2019 ની લોકસભા ચૂંટણી દરમિયાન પ્રધાનમંત્રી મોદી ના કામો ગણાવાના સમયે ઉજ્વલા યોજના સૌથી વધુ ચર્ચામાં રહી હતી. જાણે કે ઉજ્વલા યોજના સિવાય પ્રધાનમંત્રીએ પાંચ વર્ષ કંઇ કર્યું જ ના હોય. આ ઉજ્વલા યોજના પર સીએજી ની રિપોર્ટ એ કેટલાંક પ્રશ્નો ઉભા કર્યા છે. આ યોજના હેઠળ અમુક મામલાઓમાં એક જ મહિનામાં 41 સિલિન્ડર ભરાણા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
શું એક મહિનામાં કોઈ પરિવારને 41 ગેસ સિલિન્ડરની જરૂર પડી શકે ખરી? પરંતુ ઉજ્વલા યોજના ગરીબ લાભાર્થીઓ ના નામથી 41 વખત સિલિન્ડર ભરાવવામાં આવ્યા છે. આ વાત સીએજીની ઓડિટ રિપોર્ટમાં સામે આવી છે.
સંસદમાં જાહેર થયેલ CAG ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉજ્વલા યોજના હેઠળ 1.96 લાખ ગરીબ લાભાર્થીઓ દ્વારા એક જ મહિનામાં 3 થી 41 બાટલા રિફિલ કરાવવામાં આવ્યા છે. આનાથી શંકા ઉપજે છે કે ગરીબ લાભાર્થીઓ માટે ચાલુ કરવામાં આવેલ આ યોજના હેઠળ આપવામાં આવતા સિલિન્ડરોનો ઉપયોગ કોઈક બીજી જગ્યાએ થાય છે. 1.98 BPL લાભાર્થીઓ દ્વારા વર્ષમાં સરેરાશ ૧૨ થી વધુ સિલિન્ડર વાપરવામાં આવે છે જે અશક્ય જણાય છે. આમ છતાં સિલિન્ડર ભરાવાના સરેરાશ આંકડા ઘટયા છે. સરેરાશ 3.21 સિલિન્ડર એક વર્ષમાં ભરાવવામાં આવે છે.
આ વિષય પર નિર્મલા સીતારમન ને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે,” સરકારની પ્રાથમિકતા છે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર વ્યવસ્થા ની મદદથી ચોરી રોકવામાં આવે. સી એ પોતાના રિપોર્ટમાં ગેસ સિલિન્ડરના ડાયવર્ઝન ના ખતરાની આગાહી કરી છે, ચોરીની વાત નથી કરી. ”
સીએજી ની ઓડિટ રિપોર્ટ એ સરકારને ચેતવણી આપી કે ઉજ્વલા યોજના નો પૂરતો લાભ જરૂરિયાત મંદ લોકો સુધી નથી પહોંચી રહ્યો. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું છે કે સીએજી ની રિપોર્ટ ની તપાસ થવી જોઇએ. બીજેડીના પ્રસન્ના આચાર્યએ કહ્યું કે સરકારે સીએજીના રિપોર્ટના આધારે કાર્યવાહી શરૂ કરવી જોઇએ.