પદ્મશ્રી અને શિલ્પકાર કાંતિભાઇ પટેલનું આજે સવારે 94 વર્ષે નિધન થયું છે. ગાંધીની પ્રતિમાઓના શિલ્પી જ નહી, સાચુકલા ગાંધીજન કાંતિભાઈ પટેલની વિદાય વસમી તો છે, પણ તેમના વિચારો સમજીને થોડીક રાહત જરૃર મેળવી શકાય.
ગાંધી 150નું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત કે ભારતે જ નહીં, સમગ્ર વિશ્વએ આજે એક સાચુકલો ગાંધીજન ગુમાવ્યો. જેમ જેમ સમય વહી રહ્યો છે તેમ તેમ આ પૃથ્વી પરથી સાચુકલા ગાંધીજનની સંખ્યા ઓછી થઈ રહી છે.
આજે સવારે 8.30 કલાકે, અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા શિલ્પ ભવનમાં જ્યારે કાંતિદાદાએ 94મા વર્ષે છેલ્લા શ્વાસ લીધા ત્યારે ગાંધીવિચારને પોતાના જીવનમાં તંતોતંત ઉતારનાર વ્યક્તિ ગુમાવી.
100 કરોડની 9,270 સ્કવેરફૂટ જમીનનું દાન કર્યું
કાંતિભાઈ પટેલે અમદાવાદમાં આવેલી પોતાના સ્ટુડિયોની 9,270 ચોરસવાર જમીન ભારત સરકારની લલિતકલા અકાદમીને ભેટ આપી હતી. તેમના આ જીવનમૂલ્યને, ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને અમલમાં મૂકવાની તેમની ભાવનાને વંદન કરીને, આ જમીનને કીમતના રૃપમાં જોઈએ તો તેની બજાર કીમત 100 કરોડ રૃપિયાને આંબી જાય. જે વ્યક્તિએ મહાત્મા ગાંધીને બરાબર પચાવ્યા હોય તે વ્યક્તિ જ આજના સમયકાળમાં આવો નિર્ણય કરી શકે. એ જમીન આપતી વખતે તેમણે કોઈ જ શરત નહોતી કરી. હવે આ જમીનનું શું કરવું એ લલિત કલા અકાદમી જ નક્કી કરશે.
10 દિવસ ગાંધીજી સાથે રહી દેહાકૃતિનો અભ્યાસ કર્યો
તેઓ કહેતા કે હું જો કોઈ શરત સાથે મારો સ્ટુડિયો રાષ્ટ્રને સમર્પિત કરું તો એમ કહેવાય કે મારામાં આસક્તિ છે. સમાજને જે પણ આપો તે આસક્તિ વિના આપો. આવા હતા કાન્તિભાઈ પટેલ.
વિશ્વમાં મહાત્મા ગાંધીની અનેક પ્રતિમાઓ મૂકાઈ છે. તેમાં કાંતિભાઈ પટેલે સર્જેલી પ્રતિમાઓ સાવ જુદી પડતી કારણ કે તેમણે ગાંધીજીને પચાવ્યા હતા. એટલું જ નહીં, ગાંધીજીની પ્રતિમાઓ બનાવતાં પહેલાં તેઓ ગાંધીજીની સંમતિ લઈને તેમની સાથે રહ્યા હતા. તેમણે દસેક દિવસ ગાંધીજી સાથે રહીને તેમના શરીરનો, દેહાકૃતિનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો.
જે વ્યક્તિ ગાંધીજીના શરીર અને મન બન્નેને આત્મસાત કરે અને પછી તેમની પ્રતિમાનું સર્જન કરે તો સુંદર શિલ્પ જ બને ને. અમદાવાદના ઈન્કમટેક્ષ વિસ્તારમાં મહાત્મા ગાંધીની પૂર્ણ કદની પ્રતિમા છે.
ગાંધીજીના હાથમાં લાકડી છે અને તે ચાલી રહ્યા છે તેવો તેમાં ભાવ છે. તેઓ દાંડીકૂચ કરી રહ્યા છે તેનો આ પ્રતિમામાં નિર્દેશ છે.
આશ્રમ રોડ પરની આ પ્રતિમા, સમગ્ર વિશ્વમાં મૂકાયેલી ગાંધીજી પ્રતિમાઓમાં શિરમોર ગણાય છે. કાન્તિભાઈ જ્યારે ગાંધીજીની પ્રતિમા બનાવતા ત્યારે તેઓ માત્ર હાથનો જ ઉપયોગ નહોતા કરતા, હૃદય પણ ઉમેરતા.
શિલ્પ ભવનનું નિર્માણ
જે જમીન કાંતિભાઈએ રાષ્ટ્રને સમર્પિત તેનો પણ રસપ્રદ ઈતિહાસ છે. તેઓ આણંદ પાસેના વલ્લભ વિદ્યાનગરમાં રહેતા હતા. અહીં તેઓ 19 વર્ષ રહ્યા. અમદાવાદની આજુબાજુના કોઈ ગામમાં તેઓ જમીન શોધતા હતા. જ્યારે જ્યારે જમીન જોવા જાય ત્યારે નડિયાદમાં પૂજ્ય મોટાને મળીને જ નીકળે. દર વખતે પૂજ્ય મોટા તેમને એટલું જ કહેતા કે ભઈલા, એવી જગ્યા લેજે કે જ્યાં આવવાનું મન થાય. એક વખત તેઓ ચાંદલોડિયા આવ્યા.
આ ગામના સરપંચ તેમને બે જમીન જોવા લઈ ગયા. અત્યારે જ્યાં શિલ્પ સ્ટુડિયો છે તે જમીન પડતર હતી. ખાડાખૈયાં વાલી હતી. આ જમીન પર જેવો કાંતિભાઈએ પગ મૂક્યો કે તેમને જબરજસ્ત સ્પંદનો થયાં. એક મુલાકાતમાં તેમણે કહ્યું કે ખોવાયેલા બાળકને પોતાની માતા મળે ત્યારે બાળકને જેટલો આનંદ થાય એટલો આનંદ મને થયો. કેવી સરસ વાત…! પછીથી એ જમીન પર સ્ટુડિયો બનાવીને વિશ્વની અનેક પ્રતિભાઓની પ્રતિમા બનાવનાર આ શિલ્પી દીકરો એ જમીન પાછી ભારત માતાને જ અર્પણ કરવાનો હતો.
આધ્યાત્મિક ગુરુ વિમલા ઠકાર અહીં આવ્યાં ત્યારે તેમણે આખા શિલ્પ ભવનમાં ફરીને કહ્યું હતું કે અહીં 125 વર્ષ પહેલાં સૂફી સંત રહેતા હતા. કાંતિભાઈએ હસીને કહેલું કે મેં શિલ્પ ભવન બનાવ્યું એ પછી અનેક સૂફી સંતો અહીં આવ્યા છે.ખુદ કાંતિભાઈ પણ કોઈ સૂફી સંતથી ક્યાં સહેજે ઉતરતા હતા.. ?
અંગત કમાણીમાંથી જમીન ખરીદી હતી
અમદાવાદના એક પરા એવા ચાંદલોડિયા ખાતે 1967ના સમયગાળામાં આવીને વસેલાં, ગાંધીવિચારને વરેલા કળાકાર-શિલ્પી કાંતિભાઈ બી.પટેલે પોતાની અંગત કમાણીમાંથી ખરીદેલી જમીન અને એની ઉપર એશિયાના સૌથી વિશિષ્ટ એવા ફાઉન્ડ્રી સહિતના સ્ટુડિયો-‘શિલ્પ-ભવન’નું નિર્માણ કર્યું હતું.
આજથી બે-અઢી દાયકા પહેલાં, શુદ્ધબુદ્ધિથી કરેલાં પોતાના વસિયતનામામાં એમણે કુલ ૯૨૭૦ ચો.વાર ના વિસ્તારમાં ફેલાયેલી આ સમગ્ર મિલકત, જમીન-એની ઉપરનો સ્ટુડિયો અને વલસાડી ટેસ્ટના ચીકુ પકવતી આખી વાડી, ગાંધીજીના ટ્રસ્ટીશિપના સિદ્ધાંત મુજબ આગામી પેઢીના કળાકારો માટે લલિતકલા અકાદમી, દિલ્હીને ભેટ ધરી હતી. આગામી પેઢીના કળાકારો માટે ભારતના પશ્વિમ વિભાગમાં ગુજરાત અને એમાંય અમદાવાદસ્થિત આ સ્ટુડિયો લલિતકલા અકાદમીનું પ્રમુખ કેન્દ્ર બનશે.
