રાજયમાં ફરી વરસાદ, આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ રહેશે. બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ભાવનગર, બોટાદ અને મોરબીમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. કચ્છ જિલ્લાના વિસ્તારોમાં દિવસભર વરસાદી માહોલ રહેશે.

અમદાવાદમાં આખીરાત ધીમીધારે વરસાદ

અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીં આખી રાત વરસાદ વરસ્યો છે. જેમાં પશ્ચિમ વિસ્તારમાં સેટેલાઇટ, વસ્ત્રાપુર, ચાંદખેડા, નવા વાડજ, મેમનગર, આંબાવાડી, ગોતા, ઘાટલોડિયા, નહેરૂનગર, બોડકદેવમાં વરસાદ વરસ્યો છે. જ્યારે પૂર્વમાં બાપુનગર, ઇસનપુર, શાહીબાગ, કુબેરનગર, દિલ્હી દરવાજા, કાંકરિયા, મણીનગર માં વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં સિઝનનો 21 ઇંચ વરસાદ નોંધાયો છે.

સુરત શહેરમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો

સુરત શહેરમાં મોડી રાત્રે વરસાદ શરૂ થઇ ગયો છે. મોડીરાત્રે ધોધમાર વરસાદ બાદ વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થઇ ગયો છે. સુરતના નાનપુરા, અઠવા લાઈન, ચોક બજાર વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ઉપરાંત અડાજણ, રાંદેર, વરાછા, લિંબાયત, પર્વતપાટિયા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ઉધના, ઘોડાદરા, પૂણા વિસ્તારમાં વરસાદ શરૂ થઇ ગયો છે. તો સિવિલ હોસ્પિટલ, રિંગરોડ, સલાબતપુરા વિસ્તારમાં પણ વરસાદ ચાલું છે.

ખેડામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર અલર્ટ

ખેડામાં ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ પર છે. હાલ કડાણા ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી વણાંકબોરી ડેમમાં છોડવામાં આવ્યું છે. જ્યારે પાનમ ડેમમાંથી 22 હજાર ક્યુસેક પાણી વણાંકબોરી ડેમમાં છોડવામાં આવ્યું છે. વણાંકબોરી ડેમમાં 1.72 લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે. વણાંકબોરી ડેમમાં પાણીની આવક થતાં ડેમ 3 ફૂટ ઓવરફ્લો થયો છે. જ્યારે મહીસાગર નદીના જળસ્તરમાં પણ વધારો થવાની શક્યતા છે. જેને લઇ ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના 11 ગામોને એલર્ટ કરી દેવાયા છે.

પંચમહાલ જિલ્લામાં ધીમીધારે વરસાદ

પંચમહાલ જિલ્લામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. હાલોલ અને ગોધરામાં વરસાદ પડી રહ્યો છે. જ્યારે કાલોલ અને ઘોઘંબામાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે જાંબુઘોડામાં પોણો ઇંચ અને મોરવાહડફમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદની આગાહીના પગલે NDRFની ટીમ એલર્ટ પર છે. NDRFની ટીમ ગોધરા ખાતે સ્ટેન્ડબાય રખાઇ છે.

વડોદરા શહેરમાં સવારથી ધીમીધારે વરસાદ શરૂ થઇ ગયો છે. વીઆઈપી રોડ, કારેલીબાગ વિસ્તાર, વાઘોડિયા રોડ, આજવા રોડ, ફતેગંજ, સયાજીગંજ વિસ્તારમાં વરસાદ શરૂ થઇ ગયો છે. સમા, રાવપુરા વિસ્તારમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *