ધોરાજી નજીક ભાદર નદીના પુલ પરથી કાર નીચે ખાબકતા 4 લોકોના દર્દનાક મોત- પરિવારમાં ફેલાઈ અરેરાટી

Dhoraji Accident: રાજકોટમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતની આ ઘટનામાં ચાર લોકોમાં મોત નીપજ્યા છે. ધોરાજીમાં કાર ભાદર ડેમમાં ખાબકી હતી, જેના…

Dhoraji Accident: રાજકોટમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતની આ ઘટનામાં ચાર લોકોમાં મોત નીપજ્યા છે. ધોરાજીમાં કાર ભાદર ડેમમાં ખાબકી હતી, જેના લીધે તેમાં સવાર ચાર લોકોનાં મોત થયા છે. કાર રેલિંગ તોડીને ડેમમાં ખાબકી હતી. જ્યારે કારનું ટાયર ફાટતા અકસ્માત(Dhoraji Accident ) થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ મૃતકો ધોરાજીના રહેવાસી હોવાની માહિતી સામે આવી છે.

સમગ્ર પંથકમાં અરેરાટી
મળતી માહિતી મુજબ, ઉપલેટા હાઈવે ઉપર રોયલ સ્કૂલ પાસે ભાદર-2ના પૂલ ઉપરથી અકસ્માતે કાર નીચે ખાબકતા ત્રણ મહિલા સભ્યો સહિત ચાર લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માતની માહિતી મળતા પોલીસ તથા 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઘવાયેલા તેમજ મૃતકોના મૃતદેહો ધોરાજી હોસ્પિટલે ખસેડ્યા હતાં. બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભાદર નદીમાં પડેલી કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. તેમજ ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

કારનો ખુરદો બોલી ગયો
સ્થાનિક સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજી નજીકના માંડાસણ ગામે ચાલી રહેલ સોમયજ્ઞમાંથી ધોરાજીનો પરિવાર પરત ફરી રહ્યો હતો. ત્યારે ભાદરના પુલ ઉપર કારનું ટાયર ફાટતા કાર અકસ્માતે 50 ફૂટથી વધુ ઉંડાઈ નીચે ખાબકી હતી અને કારનો ખુરદો બોલી ગયો હતો. આ કારમાં સવાર ધોરાજીના ઠુંમર અને કોયાણી પરિવારના ત્રણ મહિલા સભ્યો સહિત ચાર લોકોના કરૂણ મોત નીપજ્યા હોવાનું જાણવા મળે છે.

આ લોકોના મોત થયા
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા અનુસાર મૃતકનાં નામ 55 વર્ષીય સંગીતાબેન કોયાણી, 52 વર્ષીય લીલાવંતીબેન ઠુમ્મર, 55 વર્ષીય દિનેશભાઈ ઠુમ્મર અને 22 વર્ષીય હાર્દિકાબેન ઠુમ્મર હોવાનું સામે આવ્યું છે. આ કાર માંડાસણથી ધોરાજી તરફ જઈ રહી હતી. ત્યારે જ કોઈ કારણોસર કાર ભાદર ડેમમાં પડી જતા અકસ્માત સર્જાયો હતો. મૃતકો ધોરાજીના જેતપુર રોડ નજીકના રહેવાસી હોવાનું તેમજ પ્રાથમિક તબક્કે કારનું ટાયર ફાટ્યું હોવાને કારણે અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે.

ધોરાજી સરકારી હોસ્પિટલમાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. આ ગોઝારા અકસ્માતને લઈ મૃતકોના પરિવારની સાથે સાથે સમગ્ર ધોરાજી પંથક અને આસપાસનાં ગામોમાં પણ શોકનો માહોલ છવાયો છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.