રાજકોટના ધોરાજીમાં ફાટ્યું આભ: 6 કલાકમાં ખાબક્યો 10 ઈંચ વરસાદ- લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા, બેટમાં ફેરવાઈ સોસાયટીઓ

Heavy rain in Dhoraji: ગુજરાતભરમાં હાલમાં મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદ પડતાં ગાડીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. સર્વત્ર જળ નજરે પડી રહ્યું છે. ગુજરાતમાં પાંચ દિવસ સાર્વત્રિક મેઘમહેરની આગાહી વચ્ચે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. રાજકોટના ધોરાજીમાં(Heavy rain in Dhoraji) 6 કલાકમાં જ 10 ઈંચ જેટલો વરસાદ પડતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે.

ધોરાજી પંથકમાં 10 ઈંચ વરસાદ પડતાની સાથે જળબંબાકાર સ્થિતિ સર્જાઈ રહી છે. ધોરાજીના બહાર પુરા ખ્વાજા સાહેબ દરગાહ પાસે ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ છે. તો ધોરાજી કુંભારવાડા વિસ્તાર રામપરા વિસ્તાર બહાર પુરા વિસ્તારો બેટમાં ફેરવાયા ગયા છે. ધોરાજીમાં માત્ર 2 કલાકમાં જ 6 ઈંચ વરસાદથી પાણી પાણી થઈ ગયું છે.

ભારે વરસાદના કારણે ધોરાજી-જતેપુર રોડ, જૂનાગઢ રોડ, જમનાવડ રોડ, સ્ટેશન રોડ તેમજ મેઈન બજારમાં ઘુંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. બજારોમાં પાણી ભરાઈ જતાં વેપારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.ધોરાજીમાં આજે સવારથી અત્યાર સુધી કુલ 10 ઈંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે જેને લઈને હવે ઘણી મુશ્કેલી વધી ગઈ છે. નીચાણવાળા વિસ્તારોની અનેક સોસાયટીઓમાં રસ્તા પર તેમજ લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.

જ્યારે ગીર સોમનાથના સૂત્રાપાડામાં ચાર કલાકમાં જ 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. કોડીનાર સુરત, તાલાલા અને મેંદરડામાં પણ ચાર-ચાર ઈંચ વરસાદપડી ચૂક્યો છે. વરસાદની વચ્ચે જસદણ તાલુકામાં વીજળી પડવાના કારણે 21 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું હતું.

સુરતમાં ભારે વરસાદને કારણે કોર્પોરેશનનો પ્રી-મોનસુનનીનો પ્લાન કાગળની જેમ પાણીમાં વહેવા લાગ્યો છે. ભારે વરસાદના કારણે સુરતમાં પણ કમર સુધી પાણી ભરાયા હતા. શહેરનુ તંત્ર રહી-રહીને સફાળે જાગ્યુ હતું. આ મામલે શહેરના મેયર દ્વારા જણાવવામાં આવ્યુ કે મેટ્રોની કામગીરીના કારણે શહેરમાં પાણી ભરાયુ છે.

તો બીજી બાજુ સ્થાનિકોએ દ્વારા પણ તંત્રની કામગીરી વિરુદ્ધ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. શહેરના વરાછા ઉમિયા માતાના મંદિર નજીક વરસાદ પડતા સર્વિસ રોડ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદી પાણી ભરવાના કારણે અનેક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *