બિકાનેર એક્સપ્રેસ વે પર ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત- એકસાથે પરિવારના 5 લોકોને ભરખી ગયો કાળ, મૃતદેહ જોનારાઓનુ કાળજુ કંપી ગયું

Rajasthan Accident: હાલમાં રાજસ્થાનના બિકાનેર જિલ્લામાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર આવ્યા છે. અહીં ભારતમાલા એક્સપ્રેસ વે(Rajasthan Accident ) પર એક ભયાનક અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. મૃતકોમાં બે પુરૂષ, બે મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત બિકાનેરના નોખા પોલીસ સ્ટેશન વિસ્તારના રાસીસર ગામ પાસે થયો હતો.એવું કહેવામાં આવ્યું હતું કે ઝડપભેર સ્કોર્પિયો ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ડૉક્ટર દંપતી અને તેમની 18 મહિનાની પુત્રી સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

મૃતકોના પરિવારજનોને જાણ કરી
નોખાના રાસીસર પાસે આ અકસ્માત થયો હતો. મૃતકોમાં, ડૉ. પ્રતિક અને તેમની પત્ની હેતલ, ગુજરાતના કચ્છ ભુજના રહેવાસી અને તેમની 18 મહિનાની પુત્રી નાયસાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ સાથે સામુદાયિક આરોગ્ય અધિકારી ડૉ. પૂજા કર્મકસ્થ અને તેમના પતિ કરમકૃષ્ણનું પણ મૃત્યુ થયું હતું. બીકાનેરના એસપી તેજસ્વિની ગૌતમ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મૃતકોના મૃતદેહને નોખા જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. પ્રશાસને મૃતકોના પરિવારજનોને જાણ કરી છે.

તમામ લોકો ગુજરાતના
એસપીએ જણાવ્યું કે, ટ્રક અને સ્કોર્પિયો કાર વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 5 લોકોના મોત થયા હતા. તમામ લોકો ગુજરાતના રહેવાસી છે. ટક્કર એટલી જોરદાર હતી કે અડધું વાહન ટ્રકની નીચે દબાઈ ગયું હતું. નજીકના લોકોએ ભારે મુશ્કેલીથી લોકોને કારમાંથી બહાર કાઢ્યા હતા. અકસ્માત બાદ નેશનલ એક્સપ્રેસ હાઈવે પર જામ થઈ ગયો હતો. તમામ મૃતકો ગુજરાતથી પહેલગાંવ કાશ્મીર ગયા હતા, પરત ફરતી વખતે કરૂણ અકસ્માત સર્જાયો હતો.

ગઈકલે ગુજરાતમાં અકસ્માતની બે ઘટનામાં છ લોકોના મોત થયા હતા
ગઈકાલે ગુજરાતમાં બે અકસ્માતની ઘટના બની હતી, જેમાં બહુચારાજીના અંબાલા ગામમાંથી ઠાકોર પરિવારનો સંઘ પગપાળા વરાણા ખાતે ખોડિયાર માતાજીના દર્શનાર્થે જઈ રહ્યો હતો ત્યારે મોડી રાત્રે હારીજ-ચાણસ્મા હાઈવે પર દાંતરવાડે ગામ નજીક અજાણ્યા વાહને સંધને અડફેટે લેતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બીજી ઘટનામાં પાટણના ચાણસ્માના ઘરમોડા નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા બાઈક ચાલક અને કારમાં સવાર બે વ્યક્તિ સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા હતા.