AAPને સાથ આપવામાં છૂટી ગયું કેનેડા! કોલેજ ફી ભરવા જવાનું કહી નિકળ્યો ને પહોચ્યો કમલમમાં અને હવે છે જેલમાં

ગુજરાત(Gujarat): પેપર લીક કેસ મામલે આમ આદમી પાર્ટી(AAP) ગુજરાતના નેતાઓ અને કાર્યકરો ભાજપ(BJP)ના પ્રદેશ કાર્યાલય કોબા કમલમ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા. જો કે, પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ તેમની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. તો પોલીસે કેટલાક આમ આદમી પાર્ટીના નેતાઓ પર ડંડાઓ વરસાવ્યા હતા. જેમાં કેટલાક ઘાયલ થયા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ત્યારે આ ઉગ્ર વિરોધ દરમિયાન ઘણા વિધાર્થીઓ પણ જોડાયા હતા, જે પૈકી ઘણા વિધાર્થીઓ હાલમાં જેલમાં છે. ત્યારે આ આમ આદમી પાર્ટીના વિરોધ વચ્ચે એક હેરાન કરી દે તેવા સમાચાર સામે આવ્યા છે.

આ સમગ્ર મામલા દરમિયાન એક છોકરાના માતા-પિતાએ જણાવ્યું હતું કે, ”મારો દીકરો તો સવારે ઘરેથી એવું કહીને નિકળ્યો હતો કે હું કોલેજમાં ફી ભરવા માટે જાવ છું. પરંતુ બપોર સુધી એ આવ્યો નહીં તો તેને ફોન કરવામાં આવ્યો. તે વખતે તેણે ફોન ઉપાડ્યો હતો અને પૂછ્યું કે ક્યાં છે એવું પૂછ્યું તો તેણે કહ્યું કે હું કોલેજમાં જ છું અને સબમિશન કરાવી રહ્યો છું. અમને લાગ્યું કે સાચું જ હશે અને સમયસર ઘરે આવી જશે. પરંતુ સવારની બપોર અને બપોરની સાંજ પડી ગઈ પરંતુ  તે આવ્યો નહીં એટલે અમે તપાસ કરવા માટે તેની કોલેજમાં ગયા હતા.”

માતા-પિતા કોલેજની ઓફિસમાં જઈને તપાસ કરી તો ખબર પડી કે, તેમનો દીકરો તો કોલેજ તો ગયો જ નહોતો. આટલું જાણીને તેમના માતા-પિતાએ સીધો જ પોલીસ કંટ્રોલરુમમાં ફોન કર્યો હતો અને પોતાનો પુત્ર ગુમ થયો હોવાનું જણાવ્યું હતું. પોલીસ પણ સીધી કોલેજ પર પહોંચી ગઈ હતી અને મિત્રવર્તુળમાં તપાસ હાથ ધરી હતી. મોડી સાંજે માતા-પિતાને ખબર પડી કે, તેમનો દીકરો તો ગાંધીનગર આમ આદમી પાર્ટીના દેખાવોમાં ગયો છે. આટલું જાણીને તેમણે ખૂબ પ્રયાસો કર્યા ત્યારે ગાંધીનગર પોલીસ કસ્ટડીમાં રહેલા તેમના દીકરા સાથે માંડ માંડ વાતચીત થઈ હતી.

બીજા દિવસ દરમિયાન એટલે કે 21 ડિસેમ્બરે ગાંધીનગર કોર્ટમાં આમ આદમી પાર્ટીના 64 કાર્યકરોને લઈ જવાયા તો તેમાં રહેલા પોતાના દીકરાને જોઈને માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કોર્ટમાં દીકરાને રાયોટિંગ સહિતના ગુના માટે હાજર કરવામાં આવ્યો હતો. તે ક્ષણે જ તેના બાળકને વિદેશ ભણવા મોકલીને સારું ભવિષ્ય બનાવવાનું સપનું મા-બાપને રોળાતું હોય તેવું દેખાયું હતું. હવે શું કરીશું અને કેવી રીતે છોકરાને આ  મુદ્દામાંથી છોડાવીશું એ પ્રશ્ન અત્યારે માતા-પિતાને ખુબ સતાવી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, આવા તો કુલ 10 વિદ્યાર્થીઓ આમ આદમી પાર્ટી દ્વારા ટોળામાં કમલમ વિરોધ કરવા માટે ગયા હતા પરંતુ હવે જેલના સળિયા પાછળ છે. આ છોકરાની જેમ કદાચ બીજા વિદ્યાર્થીઓ પણ તેમના ઘરે કાંઈ અલગ કહીને જ ગાંધીનગર પહોંચ્યા હશે તેવું આ ઘટનાને જોતા લાગી રહ્યું છે. ત્યારે હવે તેમના માતા-પિતા ગાંધીનગરની હાડ થિજાવતી ઠંડીમાં કોર્ટ સંકુલની બહાર રાત્રી દરમિયાન બેસી રહ્યા છે, એ આશાએ કે કદાચ કાલે કોર્ટ તેમના દીકરાને છોડી મુકવામાં આવશે. પરંતુ 21મીએ તો આવુ કંઇ બન્યુ નહોતું અને આ છોકરા સહિત બધાને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *