નવી નવેલી દુલ્હનની જેમ સજી ઉઠ્યું ગાંધીનગર- જુઓ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો આલ્હાદક વિડીયો

VGGS 2024: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી કડીનું આયોજન આગામી 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી કરવામાં આવ્યું છે.વાઇબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિવિધ દેશના વડા અને દેશ- વિદેશના મહેમાનોને આવકારવા માટે ગાંધીનગરને દુલ્હનની જેમ શણગારાયું છે. મહાત્મા મંદિરથી વિધાનસભા સુધીનો સ્વર્ણિમ પાર્ક રોશનીથી ઝળહળી ઉઠ્યો છે.વાઇબ્રન્ટ ગુજરાત સમિટ( VGGS 2024)ને લઇને  વહિવટી તંત્ર અને સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આપણા પાટનગર ગાંધીનગરને રોશનીથી એ રીતે શણગારવવામાં આવ્યું છેકે, પ્રથમ દૃષ્ટિએ તમને એમજ લાગશે કે આ કોઇ વિદેશના સિટીનો નજારો છે. ગુજરાત વિધાનસભાથી મહાત્મા મંદિર સુધીના સેન્ટ્રલ વિસ્ટાને જે રીતે શણગરાવવામાં આવ્યું છે, તેને જોઇને તમે પણ કહી ઉઠશો કે વાહ શું નજારો છે.

ગાંધીનગરને દુલહનની જેમ શણગારવામાં આવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.10 જાન્યુઆરી 2024ના રોજ 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે સૌને આવકારવા ગાંધીનગર સંપૂર્ણ સજ્જ બન્યું છે.તેમજ શહેરના નાગરિકો માટે પણ સ્વર્ણિમ પાર્ક આકર્ષણનું કેન્દ્ર બનતા સેલ્ફી પોઇન્ટ બની ગયો છે. વાયબ્રન્ટ- તિરંગા સહિતની વિવિધ થીમ આધારિત રોશની- લેઝર લાઈટથી શણગારાયું છે. વિધાનસભાને ગોલ્ડન રોશનીથી શણગારાયું છે.

એરપોર્ટ પરથી રોડ-શો ગાંધી આશ્રમ તરફ જશે
જે વિસ્તારમાંથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા આવનાર ડેલિગેશન પસાર થવાનું છે. એ તમામ વિસ્તારને સુંદર રીતે સજાવવામાં આવી રહ્યા છે. વાઇબ્રન્ટ સમિટ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ-શો યોજાવવાનો છે. આ રોડ-શોમાં વડા પ્રધાન સાથે યુએઇના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન પણ જોડાશે.અમદાવાદ શહેરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી રોડ-શો ગાંધી આશ્રમ તરફ જશે. ગુજરાતમાં યોજાનારી ગ્લોબલ સમિટ અને વડા પ્રધાનના રોડ શો પહેલાં સમગ્ર રોડ પર જુદા-જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમ જ એક્ટિવિટી માટે સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યા છે. રોડના ડિવાઇડર, રેલિંગનું રંગરોગાન થઈ રહ્યું છે.આખાય માર્ગ પરના તૂટેલા ભાગોનું સમારકામ થઇ રહ્યું છે. આ સાથે નવાં વૃક્ષો રોપાઈ રહ્યાં છે. ડિઝાઇનર થાંભલા ઊભા કરી એમાં લટકતાં છાબડાં અને રંગબેરંગી છોડ તૈયાર કરાઈ રહ્યાં છે. એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ તરફ જતા માર્ગ પર ખજૂરીના વિશાળ વૃક્ષને રોપવામાં આવી રહ્યાં છે.

VVIP મુવમેન્ટને ધ્યાનમાં રાખી બેરિકેડ બનાવવામાં આવી રહ્યા છે
અમદાવાદના એરપોર્ટ પરથી ગાંધી આશ્રમ તરફ જતા માર્ગને સ્વચ્છ અને સમારકામ કરવા માટે રાજ્ય સરકારના જુદા-જદા વિભાગ તેમ જ મ્યુનિસિપલ કોર્પોરેશન કામે લાગી ગયું છે. શહેરના માર્ગો પરનાં દબાણો હટાવી વીવીઆઇપી મુવમેન્ટને ધ્યાનમાં રાખી બેરિકેડ બનાવવામાં આવી રહ્યા છે. વાઇબ્રન્ટ સમિટ પહેલાં રોશનીથી અમદાવાદ શહેર અને ગાંધીનગરના માર્ગોને સજાવવામાં આવી રહ્યા છે. આ સાથે ગ્રોથ એન્જિન ગુજરાત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, વાઇબ્રન્ટ ગુજરાત, ડેવલપમેન્ટને લગતાં વિશાળ હોર્ડિંગ્સ તમામ માર્ગો પર મૂકવામાં આવ્યાં છે.