PM મોદીએ 85 હજાર કરોડ રૂપિયાના રેલવે પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ, 10 નવી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી

Vande Bharat Express: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ગુજરાત તરફથી દેશને રૂ. 1 લાખ કરોડના પ્રોજેક્ટની ભેટ આપી છે. આ સાથે તેમણે 10 નવી વંદે ભારત ટ્રેનોને(Vande Bharat Express) લીલી ઝંડી બતાવી હતી. PM મોદી આજે સવારે ગુજરાતના અમદાવાદ પહોંચ્યા હતા અને અહીંથી તેમણે દેશમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

આમાંથી એકલા 85,000 કરોડ રૂપિયાથી વધુના રેલવે પ્રોજેક્ટ છે.વડાપ્રધાનની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પણ હાજર છે. મોદીએ અમદાવાદમાં સાબરમતી ખાતે મહાત્મા ગાંધી આશ્રમની પણ મુલાકાત લીધી હતી. તેઓ આજે રાજ્યમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.

પાંચ વર્ષમાં ભારતીય રેલ્વેને કાયાકલ્પ કરશે
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, વિકસિત ભારત માટે જે નવું નિર્માણ થઈ રહ્યું છે તે સતત વિસ્તરી રહ્યું છે. દેશના ખૂણે ખૂણે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને નવી નવી યોજનાઓ શરૂ થઈ રહી છે. તેમણે કહ્યું કે, આજે હું દેશને ખાતરી આપું છું કે આગામી 5 વર્ષમાં તમે ભારતીય રેલ્વેમાં એવું પરિવર્તન જોવા મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આ દિવસ આ સંકલ્પશક્તિનો જીવંત પુરાવો છે.

હવે 11 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ
વડાપ્રધાને કહ્યું કે, જો હું વર્ષ 2024ની જ વાત કરું તો લગભગ 75 દિવસમાં 11 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. છેલ્લા 10-12 દિવસમાં જ 7 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આજે પણ, દેશે વિકસિત ભારત તરફ એક મોટું પગલું ભર્યું છે અને રૂ. 1 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું છે. તેમાંથી આજે દેશને રૂ. 85 હજાર કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ મળ્યા છે.

યુવાનોને પ્રોજેકટનો વધુ લાભ મળશે
મોદીએ કહ્યું, ભારત યુવા દેશ છે અને અહીં મોટી સંખ્યામાં યુવાનો રહે છે. તેમણે કહ્યું, હું ખાસ કરીને મારા યુવા મિત્રોને કહેવા માંગુ છું કે આજનું ઉદ્ઘાટન તમારા વર્તમાન માટે છે અને આજે જે શિલાન્યાસ કરવામાં આવ્યો છે તે તમારા ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી લઈને આવ્યો છે.

2014 પછી ઉત્તર પૂર્વમાં આશ્ચર્યજનક વિકાસ
પીએમએ કહ્યું કે, 2014 પહેલા દેશમાં 6 નોર્થ ઈસ્ટ રાજ્યો હતા જેની રાજધાની આપણા દેશની રેલ્વે સાથે જોડાયેલી ન હતી. 2014 માં, દેશમાં 10 હજારથી વધુ માનવરહિત રેલવે ક્રોસિંગ હતા, ત્યાં વારંવાર અકસ્માતો થતા હતા. 2014માં માત્ર 35 ટકા રેલ્વે લાઈનોનું વીજળીકરણ થયું હતું. રેલ્વે લાઈનોને બમણી કરવી એ અગાઉની સરકારોની પ્રાથમિકતા ન હતી.