સુરત(Surat): હાલમાં સુરતમાંથી એક પ્રેરણારૂપી કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, અહીં સુરતના કાપોદ્રા(Kapodra) વિસ્તારમાં કામ કરતા ડિલિવરી મેન (Delivery Man)નું 13 લાખના હીરા (Diamonds)નું પડીકું રસ્તામાં પડી ગયુ હતું. જે કાપોદ્રા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે રિક્ષાચાલક પાસેથી શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યુ હતું. જેને લઈને પોલીસ કમિશનરે પોલીસકર્મી અને રિક્ષાચાલકનું સન્માન કર્યુ હતું. સાથે હીરાના માલિકે રિક્ષા ચાલકની ઈમાનદારીની કદર કરી તેને પ્રોત્સાહિત કરતાં ઇનામ આપ્યું હતું. આ રિક્ષાચાલકે ઈમાનદારી (Honesty)નો અનોખો દાખલો બેસાડ્યો છે.
પેકેટ રિક્ષાચાલકને મળ્યું હતું:
સુરતને ડાયમંડ સિટી કહેવામાં આવે છે. સુરતમાં મોટાભાગની રોજગારી હીરા ઉદ્યોગ પર જ નિર્ભર છે. જેના કારણે સુરતમાં હીરા ઉદ્યોગમાં રોજિંદા કરોડોની લેવડ દેવડ થતી હોય છે. એક માર્કેટથી બીજા માર્કેટમાં હીરાની ડિલિવરી કરવામાં આવતી હોય છે. આ દરમિયાન સુરતના કાપોદ્રા વિસ્તારમાં ડિલિવરીમેનનું કામ કરતા જીગર ઠાકર લાખો રૂપિયાના હીરા લઈને નીકળ્યો હતો. જેમાં એક 13 લાખથી વધુનું હીરાનું પેકેટ વરાછા રોડના ઓવર બ્રિજ પર પડી ગયું હતું અને તે આગળ નીકળી ગયો હતો.
લાખોના હીરાનું પડેલું પેકેટ પાછળથી આવતા રિક્ષા ચાલકે જોયું હતું. જેથી તેણે પેકેટ લઈને પોતાના ઘરે મૂકી દીધું હતું. જોકે આ બાબતની જાણ ડિલિવરીમેનને થતા તેમને કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચાલુ કરાઈ હતી.
પોલીસે 8 દિવસ તપાસ કરી:
જાણવા મળ્યું છે કે, પોલીસે 8 દિવસ સુધી તપાસ કરી હતી. આ સમયે તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. જેના પરથી જાણ થઈ હતી કે, રિક્ષાચાલક દ્વારા પેકેટ લેવામાં આવ્યું છે. તેથી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે રિક્ષા ચાલક અસલમને શોધી કાઢ્યો હતો. તેની પાસેથી તમામ 13 લાખના હીરા સહી સલામત મળી આવ્યા હતા. ત્યારબાદ હીરાના પેકેટ મૂળ માલિકને કાપોદ્રા પોલીસ દ્વારા પરત આપવામાં આવ્યા હતા.
રિક્ષાચાલકે માનવતા દાખવી હોવાને કારણે પોલીસ કમિશનરે રિક્ષાચાલક અસલમ પાયકનું સન્માન કર્યુ હતું. કાપોદ્રા પોલીસના સ્ટાફે 8 દિવસ સુધી સીસીટીવી ફૂટેજ વર્ક આઉટ કરી કામગીરી કરી બતાવી હતી. જેને લઈને પોલીસ કમિશનર દ્વારા કાપોદ્રા પોલીસને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. હીરાના માલિકે રિક્ષા ચાલકની ઈમાનદારીની કદર કરી તેને પ્રોત્સાહન રૂપે 11 હજારનું રોકડનું ઈનામ પણ આપ્યું હતું.
સાચવીને હીરા મૂકી દીધેલા-રિક્ષાચાલક:
રિક્ષા ચાલક અસલમ પાયકએ જણાવ્યું હતું કે, ‘હું સ્ટેશનથી આવતો હતો. તે સમયે હીરાનું પેકેટ મળ્યું હતું. જેથી મેં પેકેટ સાચવીને મૂકી દીધું હતું. ત્યારબાદ પોલીસકર્મીઓ આવ્યા હતા. મેં તે હીરાનું પેકેટ પોલીસકર્મીઓને સોપી દીધું હતું. જેથી મારું પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે સન્માન કર્યું હતું. હીરાનું પેકેટ કોઈ અજાણી વ્યક્તિને હાથે ના લાગે તે માટે મેં સાચવીને મૂકી દીધું હતું.’
માનવતાના દર્શન થયા-ડિલિવરી મેન:
ડીલવરીમેન તરીકે કામ કરતા જીગર ઠાકરએ જણાવ્યું હતું કે, ‘હીરા પડી જવાનું માલુમ પડતા હું ચોંકી ઉઠ્યો હતો. મેં તાત્કાલિક કાપોદ્રા પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલીસે સતત 7થી 8 દિવસ તપાસ કરી હતી. આખરે રિક્ષાચાલકને શોધી કાઢ્યો હતો. તમામ હીરા પરત મળી ગયા છે. જેથી હું પોલીસકર્મી અને રિક્ષા ચાલકનો આભાર વ્યક્ત કરું છું. રિક્ષા વાળાની માનવતા પણ સારી છે. જેથી અમે તેઓને 11 હજાર રૂપિયાનું ઇનામ પણ આપ્યું છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.