દેશમાં ખુબ જ ઝડપી ગતિએ વધી રહેલી મોંઘવારી(Inflation) વચ્ચે હવે ફરી એક વખત વીજળીનો ‘આંચકો’ લાગી શકે છે. આકરી ગરમીમાં વીજળી(Electricity)ની માંગને પહોંચી વળવા સરકાર 76 મિલિયન ટન કોલસા(Coal)ની આયાત કરવાની તૈયારી કરી રહી છે.
વાસ્તવમાં દેશના પાવર પ્લાન્ટ્સની નજીકની સ્થાનિક ખાણોમાંથી કોલસાની અછત સર્જાઈ છે અને માંગ પ્રમાણે વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું નથી. એવું માનવામાં આવે છે કે, ચોમાસાના વરસાદને કારણે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કોલસાના ઉત્પાદનને વધુ અસર થશે. આવી સ્થિતિમાં, માંગને પહોંચી વળવા માટે, સરકારી કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) લગભગ 15 મિલિયન ટન કોલસાની આયાત કરશે.
આ સિવાય દેશની સૌથી મોટી પાવર જનરેશન કંપની NTPC અને દામોદર વેલી કોર્પોરેશન (DVC) પણ લગભગ 23 મિલિયન ટન કોલસાની આયાત કરવાની યોજના બનાવી રહી છે. આ સાથે અન્ય સરકારી અને ખાનગી વીજ ઉત્પાદન કરતી કંપનીઓ પણ તેમના વપરાશને પહોંચી વળવા 38 મિલિયન ટન કોલસાની આયાત કરી શકે છે. આ રીતે, વર્ષ 2022 માં જ દેશમાં લગભગ 76 મિલિયન ટન કોલસાની આયાત કરવામાં આવશે, જે વૈશ્વિક બજારના દરે કરવામાં આવશે.
વીજળીના બિલમાં પ્રતિ યુનિટ 80 પૈસાનો વધારો થશે:
કોલસાની આયાતનો સીધો અર્થ એ છે કે, હવે વીજળીનું ઉત્પાદન મોંઘું થશે. દેખીતી રીતે, પાવર જનરેટ કરતી કંપનીઓ આ વધેલી કિંમત ગ્રાહકો પાસેથી વસૂલ કરશે અને તેમના વીજળી બીલ પર બોજ વધશે. આગામી દિવસોમાં વીજળીની પ્રતિ યુનિટ કિંમતમાં 50-80 પૈસાનો વધારો થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ અંગે બે સરકારી અધિકારીઓનું કહેવું છે કે, યુનિટ દીઠ ખર્ચમાં વધારો એ વાત પર નિર્ભર રહેશે કે પાવર સ્ટેશન દરિયાઈ બંદરથી કેટલા દૂર છે. મતલબ કે, બંદરોથી સ્ટેશન સુધી કોલસાના પરિવહનનો ખર્ચ પણ કંપનીઓના ખર્ચમાં વધારો કરશે.
શા માટે આયાતનો માર્ગ અપનાવવામાં આવ્યો?
આ મામલા સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે, દેશમાં ગરમી વધવાની સાથે વીજળીનો વપરાશ પણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. આ વર્ષે દેશમાં 60 લાખથી વધુ એસીનું વેચાણ થયું છે, જ્યારે 9 જૂનના રોજ દેશભરમાં સૌથી વધુ 211 ગીગાવોટ પાવરનો વપરાશ થયો હતો. જો કે ચોમાસા સાથે તેમાં ઘટાડો થયો છે, પરંતુ 20 જુલાઈના રોજ મહત્તમ વપરાશ 185.65 ગીગાવોટ હતો. હાલમાં કંપનીઓને વીજળીની માંગને પહોંચી વળવા માટે દૈનિક 21 લાખ ટન કોલસાની જરૂર પડે છે. ચોમાસાના કારણે ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કોલસાના ઉત્પાદનને અસર થશે. તેથી કંપનીઓએ તેમની માંગને પહોંચી વળવા આયાતનો માર્ગ અપનાવવો પડશે.
કંપનીઓનું કહેવું છે કે, કોલસાની અછત 15 ઓગસ્ટ પછી જ શરૂ થશે, પરંતુ આશા છે કે આયાત દ્વારા તેની ભરપાઈ કરવામાં આવશે. આ સિવાય 15 ઓક્ટોબર પછી સ્થિતિ વધુ સાનુકૂળ બનશે, કારણ કે પછી વીજ વપરાશમાં ઘટાડો થશે અને ચોમાસાના અંત પછી કોલસાનું ઉત્પાદન પણ વધી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.