માં આધ્યશક્તિની ભક્તિ માટે આગામી રવિવારથી શરૃ થઈ રહેલા નવરાત્રીના તહેવાર દરમિયાન સુરતમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોના આયોજકોને ઇન્ચાર્જ પોલીસ કમિશનરે તમામ પ્રકારની તકેદારી રાખવા સૂચના આપી છે. આ ઉપરાંત સુરત પોલીસે સલામતી માટેના બંદોબસ્તની સંપૂર્ણ તૈયારી કરી ચૂકી છે અને ખાસ તો મહિલાઓની સુરક્ષા બાબતે પોલીસે વિશિષ્ટ આયોજન કર્યું છે.
આગામી રવિવારથી શરૃ થઈ રહેલા નવરાત્રીના તહેવાર દરમિયાન સુરત શહેરમાં અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે સુરત શહેર પોલીસે તમામ પ્રકારની તૈયારી કરી કરી દીધી છે. તે અંગે માહિતી આપતા ઈન્ચાર્જ પોલીસ કમિશનર હરિકૃષ્ણ પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન યોજાનારા તમામ આયોજનોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, મહિલાઓની સુરક્ષા પણ જળવાય તેમજ ટ્રાફિક નિયમન થાય તે માટે તમામ આયોજકોને યોગ્ય તકેદારી રાખવા સૂચના આપી છે. ગરબા આયોજકોએ ગરબાના સ્થળે સીસીટીવી કેમેરા, મેટલ ડિટેક્ટર, પાકગ સિક્યુરિટી ગાર્ડ અને વધારાના વોલેન્ટિયરની વ્યવસ્થા કરવાની રહેશે તેમજ મહાનગર પાલિકા તેમજ વીજ કંપનીના જરૃરી લાયસન્સ મેળવવાના રહેશે. ફાયર સેફટી અંગે પણ આયોજકોએ પૂરતી વ્યવસ્થા કરવાની રહેશે.
ઇન્ચાર્જ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના જાહેરનામાના આધારે રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબા ચાલુ રાખી શકાશે અને ધ્વનિના નિયમો અંગેનું પાલન કરવાનું રહેશે. સુરત પોલીસે આ વખતે મહિલાઓ અને યુવતીઓ ભયમુક્ત બની આનંદથી નવરાત્રી માણી શકે તે માટે તેમની સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી છે. નવરાત્રી દરમિયાન સુરત શહેર પોલીસની 60 પીસીઆર વાન, 60 પેટ્રોલિંગ વાન સતત પેટ્રોલિંગ કરશે અને દરેકમાં એક મહિલા પોલીસ કર્મી તૈનાત રહેશે. તે માટે એસઆરપી અને ટીઆરબીની મહિલા પોલીસ કર્મીઓની પણ મદદ લેવામાં આવશે. જાહેર સ્થળોએ છેડતીના બનાવોને અટકાવવા માટે પોલીસ સતર્ક રહેશે અને કોઈપણ પ્રકારના બનાવને પહોંચી વળવા કવીક રીસ્પોન્સ ટીમ તૈનાત રહેશે.
નવરાત્રી દરમિયાન પોલીસની હોટલો, પ્રાઇવેટ ફાર્મ હાઉસ અને એકાંત વાળા રસ્તા ઉપર ચાંપતી નજર રહેશે
નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષાના ભાગરૃપે સુરત પોલીસ વિવિધ હોટલો ઉપર, પ્રાઇવેટ ફાર્મ હાઉસમાં તેમજ એકાંતવાળા રસ્તાઓ ઉપર સતત નજર રાખશે. ઉપરાંત, પોલીસ સતત વાહન ચેકિંગ પણ કરશે.પોલીસે મહિલાઓને અજાણી અથવા ટૂંકા પરિચય વાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીણાં અને ખાદ્ય પદાર્થ ખાવાનું ટાળવા તેમજ તેવી વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા ઉપર વ્યક્તિગત બાબતો કે ફોટોગ્રાફ શર નહીં કરવા વિનંતી કરી છે. જો કોઈ વ્યક્તિ તેમનો પીછો કરતું લાગે તો તરત જ પોલીસનો સંપર્ક કરવા કહેવાયું છે.
મહિલાઓએ ફોનમાં લોકેશન ફીચર ઓન મોડમાં રાખવું
મહિલાઓ નવરાત્રી દરમિયાન જે સ્થળે જાય તેની માહિતી પરિવારજનોને આપે અને મોબાઇલ ફોનના સેટિંગમાં લોકેશન ફીચર હંમેશા ઓન મોડ ઉપર રાખે તેવી સૂચના પોલીસે આપી છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય પરિસ્થિતિમાં મહિલા જો પોલીસ કંટ્રોલરૃમ હેલ્પલાઇનનો સંપર્ક કરશે તો તેને તરત જ મદદ પહોંચાડવામાં આવશે અને પોલીસ તેને સુરક્ષિત ઘર સુધી પહોંચાડશે.
મોટર વ્હીલક એક્ટ અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમો થશે
નવા મોટર વ્હીકલ એક્ટ અંગે જાગૃતિ લાવવા માટે સુરત પોલીસ નવરાત્રી ઉત્સવનો ભરપૂર ઉપયોગ કરશે તેમ ઈન્ચાર્જ પોલીસ કમિશનરે જણાવ્યું હતું. પોલીસ મોટા ગરબાના સ્થળોએ ટ્રાફિક જાગૃતિ અંગે ટ્રાફિક ગરબા, નુક્કડ નાટક જેવા કાર્યક્રમો કરશે. ઉપરાંત, દરેક આયોજકોને ગરબાના સ્થળે જરૃરી લાઈટીંગ સાથે આ અંગેના હોડગ્સ મૂકવા પણ સૂચના આપવામાં આવી છે. પોલીસ કમિશનરે ખેલૈયાઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પણ વિનંતી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.