સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડની ‘વોન્ટેડ’ ‘સિંઘમ’ જેવી અનેક હિટ ફિલ્મ્સનો ભાગ રહી ચૂકેલા ફેમસ એક્ટર પ્રકાશ રાજે વર્ષ 2019માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં બેંગલુરુ સેન્ટ્રલથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
આ પહેલા પ્રકાશે નવા વર્ષ પર ચૂંટણી લડવાની જાહેરાત કરતાં ટ્વીટ કર્યું હતું કે,’દરેકને નવા વર્ષની શુભકામનાઓ. એક નવી શરુઆત અને વધારે જવાબદારી. તમારા સપોર્ટથી હું આવનારી લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ. ટૂંક સમયમાં જ તમારી સાથે સ્થળની જાણકારી પણ શૅર કરીશ.
અબ કી બાર જનતા કી સરકાર’ હવે પ્રકાશ રાજે સ્પષ્ટ કર્યું છે કે તે બેંગલુરુ સેન્ટ્રલ લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે.
નોંધનીય છે કે પ્રકાશ રાજ અનેકવાર બીજેપી સરકારની ટીકા કરવાના કારણે ચર્ચામાં રહી ચૂક્યો છે. કર્ણાટકમાં યેદિયુરપ્પાના રાજીનામા પછી તેણે બીજેપી અને પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે,’કર્ણાટકનો રંગ કેસરિયો નહીં થાય. મેચ શરુ થતાં પહેલા જ પૂરો. 56 ઈંચને ભૂલી જાઓ તે 55 કલાક પણ કર્ણાટક સંભાળી નહીં શકે.’ તેમના આ નિવેદન પછી પ્રકાશ રાજ ખૂબ જ ટ્રોલ થયાં હતાં.