જનરલ કોચમાં ભીડના કારણે યાત્રીઓને થનારી મુશ્કેલીઓને દૂર કરવા માટે રેલવે હવે બાયોમેટ્રીક ટોકનથી એન્ટ્રી આપશે. રેલવે આ વ્યવસ્થાનને જલદી લાગુ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. રેલવેનું કહેવું છે કે આનાથી જનરલ કોચમાં યાત્રીઓ વચ્ચેની ખેંચતાણ અને પહેલેથી જ પૈસા લઇને લોકોને ટિકિટ આપતાં કુલીઓ અને બીજા કર્મચારીઓ પર લગામ લાગશે. બાયોમેટ્રીક ટોકન ટિકિટ લેવાના સમયે જ યાત્રીને આપવામાં આવશે. યાત્રીએ જનરલ કોચની બહાર લાગેલા સ્કેનિંગ મશીન પર ટોકન સ્કેન કરવો પડશે. ત્યારબાદ જ RPFના જવાનો યાત્રીઓને ડબ્બામાં પ્રવેશવા દેશે.
ટ્રેનોના જનરલ કોચમાં પણ હવે જેટલી બેઠકો હશે તેટલી જ ટિકિટો ફાળવવામાં આવશે. આ સુવિધાને સૌથી પહેલા મધ્ય રેલવે પુષ્પક એક્સપ્રેસમાં લાગુ કરશે. પશ્ચિમ રેલવે હવે વિચાર કરી રહ્યું છે કે સૌથી પહેલા આ સુવિધાને કયા ડિવીઝનમાં શરૂ કરવામાં આવે.
રેલવે સામે સૌથી મોટો પડકાર ગરમીની આ ઋતુમાં વધી રહેલી ભીડનો છે. પ્રશ્ન એ છે કે જો જેટલી બેઠકો છે તેટલા જ ટોકનો આપવામાં આવશે તો બાકી વધેલા પેસેન્જરો કેવી રીતે યાત્રા કરશે. સુરતના એક વરિષ્ઠ રેલવે અધિકારીએ કહ્યું કે, આ એક પડકાર છે, પરંતુ પ્રાયોગિક રીતે તેને શરૂ કરવા પર વિચાર કરી રહ્યાં છીએ. રેલવે યાત્રીઓ આને સુવિધા બનાવવાની કોશીશ કરશે. વધારે યાત્રીઓ હશે તો ડબ્બા વધારવા માટે પણ વિચાર કરવામાં આવશે.
પશ્ચિમ રેલવેના એક અધિકારીએ કહ્યું કે, જનરલ ટિકિટ લેતી વખતે જ વિન્ડો પરથી યાત્રીને એક બાયોમેટ્રીક ટોકન આપી દેવામાં આવશે. ટ્રેન જ્યારે સ્ટેશન પર પહોંચશે ત્યારે યાત્રીએ બાયોમેટ્રીક ટોકનને કોચની બહાર લાગેલા મશીન પર સ્કેન કરવું પડશે, આ પ્રક્રિય પૂર્ણ થયા બાદ જ RPFના જવાનો યાત્રીઓને પ્રવેશ આપશે અને તેનાથી ભીડ ઓછી થશે.