નાગપુરમાં અર્ની વિધાનસભાથીભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના ધારાસભ્ય રાજુ નારાયણ તોડસામ અને તેની ગર્લફ્રેન્ડની ભીડે રસ્તા પર ધોલાઈ કરી હતી. ભીડનું કહેવું હતું કે ધારાસભ્ય રાજુ નારાયણને શનિવારે મહારાષ્ટ્રમાં વડાપ્રધાન સાથે મંચ પર રહેવાની અનુમતિ ન મળવી જોઈએ. એક રિપોર્ટ અનુસાર આ ઘટના તે સમયની છે જ્યારે બીજેપી નેતા પોતાની ગર્લફ્રેન્ડ પ્રિયા શિંદે સાથે એક રમત ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન કરીને પરત ફરી રહ્યાં હતાં.
પ્રિયા શિંદે અને પાર્ટી સમર્થકોને સાથે 42માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં હતાં ત્યારે તેમની પહેલી પત્ની અર્ચના તોડસામ અને તેમની સાસુ કેટલાક સમર્થકો સાથે પહોંચ્યા હતાં. થોડી વાર ઉગ્ર દલીલો થઈ જે પછી અર્ચના અને તેની સાસુએ પ્રિયાને ઢોર માર માર્યો હતો. જ્યારે તોડસામે પ્રિયા શિંદેને બચાવવાની કોશિશ કરી તો તેની પર મા, પહેલી પત્ની અને લોકોએ હુમલો કર્યો હતો. લોકો અર્ચના માટે ન્યાય માગવાની કોશિશ કરી રહ્યાં હતાં. અર્ચના એક સ્કૂલમાં શિક્ષક છે. પ્રત્યક્ષદર્શી દ્વારા બનાવવામાં આવેલી આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો. બીજેપી નેતાની ખૂબ જ ટીકા થઈ રહી છે.
આ ઘટના બની અને થોડીવાર પછી પોલીસ ત્યાં પહોંચી અને ગુસ્સામાં રહેલી ભીડ વચ્ચેથી તોડસામ અને પ્રિયા શિંદેને સુરક્ષિત બહાર નીકાળવામાં સફળ રહી હતી. પોલીસે પ્રિયાને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાવી. જેના ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ હતી.
ખેડૂત નેતા અને વસંતરા નાઈક ખેડૂત સ્વાવલંબન સમિતિના અધ્યક્ષ કિશોર તિવારીએ ઘટનાક્રમ પર વિચાર વ્યક્ત કરતાં કહ્યું કે ભાજપના નેતાની ગર્લફ્રેન્ડ સાથે જાહેરમાં અફેર બહાર આવવું તે બેશરમીભર્યો વ્યવહાર છે. તિવારીએ બુધવારે કહ્યું કે,’તેમણે પહેલા પોતાના બે બાળકો અને પત્નીને ન્યાય આપવો જોઈએ. જેણે તેમણે બીજી મહિલા માટે તરછોડ્યા છે. અર્ચના સાથે તેમણે આઠ વર્ષ પહેલા લગ્ન કર્યાં હતાં. જો તેઓ 48 કલાકની અંદર વાત નહીં માને તો અમે વડાપ્રધાનને અપીલ કરીશું કે તેઓ શનિવારે પોતાની પંધારકાવાડા યાત્રામાં આ મુદ્દાનો ઉકેલ લાવે.’ આ સમગ્ર ઘટના પર કોઈ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી.