ચારધામ યાત્રાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો પહેલા ફટાફટ વાંચો રજિસ્ટ્રેશનના સમાચાર; નહીં તો પસ્તાશો!

Char Dham Yatra Registration closed: ઉત્તરાખંડમાં હાલમાં ચાલી રહેલી ચારધામ યાત્રાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી વિગતો અનુસાર, મુસાફરોના ભારે ધસારાને કારણે આજે અને આવતીકાલે એટલે કે તારીખ 15મી અને 16મી મેના રોજ ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ (Char Dham Yatra Registration closed) કરવામાં આવશે.

ચારધામ યાત્રા માટે આ રજીસ્ટ્રેશન હરિદ્વાર અને ઋષિકેશમાં થતું હતું. નોંધનિય છે કે, હાલમાં હજારો શ્રદ્ધાળુઓ હરિદ્વાર અને ઋષિકેશમાં ફસાયેલા જોવા મળે છે. મળતી માહિતી અનુસાર, આ વર્ષે ચારધામની મુલાકાતે આવનાર ભક્તોની સંખ્યામાં 44%નો વધારો જોવા મળ્યો છે. જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. ગંગોત્રી ધામના પૂજારીઓ પણ આનાથી ખૂબ નારાજ થઈ રહ્યા છે.

તેમનું કહેવું છે કે, મંગળવારે ગંગા સપ્તમીના અવસર પર કોઈ પણ ભક્ત ગંગોત્રી આવી શક્યા નથી. આવું એટલા માટે થયું કારણ કે તેઓ વચ્ચે ઘણી જગ્યાએ રોકાયા હતા. 22 કલાકથી ભક્તો ટ્રાફિક જામમાં અટવાયા છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને થોડા દિવસો રાહ જોવાની અપીલ કરવામાં આવી છે.

ઓફલાઈન રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ, ઓનલાઈન ચાલુ
ચાર ધામ યાત્રા માટે ઉમટતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તારીખ 15 અને 16 મેના રોજ ઓફલાઈન રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. ઑફલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી મે મહિના માટે ચારધામ માટેના તમામ ઑફલાઇન સ્લોટ બુક કરવામાં આવ્યા છે. જેના કારણે ઘણા યાત્રિકોને મે મહિનામાં ચારધામ યાત્રા પર જવાનો સ્લોટ મળી શકતો નથી. જોકે ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ રાખવામાં આવ્યું છે.

મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય જરૂરી
મળતી માહિતી અનુસાર, અહીં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. હાલમાં હરિદ્વાર અને ઋષિકેશમાં યાત્રાના રૂટમાં ઘણી જગ્યાએ શ્રદ્ધાળુઓને રોકી દેવામાં આવ્યા છે. ધામમાં નિર્ધારિત સંખ્યા કરતા વધુ ભક્તોનો ભરાવો જોવા મળ્યો છે જેના કારણે ધામની તેમજ યાત્રિકોની સલામતી સામે ખતરો ઉભો થયો છે. આ બધું જોઈને ભક્તોને વિવિધ સ્થળોએ રોકીને પવિત્ર સ્થળોએ દર્શન માટે મોકલવામાં આવી રહ્યા છે.