Real Heroes of Odisha Balasore Train accident: ઓડિશા (Odisha Train accident) ના બાલાસોર (Balasore Train accident) માં ટ્રેન દુર્ઘટનાનું દ્રશ્ય હ્રદયદ્રાવક હતું, ઘાયલોની મદદ માટે સ્થળ પર પહોંચેલા યુવકોએ જણાવ્યું કે જ્યાં તેઓ પગ રાખી રહ્યા હતા, ત્યાં તેમના બુટ અને ચપ્પલ પર માંસના ટુકડા ચોંટી રહ્યા હતા. અનેક લોકો મદદ માટે ચીસો પાડી રહ્યા હતા. અમે તરત જ ફસાયેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું. ઈજાગ્રસ્ત લોકોની સાથેજ સેંકડો મૃતદેહોને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. બાલાસોરમાં અકસ્માતનો ભોગ બનેલા લોકોને મદદ કરનાર ‘રીયલ હીરો’એ જે કહ્યું, તે હૃદયને હચમચાવી નાખે તેવું છે.
ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શી 38 વર્ષીય ટુકના દાસે જણાવ્યું કે તે બહેરામપુરનો રહેવાસી છે. અહીં મંદિરના સમારકામનું કામ ચાલી રહ્યું છે, તેથી જ તે અહીં કામ કરે છે અને અહીં જ રહે છે. જ્યાં ટ્રેન દુર્ઘટના થઈ હતી તે સ્થળ મંદિરથી દૂર નથી. તેથી જ તેણે જોરદાર અવાજ સાંભળ્યો કે તરત જ તે સમજી ગયો કે ટ્રેન અકસ્માત થયો છે.
ટુકના દાસે કહ્યું કે, “મને જેવો અવાજ આવતો એટલે હું તરતજ અકસ્માત સ્થળ પર દોડી ગયો હતો. મેં ત્યાં જઈને જોયું તો ત્યાં ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતું, તે એક ભયંકર દ્રશ્ય હતું, લોકોની બૂમોના અવાજ આવી રહ્યા હતા. મેં તરત જ લોકોને મદદ કરવાનું શરૂ કર્યું, હું એક કોચની અંદર પ્રવેશ્યો અને જોયું તો ત્યાં 60 મૃતદેહો પડેલા જોવા મળ્યા, આ સાથે ઘણા લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. મારાથી બને તેટલી મેં તેમને મદદ કરી, મેં ઘાયલોને ટ્રેનમાંથી બહાર કાઢ્યા અને પાણી આપ્યું ત્યાર બાદ તેને હોસ્પિટલ પહોંચવામાં મદદ કરી.
અહીં રહેતા કેટલાક સ્થાનિક છોકરાઓએ પણ જણાવ્યું કે તેઓએ અકસ્માતમાં ઘાયલ લોકોને કેવી રીતે મદદ કરી. તેમણે જણાવ્યું કે અકસ્માત સમયે અમે ત્રણ મિત્રો નજીકમાં જ હતા, અમને ટ્રેન દુર્ઘટનાની જાણ થતાં જ અમે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અમે ટ્રેનમાં ફસાયેલા ઘાયલ લોકોને બહાર કાઢ્યા અને અમે 150 થી વધુ લોકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
માંસના ટુકડા ચંપલ સાથે ચોંટી રહ્યા હતા
એક યુવકે જણાવ્યું કે અકસ્માતનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે જ્યારે અમે લોકોને મદદ કરવા બોગીની અંદર ગયા તો દરેક જગ્યાએ કપાયેલા હાથ, કપાયેલા પગ અને કપાયેલા માથા દેખાતા હતા. અમે જ્યાં પણ પગ મૂકતા હતા ત્યાં માંસના ટુકડા અમારા ચંપલ અને બુટ સાથે ચોંટી જતા હતા. થોડી વાર તો અમને શું કરવું તે કઈ સમજાતું ન હતું, ત્યારબાદ અમે પહેલા ઘાયલોને શોધવાનું શરૂ કર્યું અને અમે તેમને શક્ય તેટલી મદદ કરી.
એ દ્રશ્ય યાદ રાખવા નથી માગતા
એક યુવકે કહ્યું કે સૌ પ્રથમ અમે ઘાયલોને બહાર કાઢ્યા હતા ત્યારબાદ તેમને પાણી આપ્યું અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અમે આખી રાત લોકોને મદદ કરવામાં વ્યસ્ત હતા, અમારા સિવાય અન્ય ઘણા લોકો હતા જેઓ ઘાયલોને મદદ કરી રહ્યા હતા. પરંતુ તે દ્રશ્ય એટલું ભયાનક હતું કે હું તેને ફરીથી ક્યારેય યાદ કરવા માંગતો નથી. લોકોની ચીસો હજુ પણ મારા કાનમાં ગુંજી રહી છે. અમે આ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છીએ, અમે લોકોને શક્ય તેટલી મદદ કરી.
કોરોમંડલ એક્સપ્રેસમાં સવાર નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) નો કર્મચારી સંભવત પ્રારંભિક બચાવ કામગીરીમાં જોડાતા પહેલા ટ્રેન અકસ્માત વિશે ઈમરજન્સી સેવાઓને જાણ કરનાર પ્રથમ વ્યક્તિ હતો. NDRF જવાન વેંકટેશ એન. ના. રજા પર હતો અને પશ્ચિમ બંગાળના હાવડાથી તમિલનાડુ જઈ રહ્યો હતો. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે વેંકટેશ આ અકસ્માતમાં બચી ગયો હતો, કારણ કે તેનો કોચ B-7 પાટા પરથી ઉતરી ગયો હતો પરંતુ તે આગળના કોચ સાથે અથડાયો ન હતો. તે થર્ડ એસી કોચમાં હતો અને તેની સીટ નંબર 58 હતો.
વેંકટેશ ઘાયલો માટે મસીહા બન્યો
કોલકાતામાં NDRFની બીજી બટાલિયનમાં તૈનાત 39 વર્ષીય વેંકટેશે સૌપ્રથમ બટાલિયનમાં પોતાના વરિષ્ઠ નિરીક્ષકને ફોન કર્યો અને અકસ્માતની જાણકારી આપી. ત્યારબાદ તેણે વોટ્સએપ પર સાઇટનું લાઇવ લોકેશન NDRF કંટ્રોલ રૂમને મોકલ્યું અને તેનો ઉપયોગ રેસ્ક્યૂ ટીમે સ્થળ પર પહોંચવા માટે કર્યો. વેંકટેશે કહ્યું, ‘મને જોરદાર આંચકો લાગ્યો… અને પછી મેં કેટલાક મુસાફરોને મારા કોચમાં પડતા જોયા. મેં પહેલા મુસાફરને બહાર કાઢ્યા અને તેને રેલ્વે ટ્રેક પાસેની દુકાનમાં બેસાડ્યા… પછી હું બીજાને મદદ કરવા ગયો હતો.
પીએમ એ અકસ્માત સ્થળનું નિરીક્ષણ કર્યું
તમને જણાવી દઈએ કે ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોના મોત થયા છે. હજુ પણ આ ટ્રેક પરથી ટ્રેનોની અવરજવર શરૂ થઈ નથી. હાલમાં પણ ટ્રેન દુર્ઘટનાને કારણે ક્ષતિગ્રસ્ત બોગીનો કાટમાળ ટ્રેક પર ફેલાયેલો છે. શનિવારે પીએમ મોદી ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. જે બાદ તે હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોની હાલત પૂછી અને તેમની સાથે વાત કરી. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું હતું કે આ ઘટનામાં જે પણ દોષિત હશે તેમને બક્ષવામાં આવશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.