શતાબ્દી મહોત્સવમાં ‘વિચરણ દિન’ની ઉજવણી- બાબા રામદેવએ પ્રમુખસ્વામીને અર્પણ કરી અંજલિ, જાણો શું કહ્યું?

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: જનસેવા અને સમાજસેવા માટે સમગ્ર વિશ્વમાં ઘર-ઘર સુધી વિચરણ કરીને પ્રમુખસ્વામી મહારાજે(Pramukhswami Maharaj) એક અનોખો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. માનવ માત્રમાં નૈતિક મૂલ્યોના સ્થાપન અને જતન માટે સમય, સંજોગો, શારીરિક તકલીફો કે સુવિધાઓને ગણકાર્યા વગર પ્રમુખસ્વામી મહારાજ પરહિતસુખાય સતત વિચરતા રહ્યા. એક એક ક્ષણનો ઉપયોગ કરીને વિચરણ દ્વારા લાખો ભાવિકોને આશ્વાસન-માર્ગદર્શન-પ્રેરણા આપતાં પ્રમુખસ્વામી મહારાજ સૌના સ્વજન બન્યા હતા.

મહત્વનું છે કે, ‘વિચરણ દિન’ની વિશિષ્ટ સભાનો આરંભ BAPS ના સંગીતવૃંદ દ્વારા ૪:૪૫ વાગ્યે ધૂન – કીર્તન સાથે કરવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના બૃહદ જીવનચરિત્રનું આલેખન કરનાર BAPS ના પૂ આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચનમાળા હેઠળ જણાવતા કહ્યું હતું કે, “પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રમુખ જ્યોતી ઉદ્યાન ની રચના કરવામાં આવી છે જેનો મુખ્ય આશય પ્રમુખસ્વામી મહારાજને ભગવાન પ્રત્યેની શ્રદ્ધાનું દર્શન સમગ્ર વિશ્વને થાય તે છે. પ્રમુખસ્વામી મહારાજ શ્રદ્ધા ના સાકાર મૂર્તિ સમાન સંત હતા અને તેમને લાખો હરિભક્તોના ભગવાન પ્રત્યેની શ્રદ્ધાની જ્યોતી પ્રજ્વલિત કરી છે.

આ પ્રમુખ સ્વામી નગરમાં મુખ્ય 6 વિષયો આવરી લેવામાં છે:
પ્રકૃતિમાં શ્રદ્ધા, દેશમાં શ્રદ્ધા, વિશ્વમાં શ્રદ્ધા, ગુરુમાં શ્રદ્ધા, ભગવાનમાં શ્રદ્ધા અને શાસ્ત્રોમાં શ્રદ્ધા એમ મુખ્ય 6 વિષયો આવરી લેવામાં આવ્યા છે.

પતંજલિ યોગપીઠના સ્થાપક, યોગાચાર્ય યોગઋષિ બાબા રામદેવએ પ્રમુખસ્વામીને અર્પણ કરી અંજલિ:
બાબા રામદેવએ પ્રમુખસ્વામીને અંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, આ શતાબ્દી મહોત્સવ એ સાંસ્કૃતિક ક્રાંતિનો મહોત્સવ છે અને આ ક્ષણ એ જીવનભરની સ્મૃતિ છે. મેં મારી આંખો થી ૩ કુંભના દર્શન કર્યા છે પરંતુ અહી અમદાવાદ માં ૬૦૦ એકર માં નિર્માણ પામેલા સાંસ્કૃતિક મહાકુંભના દર્શન કરી રહ્યો છું.

વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, 1000 થી વધારે વિવેકી,સંતોષી અને સનાતની સંતોના દર્શન કરીને તેમનામાં મને પ્રમુખસ્વામી મહારાજના દર્શન થાય છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આધુનિક પ્રબંધન નહિ પરંતુ પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય શક્તિ કાર્ય કરી રહી છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં મને “ગુરુમુખી” સંતો અને સ્વયંસેવકોના દર્શન થઈ રહ્યા છે. આ શતાબ્દી મહોત્સવ એ સનાતન ધર્મના ગૌરવરૂપી મહોત્સવ છે.

