રેલવે સ્ટેશન(Railway station) પર હંમેશને માટે લોકોની દોડધામ રહેતી હોય છે. એવામાં ઘણી વાર લોકોને ઈજા થતી હોય છે. ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, સુરત(Surat) રેલવે સ્ટેશને સોમવારે સદનસીબે એક મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રેનના ગાર્ડની સાવચેતીને પગલે એક મુસાફર ટ્રેનની નીચે આવતાં બચી ગયો હતો. ગાર્ડે સમયસર ઇમર્જન્સી બ્રેક લગાવતાં મુસાફરનો જીવ બચ્યો હતો.
મળતી માહિતી મુજબ આ ઘટના સવારે 8:38 કલાકે સુરત સ્ટેશને બની હતી. ટ્રેન નંબર 19091 બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસ પોતાના નિર્ધારિત સમયે 8:32 કલાકે સુરત સ્ટેશને પ્લેટફોર્મ નંબર 1 પર આવી હતી. 5 મિનિટના રોકાણ બાદ 8:37 કલાકે તે ઉપડી હતી. તે જ દરમિયાન આશરે 40 વર્ષનો એક મુસાફર ટ્રેનના કોચ બી-6માંથી ઉતરવાના પ્રયાસમાં પોતાનું સંતુલન ગુમાવી બેસ્યો હતો, તે સમયે ટ્રેનની ઝડપ 20 કિમીની હતી.
તે દરમિયાન સ્ટેશન પર લોકો મુસાફરને બચાવવા માટે પાછળ-પાછળ દોડવા લાગ્યા હતા. પરંતુ, એમ કઈ ચાલતી ટ્રેને કોઈને બચાવી શકાય નહિ. આ તો તે યુવકના સદનસીબે ટ્રેન ગતિ પકડે તે પહેલાં જ ગાર્ડ પ્રિયેશ સિંહની નજર તે ટ્રેન પરથી નીચે ઉતરવાની કોશિશ કરતા યુવક પર પડી હતી અને તેમણે સહેજ પણ સમય બગાડ્યા વિના ઇમરજન્સી બ્રેક લગાવી દીધી. જેના કારણે ટ્રેન અટકી ગઇ હતી અને મુસાફરનો જીવ બચી ગયો. આ છતાં પણ ટ્રેન અટકે ત્યાં સુધીમાં 30 મીટર સુધી તે યુવક ઘસડાતો રહ્યો હતો.
ગાર્ડ પ્રિયેશ સિંહના જણાવ્યા મુજબ, ‘ટ્રેન ચાલુ થયા બાદ મારી નજર અચાનક નીચે ઉતરવાની કોશિશ કરતાં મુસાફર પર પડી. જો હું આ બાબતની સૂચના પાયલોટને આપત અને તેઓ બ્રેક મારત ત્યાં સુધી ઘણું મોડું થઇ ચૂક્યું હોત અને કદાચ મુસાફરનો જીવ બચાવવો મુશ્કેલ થઇ જાત. આ સ્થિતિમાં મુસાફરનો જીવ બચાવવા માટે મને ઇમર્જન્સી બ્રેક લગાવવી જ યોગ્ય લાગી. આ રીતે ગાર્ડની સમજદારી તેમજ તે યુવકના સદનસીબે તેનો જીવ બચી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.