તપસ્વી કળાકારે સર્વસ્વનું દાન કર્યું
દસમી ઓક્ટોબર, 2018ના રોજ દિલ્હી, રવીન્દ્રભવન સ્થિત લલિતકલા અકાદમીના અધ્યક્ષ શ્રી.ઉત્તમજી પાચારણેએ મંત્રી શ્રી.રાજન ફૂલારી અને કાયદાકીય સલાહકાર શ્રી.મહેન્દરકુમાર ભારદ્વાજ સાથે શિલ્પભવનની મુલાકાત લીધી હતી અને શ્રી કાંતિભાઈ બી. પટેલ દ્વારા લલિતકળાના ઉમદા કાર્ય માટે અપાઈ રહેલી આ અમૂલ્ય ભેટનો વિધિવત્ સ્વીકાર કર્યો હતો.
એક તપસ્વી કળાકારે સમાજ પ્રત્યે, પોતાની જેવા કળાકારોની આગામી પેઢી માટે પોતાનું સર્વસ્વ દાન કરીને સમાજ માટે પણ એક અનુકરણીય માર્ગ દર્શાવ્યો છે, એમ કહી એમણે કાંતિભાઈની આ દાનવૃત્તિને મુક્ત કંઠે બિરદાવી હતી. એટલું જ નહીં, એમણે પશ્વિમ વિભાગના પ્રમુખ કેન્દ્રનું નામકરણ -‘શિલ્પભવન લલિતકલા અકાદમી કેન્દ્ર, અમદાવાદ’ તરીકે કર્યું હતું.
ટૂંક સમયમાં નવોદિત અને સિદ્ધહસ્ત કળાકારો માટે વિવિધ કળાઓના કેમ્પ, સેમિનાર જેવી અનેકવિધ પ્રવૃત્તિઓથી શિલ્પભવન કેન્દ્ર ધબકતું થશે એવો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો.
કાંતિભાઈનું સરદાર પટેલે સન્માન કર્યું હતું
અધ્યક્ષશ્રી પોતે પણ શિલ્પી છે એટલે એમણે ફાઉન્ડ્રીની સાધનસામગ્રીથી માડીને સમગ્ર સ્ટુડિયોની મુલાકાત લીધી હતી. લલિતકલા અકાદમીના અધિકારીઓની મુલાકાત સમયે કાંતિભાઈના સ્વજનો-સ્નેહીઓ સર્વશ્રી જયશ્રીબહેન, નિરંજનભાઈ મહેતા, વાસુદેવ મહા, અમલા બહેન, જગદીશ પટેલ, ગુલાબભાઈ અને હરેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
ભારત સરકારે તેમને 2004માં પદ્મશ્રીથી નવાજ્યા હતા. એ ઉપરાંત પણ તેમને અનેક એવોર્ડ મળ્યા હતા. એ વાત જુદી છે કે તેઓ બધાથી પર હતી. તેઓ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પ્રબોધેલું સ્થિતપ્રગ્ન જીવન જીવ્યા હતા. કાંતિભાઈ પટેલના કિશોરકાળમાં તેમનું સન્માન સરદાર પટેલના હસ્તે થયું હતું.
નડિયાદમાં વિઠ્ઠલભાઈ પટેલની તેમણે પ્રતિમા બનાવી હતી. સરદાર પટેલે તેમનો સુર્વણચંદ્રક આપ્યો હતો. એ વખતે યુવા તસવીરકાર મનહર ચોકસી (હવે સ્વર્ગસ્થ)એ એ યાદગાર અને ઐતિહાસિક તસવીર લીધી તેમના જીવનની એ પ્રથમ તસવીર હતી. આ સાથે એ તસવીર રજૂ કરીએ છીએ.