્યો હતો એમના માટે પણ આ ઘટના બહું આશ્ચર્ય આપનારી હતી. બાળકના વિવિધ ટેસ્ટ કરાવ્યા હતા અને અંગદાન માટે બાળકને પી.પી.સવાણી હોસ્પીટલમાં ખસેડ્યું હતું. IKDRCની મદદથી બાળકની બે કીડની, બે આંખ,બરોળ અને લીવરનું દાન લેવામાં આવ્યું હતું.
બાળકના તમામ અંગ પણ નાના બાળકોમાં જ ટ્રાન્સપ્લાન્ટ થઈ રહ્યા છે. બંને કિડની અને બરોળ IKDRC અમદાવાદ, લીવર દિલ્હી ILDS હોસ્પિટલ, અને આંખ લોકદ્રષ્ટિ ચક્ષુબેન્ક, સુરત ને અપાયું હતું. જીવનદીપ ઓર્ગન ડોનેશનના વિપુલ તળાવીયાએ જણાવ્યું હતું કે સંઘાણી પરિવાર અને ડૉક્ટરોની મદદથી આ ખૂબ મોટું કામ થયું છે.
સરકારી વિભાગ પણ આ ઉમદા કાર્યમાં સતત મદદરૂપ થયું છે. બાળકોનાં અંગોનું પણ દાન થઈ શકે એવો દાખલો સંઘાણી પરિવારે સમાજને આપ્યો છે. અંગદાન ક્ષેત્રે સતત સાતત્ય પૂર્ણ પ્રયત્ન અને પ્રવૃતિને કારણે આવેલી જાગૃતિના કારણે જ માત્ર પાંચ દિવસના બાળકના અંગોનું દાન થઈ શક્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube