જંગલી જાનવરના હુમલાથી ગરીબ ઘરના ખેડૂતે ગુમાવ્યો ચહેરો, સિવિલ હોસ્પીટલે કરી 12 લાખની ફ્રીમાં સર્જરી

હાલ એક એવી ઘટના સર્જાઈ છે જેમાં પ્રવીણભાઇ કરસનભાઇ ભોભી રાત્રી સમય દરમિયાન ખેતરમાં કામ કરી રહ્યા હતા. અચાનક ત્યાં જંગલી પ્રાણીએ તેમના પર ઘાતકી હુમલો કર્યો! આ હુમલો એટલો ઘાતક હતો કે જંગલી પ્રાણીના પંજાથી પ્રવીણભાઇના ચહેરા પર થયેલી ઇજાએ ચહેરાના 40 ટકા ભાગને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો. આ દરમિયાન પ્રવીણભાઈ ભોભી બચી તો ગયા, પણ જંગલી પ્રાણીના પંજાના પ્રહારથી તેમનો 40 ટકા ચહેરો બગડી ગયો હતો.

અચાનક બનેલી આ ઘટના બાદ પ્રવીણભાઈના પરિવાર દ્વારા તેમને ઇડર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા ત્યાંથી તેમને હિંમતનગર હોસ્પિટલે લઈ જવાયા. હિંમતનગર હોસ્પિટલના તબીબોએ તેમના ઇજાગ્રસ્ત થયેલા બેડોળ ચહેરાને જોઇને સર્જરીની ગંભીરતાનું અનુમાન લગાવી લીધું હતું. એ કારણોસર જ પ્રવીણભાઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ જવા સૂચન કરવામાં આવ્યું. અમદાવાદ સિવિલમાં આવ્યા બાદ તેમને બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવ્યાં.

અહીં ચકાસણીના અંતે જાણવા મળ્યું કે, જાનવરના પંજાના પ્રહારથી પ્રવીણભાઈએ ચહેરાના ડાબા ભાગે આંખનું ઊપલી અને નીચલી પાંપણ, ગાલ, ઉપલા હોઠનો એક હિસ્સો તથા નાકનો અમુક હિસ્સો ગુમાવી દીધો હતો. આ પરિસ્થિતિમાં થોડા સમય બાદ પ્રવીણભાઈની હાલત ગંભીર બની જાય તેમ હતી, તેથી ઊંડી ચકાસણી બાદ ડોક્ટરો દ્વારા પ્રવીણભાઈની રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરીને તેમને એક નવો ચહેરો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો.

ગાલ અને હોઠના ભાગે નરમ પેશીઓની ખામીને પૂરવા માટે રેડિયલ ફોરઆર્મ ફ્રી માઇક્રોવાસ્ક્યુલર ફ્લૅપ સર્જરીથી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. નાક અને ઉપરની પાંપણને કપાળની માંસપેશી લઈને બનાવવામાં આવેલાં, જ્યારે નાક અને આંખની અંદરનો ભાગ બનાવવા સાથળની ચામડી અને તાળવામાંથી મયુકોસા લેવામાં આવ્યા.

પ્રવીણભાઈની સર્જરી કુલ મળીને 10 કલાક સુધી ચાલી હતી અને તમામ પ્રથમ રિકન્સ્ટ્રક્શન એક જ વખતની સર્જરીમાં કરવામાં આવ્યું હતું. ડો.જયેશ, પી.સચદે, ડો. માનવ, પી.સુરી, ડો.હિરેન.એ.રાણા અને પ્લાસ્ટિક સર્જરી વિભાગની ટીમ, એનેસ્થેસિયા વિભાગ તથા ઓપ્થેલ્મોલોજી વિભાગની ટીમ પણ આ સર્જરીમાં જોડાઈ હતી.

આ કિસ્સાથી સાબિત થાય છે કે, ગુજરાતમાં અગાઉ આવી ખર્ચાળ સર્જરી માત્ર ધનિક વર્ગ જ કરાવી શકતા હતા. જે આજે સરકારી હોસ્પિટલોમાં ગરીબ વર્ગના લોકો માટે પણ વિનામૂલ્યે ઉપલબ્ધ થઈ છે. ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં સતત 10 કલાકથી વધુ સમય ચાલેલી પ્રવીણભાઈની સર્જરી અને સંપૂર્ણ સારવાર વિનામૂલ્યે થઈ છે. જેની સામે અન્યત્ર ખાનગી હોસ્પિટલમાં અંદાજિત 10થી 11 લાખ રૂપિયાનો ખર્ચ થયો હોત.

કોવિડ-19ની મહામારીના કપરાકાળમાં પણ અત્યારસુધીમાં અમદાવાદ સિવિલના બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગે સહેજ પણ ડગ્યા વગર દર્દીઓની સેવા કરી હતી. અને આ ગાળામાં અંદાજે 1300 જેટલી સર્જરી કરીને કર્તવ્ય પરાયણતાની મિસાલ સ્થાપી છે. આ સમગ્ર ઘટના ઇડર તાલુકાના આંકલા ગામમાં બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *