આજે મોદી ગોરખપુરની મુલાકાતે, પીએમ-કિસાન યોજનાની કરશે શરૂઆત, કુંભમાં ડૂબકી પણ લગાવશે

વડાપ્રધાન નરેન્દ્રમોદી આજે ગોરખપુર અને પ્રયાગરાજની મુલાકાતે છે. ગોરખપુરથી મોદી ખેડૂત સન્માન નિધિ(પીએમ-કિસાન)ની શરૂઆત કરશે. સાથે જ અહીં ચાલી રહેલાં રાષ્ટ્રીય ખેડૂત અધિવેશનનું સમાપન કરશે.…

વડાપ્રધાન નરેન્દ્રમોદી આજે ગોરખપુર અને પ્રયાગરાજની મુલાકાતે છે. ગોરખપુરથી મોદી ખેડૂત સન્માન નિધિ(પીએમ-કિસાન)ની શરૂઆત કરશે. સાથે જ અહીં ચાલી રહેલાં રાષ્ટ્રીય ખેડૂત અધિવેશનનું સમાપન કરશે. તો પ્રયાગરાજમાં કુંભમાં ડૂબકી લગાવશે. અહીં ત્રિવેણી પૂજનની સાથે જ વડાપ્રધાન અક્ષયવટ અને સરસ્વતી કૂપના દર્શન પણ કરશે. ગત 13 દિવસોમાં મોદી ચોથી વખત ઉત્તરપ્રદેશ જઈ રહ્યાં છે.

ગોરખપુરમાં મોદી એક રેલી પણ સંબોધિત કરશે. સાથે જ હોસ્પિટલમાં આયુષ વિંગ અને સુગર મિલનું લોકાર્પણ પણ કરશે. મોદી લગભગ બે કલાક ગોરખપુરમાં રહેશે. આ દરમિયાન તેઓ એક રેલી સંબોધશે. ત્યાંથી તેઓ પ્રયાગરાજ જશે.

સૌથી લાંબી પાઈપલાઈનનો પાયો નાંખશે:

મોદી ગોરખપુરમાં જ દેશની સૌથી લાંબી LPG પાઈપલાઈન પ્રોજેક્ટનો પાયો નાંખશે. તેની લંબાઈ 1987 કિલોમીટર હશે. આ પાઈપલાઈન ગોરખપુરથી અમદાવાદ, ઉજ્જૈન, ભોપાલ, કાનપુર, પ્રયાગરાજ, વારાણસી અને લખનઉ થઈ ગોરખપુર સુધી પહોંચશે. આ પ્રોજેક્ટ પર 9000 કરોડ રૂપિયા ખર્ચ થશે.

જો કે હજુ તે નથી જણાવાયું કે યોજના ક્યાં સુધીમાં પૂરી થશે. હાલ સૌથી લાંબી ગેસ પાઈપલાઈનને ગેલ સંચાલિત કરે છે, જેની લંબાઈ 1,415 કિલોમીટર છે. જે ગુજરાતના જામનગરથી લોની (ગાઝિયાબાદ) સુધી જાય છે.

સુતા હનુમાનના દર્શન કરશે: 

કુંભમાં સ્નાન પછી પાંચ તીર્થ પુરોહિત વડાપ્રધાનને ત્રિવેણી પૂજન કરાવશે. મોદી અક્ષયવટ, સરસ્વતી કૂપ અને સુતા હનુમાન મંદિર પણ જશે.

અહીં અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગીરી મહારાજ તેમને પૂજા અને આરતી કરાવશે. જે બાદ તેઓ ગંગા પંડાલમાં સફાઈ કર્મચારીઓને સન્માનિત કરશે.

ડિસેમ્બરમાં પણ કુંભ ગયા હતા મોદી:

કુંભ શરૂ થતાં પહેલાં ડિસેમ્બરમાં મોદી પ્રયાગરાજ પહોંચ્યા હતા. તેઓએ ત્યાં ગંગા પૂજનની સાથે જ અક્ષયવટના દર્શન પણ કર્યા હતા. આ રીતે મોદી બીજી વખત કુંભ આવી રહ્યાં છે.

કેબિનેટ મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે જણાવ્યું કે કુંભ મેળામાં વડાપ્રધાન સ્વચ્છતાને લઈને ચલાવવામાં આવેલાં કાર્યક્રમોને પણ જોશે.

13 દિવસમાં ચોથી વખત ઉત્તરપ્રદેશની મુલાકાતે: 

આ પહેલાં 11 ફેબ્રુઆરીએ મોદી વૃંદાવન અને નોયડા, 15 ફેબ્રુઆરીએ ઝાંસી પહોંચ્યા હતા. 22 ફેબ્રુઆરીએ તેઓએ પોતાના સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાત લીધી હતી.

મોદીની આ મુલાકાતને લોકસભા ચૂંટણીમાં ભાજપની તૈયારીઓના રૂપે જોવામાં આવે છે. 2014માં થયેલી લોકસભા ચૂંટણીમાં રાજ્યની 80માંથી 71 બેઠકો પર ભાજપે જીત મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *