રાજકોટના વનિતાબેન બન્યા દેશના સૌથી શ્રેષ્ઠ શિક્ષક: સાચી રાહ બતાવી સેંકડો વિદ્યાર્થીઓના ભવિષ્યને કર્યા ઉજ્જવળ

આવતીકાલે એટલે કે, 5 સપ્ટેમ્બરનાં રોજ બાળકો ‘શિક્ષક દિન’ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરશે. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા નેશનલ ટીચર્સ અવૉર્ડની યાદી જાહેર કરવામાં આવી…

આવતીકાલે એટલે કે, 5 સપ્ટેમ્બરનાં રોજ બાળકો ‘શિક્ષક દિન’ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરશે. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા નેશનલ ટીચર્સ અવૉર્ડની યાદી જાહેર કરવામાં આવી છે. આ ટીચર્સ અવૉર્ડ 5 સપ્ટેમ્બરે એટલે કે, શિક્ષકદિન નિમિત્તે અપાશે.

આ અવૉર્ડ માટે સમગ્ર દેશમાંથી 44 શિક્ષકની પસંદગી કરાઈ છે કે, જેમાં ગુજરાતના 2 શિક્ષકનો પણ સમાવેશ કરાયો છે. આ 2 પૈકી એક રાજકોટના નગર પ્રાથમિક શિક્ષણ શાળાનાં આચાર્યા એવાં વનિતાબહેન રાઠોડની પણ પસંદગી કરવામાં આવી છે.

સ્કૂલને Dમાંથી A ગ્રેડ અપાવ્યો, આસપાસની બે ખાનગી સ્કૂલ બંધ થઈ:
શિક્ષકદિન નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વરદ હસ્તે અવૉર્ડ એનાયત ઠશે. જ્યારે રાજકોટના શિક્ષકની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતાં શિક્ષણજગતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. D ગ્રેડ શાળાને A ગ્રેડ સુધી પહોંચાડી બાળકોનો સર્વાંગી વિકાસ કરવા થતા અથાગ પ્રયાસોને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે અવૉર્ડ આપવાનો નિર્ણય લીધો છે. ફક્ટત આટલું જ નહિ, નવાઈની વાત તો એ છે કે, આ શાળાની આજુબાજુના વિસ્તારમાં ચાલતી 2 ખાનગી શાળાને તાળા લાગી ગયાં છે તેમજ બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરવા માટે આવી રહ્યાં છે.

ડોક્ટર બનવાનું હતું સ્વપ્ન:
આચાર્યા વનિતાબેન રાઠોડનો જન્મ 10 ઓક્ટોબર વર્ષ 1979ના રોજ જૂનાગઢ જિલ્લામાં આવેલ માણાવદરમાં થયો હતો તેમજ તેમના પિતા બેંકમાં નોકરી કરી રહ્યા હતા. કુલ 3 ભાઈ-બહેનોમાં વનિતાબહેન ભણવામાં ખૂબ હોશિયાર હતાં તેમજ તેમણે ડોક્ટર બનવાનું સ્વપ્ન સેવ્યું હતું. જો કે, ધોરણ 10 બાદ કેટલાક સંજોગોવશાત્ તેઓ ડોક્ટર બની શક્યાં નહીં. ધોરણ 10 બાદ કોમર્સ અને પછી BBA, M.COM અને B.ED સુધીનો અભ્યાસ કર્યો હતો.

એક સુપરવાઈઝરને કારણે કોમર્સ વિષય પસંદ કરવો પડ્યો
વનિતાબહેન જણાવે છે કે, તેઓ 10ની પરીક્ષા આપી રહ્યાં હતાં ત્યારે શિક્ષક વિદ્યાર્થીઓને ચોરી કરાવી રહ્યા હતા તેમજ મને પણ ચોરી કરવા જણાવ્યું હતું. જો કે,મેં સામે ચોરી કરવા મનાઈ કરીને મારી ઉત્તરવહીમાંથી તમે જવાબ લઈ શકશો, એમ કહેતાં તેમણે મારા પેપરમાંથી સપ્લિમેન્ટરી ફાડી ફેંકી નાખી હતી, જેને લીધે માર્ક ખુબ ઓછા આવતાં કોમર્સ વિષય પસંદ કરવો પડ્યો હતો.

પોસ્ટ માસ્તર તથા માર્કેટિંગ મેનેજરની જોબ ઠુકરાવી:
વનિતાબહેને પોસ્ટ માસ્તર તેમજ માર્કેટિંગ મેનેજરની જોબ ઠુકરાવીને વર્ષ 2004માં વાંકાનેર તાલુકામાં આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરીની શરૂઆત કરી હતી કે, જ્યાં પણ સંઘર્ષ કરીને બાળકોને અભ્યાસ બાજુ વાળવા માટેના ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓ પણ સમાજની સાચી સેવા કરે એવી અંતરની ઈચ્છા:
આચાર્યા વનિતાબેન રાઠોડની પાસે અભ્યાસ કરી ચૂકેલ બાળકોને પૂરતું સારું તેમજ સાચું શિક્ષણ આપીને મહેનત કરી રહ્યાં છે. ગર્વ સાથે તેઓ જણાવે છે કે, તેમની પાસે અભ્યાસ કરી ચૂકેલાં બાળકો પૈકી એક વિદ્યાર્થિની MBBSનો અભ્યાસ કરે છે, જયારે 4 વિદ્યાર્થિની નર્સિંગનો અભ્યાસ કરે છે.

આની સાથે જ 4 વિદ્યાર્થી એન્જિનિયર છે, 1 વિદ્યાર્થી CAનો અભ્યાસ કરે છે તેમજ 1 વિદ્યાર્થી આ વર્ષે જર્નલિસ્ટ બનવા ઈચ્છે છે. તેમને આટલેથી સંતોષ નથી પણ હજુ આ રીતે મારા વધુને વધુ વિદ્યાર્થીઓ સમાજમાં ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષક બની સમાજની સાચી સેવા કરે એવી અંતરની ઇચ્છા રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *