સુરતમાં કોરોના મૃતકોના પરિજનો આ જગ્યાએથી સહાયના ફોર્મ મેળવી શકશે અને જમા કરાવી શકાશે- જાણો શું છે સમગ્ર પ્રક્રિયા

Published on Trishul News at 10:02 AM, Tue, 23 November 2021

Last modified on November 23rd, 2021 at 10:02 AM

સુરત(Surat): સોમવારના રોજ કેન્દ્ર સરકાર(Central Government) દ્વારા કોરોનાથી નિધન પામેલા મૃતકોને રૂ.૫૦ હજારની સહાય આપવાના નિર્ણયના અમલીકરણના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા કોવિડ(Covid-19) મૃતકના પરિવારજનોના બેંક ખાતામાં રૂ.૫૦ હજારની સહાય ચૂકવવાની પ્રક્રિયાનો આજથી તા.૨૩મી નવે.ના રોજ સુરત શહેર-જિલ્લામાં પ્રારંભ કરવામાં આવશે. આ સંદર્ભે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર આયુષ ઓક(AYUSH OAK)ના અધ્યક્ષસ્થાને મનપા અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારી, આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ફોર્મ જમા કરવા તેમજ સહાય ચૂકવવાની પ્રક્રિયાના આયોજન અને અમલીકરણ અંગે સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. વિતરણ થયેલા ફોર્મ અંગેની કામગીરીની પણ સમીક્ષા કલેક્ટરએ કરી હતી.

જિલ્લા કલેક્ટર આયુષ ઓકે જણાવ્યું હતું કે, શહેર જિલ્લામાં સહાય મેળવવા માટેના અરજી ફોર્મ વિતરણ શરૂ થઈ ચૂક્યું છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ૪૫૦ અને શહેરી વિસ્તારમાં ૩૦૦૦ થી વધુ ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે. જે પણ પરિવારમાંથી કોઈ સ્વજનનું કોરોનાને કારણે નિધન થયું હોય તે પરિવાર વળતર મેળવવા માટે અરજી કરી શકે છે. અરજીફોર્મ સાથે નિયત કરવામાં આવેલા જરૂરી પુરાવાઓ જોડવાના રહેશે. મૃતકના વારસદારો ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા મામલતદાર કચેરી તેમજ ગ્રામ પંચાયતના તલાટીની કચેરીમાં અરજીફોર્મ મેળવી જમા કરાવી શકશે, જ્યારે સુરત મહાનગરપાલિકા વિસ્તારની તમામ ઝોન ઓફિસોમાં અરજીફોર્મ મેળવીને જમા કરાવી શકશે.

કલેક્ટરએ કહ્યું કે, શહેર વિસ્તારમાં ભરાયેલા અરજી ફોર્મ મનપા દ્વારા અને જિલ્લામાં સ્વીકારવામાં આવેલા અરજીફોર્મ જે-તે મામલતદાર કચેરીઓ દ્વારા સંકલિત કરીને જિલ્લા કલેક્ટર કચેરીમાં રજૂ કરવામાં આવશે. ત્યારબાદ કલેક્ટર કચેરીમાં અરજી ફોર્મ મળ્યાના ૩૦ દિવસમાં મૃતકના વારસદારના બેંક ખાતામાં રૂ.૫૦ હજારનું વળતર જમા કરવામાં આવશે.

અરજી સાથે રજૂ કરવાના દસ્તાવેજો અંગે કલેક્ટરએ કહ્યું કે, સહાય મેળવવા માટે અરજી સાથે જરૂરી પુરાવાઓમાં કોવિડ મૃતકના મરણનું પ્રમાણપત્ર, ફોર્મ-૪(હોસ્પિટલમાં મૃત્યુ થયંં હોય તો), ફોર્મ-૪-એ(અન્ય કિસ્સામાં મૃત્યુ થયું હોય તો), RTPCR રિપોર્ટ, આધારકાર્ડ, વારસદારની બેંક ખાતાની વિગત, એક જ વારસદાર હોય તો સાદા કાગળ પર ડેકલેરેશન, એક થી વધુ વારસદાર હોય તો અન્ય વારસદારની સંમતિ સાથેની એફિડેવિટ જોડવાની રહેશે.

સહાય માટેનું અરજીફોર્મ જિલ્લા કલેક્ટર કચેરીની અધિકૃત વેબસાઈટ https://surat.gujarat.gov.in/ અને સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ ઉપરથી પણ ડાઉનલોડ કરી શકાશે. નોંધનીય છે કે આ સહાય રાજ્ય સરકારના સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ)માંથી ચૂકવવામાં આવશે.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, નિવાસી અધિક કલેક્ટર વાય.બી.ઝાલા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરી, સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ.ડો. કેતન નાયક સહિત મનપા અને આરોગ્ય તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "સુરતમાં કોરોના મૃતકોના પરિજનો આ જગ્યાએથી સહાયના ફોર્મ મેળવી શકશે અને જમા કરાવી શકાશે- જાણો શું છે સમગ્ર પ્રક્રિયા"

Leave a comment

Your email address will not be published.


*