મેં આજથી 30 વર્ષ પહેલાં પ્રમુખસ્વામી મહારાજનાં આશીર્વાદ લીધા હતા ત્યારે મને કોઈ જાણતું નહોતું પરંતુ અત્યારે આખા વિશ્વમાં ભારતીય યોગનો પ્રચાર થઈ રહ્યો છે એવા સમર્થ ગુરુ હતા પ્રમુખસ્વામી મહારાજ. પ્રમુખસ્વામી મહારાજ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના નહિ પરંતુ વૈદિક સનાતન સંસ્કૃતિના ગૌરવ સમાન પુરુષ છે અને તેમની ઉપસ્થિતિ માત્રથી સૌમાં ઊર્જા આવી જતી હતી. જ્યાં આવીને વાણી મૌન થઈ જાય અને નિશબ્દ થઈ જવાય એ જ પ્રમુખસ્વામી મહારાજની દિવ્યતા અને ભવ્યતા છે. પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને સંતોના દર્શન કરીએ ત્યારે તેમાં પ્રમુખસ્વામી મહારાજના જ દર્શન થાય છે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે પ્રમુખસ્વામીને અર્પણ કરી અંજલિ:
પીયૂષ ગોયલે જણાવતા કહ્યું હતું કે, આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રવેશ કરતાંની સાથે જ પ્રમુખસ્વામી સ્વામી મહારાજની ભવ્ય મૂર્તિનાં દર્શન કર્યા અને મેં તેમની પ્રેમ અને વાત્સલ્યભરી આંખોનું તેજ અનુભવ્યું. મારું સૌભાગ્ય છે કે લંડન સ્વામિનારાયણ મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા વખતે મને ત્યાં હાજર રહેવા મળ્યું હતું અને મારું જીવન ધન્ય બની ગયું. મુંબઈમાં પણ ૧૯૯૫ માં પ્રમુખસ્વામી મહારાજ અમૃત મહોત્સવમાં પણ મને હાજર રહેવા મળ્યું હતું એ મારું સૌભાગ્ય હતું.

વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, અબુધાબી માં ભવ્ય હિન્દુ મંદિર ના એલોટમેન્ટ લેટર નું ક્રમાંક ૦૦૧ છે જે સૂચવે છે કે ઇસ્લામિક દેશમાં પ્રથમ વખત હિન્દુ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે એની પાછળ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ રહેલા છે. મારા મતે પ્રબંધન , સ્થાપત્ય કલા , સમર્પણ ભાવ , નિઃસ્વાર્થ સેવા વગેરે શીખવા માટે આ પ્રમુખસ્વામી મહારાજ નગર અને બી.એ.પી.એસ સંસ્થા એ ઉત્તમ સંસ્થાન છે.

યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓને સહી સલામત પાછા લાવવા માટે તેમજ તેમના ભોજનની વ્યવસ્થામાં પણ બી એ.પી.એસ સંસ્થાએ અદભુત સહયોગ પૂરો પાડ્યો છે તે માટે હું આ સંસ્થાનો આભારી છું. પ્રમુખસ્વામી મહારાજે દેશ ભક્તિમાં દેવ ભક્તિનો ઉપદેશ આપ્યો છે. પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સમગ્ર દેશવાસીઓ સાથે હંમેશા રહેશે એવું હું દ્રઢપણે માનું છું.

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતાં જાણો શું કહ્યું?
મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતાં કહ્યું કે, પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે ,વિચરણ કરવાથી સત્સંગ વધે છે, હરિભક્તો રાજી થાય અને ભગવાનની સેવા થાય. નીર વહેતા ભલા અને સંત તો ચલતા ભલા” એ ભાવના સાથે પ્રમુખસ્વામી મહારાજ સમગ્ર જીવન જીવ્યા છે અને ભીડો વેઠીને વિચરણ કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજે ગુરુ સામે દૃષ્ટિ રાખીને વિચરણ કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજ “સૌમ્યમૂર્તિ” હતા અને આવા પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપવા પધારેલા સૌ મહાનુભાવોને વંદન કરું છું અને તેમણે પ્રમુખસ્વામી મહારાજ માટે અંતરની લાગણીઓ કહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *