રેશ્મા પટેલે કર્યા આકરા પ્રહાર: ભાજપ વિકાસની રાજનીતિ નહીં પરંતુ વિનાશની રાજનીતિ કરી રહી છે

ભાજપમાં જોડાયેલા પાટીદાર આંદોલનના રેશ્મા પટેલ રૂપાણી સરકાર સામે આકરા આક્ષેપ કર્યા છે.રેશ્મા પટેલે કહ્યું, ભાજપ વિકાસવાદ અને રાષ્ટ્રવાદની વાત કરી રહી છે એવા જ કામથી પ્રેરાઈને ભાજપનો આ ખેસ ધારણ કર્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને જીતાડવામાં તમામ પ્રયાસો પણ કર્યા.

લોકોના પડતર પ્રશ્નોનું સમાધાન થશે અને ખાસ કરીને પાટીદાર અનામત આંદોલનમાંથી અમે આવ્યા છે તે પાટીદાર સમાજની માંગણીઓનું સમાધાન થશે તેવી લાગણી અમને ચોક્કસ હતી. પરંતુ બહુ દુ:ખ સાથે કહેવું પડે છે કે ભાજપે વિકાસની રાજનીતિ નહીં પરંતુ વિનાશની રાજનીતિ કરી રહી છે. જૂઠ અને ભ્રમની રાજનીતિ ભાજપ કરી રહી છે. મહિલાઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ કે શોષિતવર્ગ હોય દરેકના માથા પર માત્ર વોટબેન્કની રાજનીતિ થઈ રહી છે.

રેશ્મા પટેલે વધુમાં કહ્યું કે, હું ઘણી માંગણીઓ લઈને સરકાર સામે પત્ર અને મૌખિક રજૂઆત કરી રહી છું પણ તેમાં લાંબા સમયથી કોઈ સકારાત્મક પરિણામ નથી. મેં મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે જેના મુખ્ય પાંચ મુદ્દાઓમાં સૌથી મહત્વનું છે કે પાટીદાર અનામત આંદોલનમાં શહીદ થયેલા પરિવારોને સરકારી નોકરી મળે પણ તેમાં સરકાર તરફથી કોઈ સકારાત્મક જવાબ મળ્યો નથી.

આ ઉપરાંત સ્પર્ધાત્મક પરિક્ષા માટેની વયમર્યાદા 35થી વધારીને 40 વર્ષ કરવામાં આવે, સ્પર્ધાત્મક પરિક્ષા આપી રહેલા બિન અનામત ઉમેદવારો પાસેથી પણ ફીના પૈસા ન લેવા આવે જેવી માંગણીઓ પણ સરકાર સામે વારંવાર કરવામાં આવી છે. બિન અનામત આયોગ અને નિગમની રચના થઈ ગઈ છે પરંતુ તેમાં પણ ત્રુટીઓ છે. સિસ્ટમ હજુ વ્યવસ્થિત નથી.

રેશ્મા પટેલને સરકાર તરફથી મળેલા વળતા પત્ર વિશે જણાવ્યું કે, આ બધી માંગણીઓના ઉકેલને બદલે મને પત્ર મળે છે કે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પત્રમાં મેં આંદોલનની ચિમકી આપી છે તો હું આવું પગલું ન ભરું તે માટે કહેવામાં આવ્યું છે કે અરજદાર આંદોલનનું પગલું ન ભરે તે માટે સમજ આપવી, એટલે મારે પોલીસ સમક્ષ જવાબ આપવો પડ્યો છે. આ જવાબથી હું ખૂબ જ નારાજ છું. મને આંદોલન ન કરું તેવી સલાહ ન આપો. ભાજપનો આ ખેસ પણ આંદોલનનો અધિકાર ન છીનવી શકે. મુદ્દાઓનો ઉકેલ આપવાને બદલે મને આવા પ્રકારની સલાહ આપવામાં આવે છે.

રેશ્મા પટેલે કહ્યું કે, 2017 વિધાનસભામાં જીત મેળવવા માટે ભાજપે ખોખલા વાયદાઓ કર્યા. સરકારશ્રી આ માંગણીને જલદીથી ઉકેલ નહીં લાવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. અમે ગામે-ગામ જઈને ભાજપનો સાચો ચહેરો ઉજાગર કરીશું. ભાજપની નીતિ અને વચનોના વિરોધમાં પ્રચાર કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *