સુરત(Surat): પાસોદરા(Pasodra)માં માસૂમ દીકરી ગ્રિષ્મા વેકરિયા(Grishma Vekariya)ની હત્યા કરનારા ફેનિલ વિરૂદ્ધ જિલ્લા પોલીસ દ્વારા સોમવારે કોર્ટમાં 1000થી વધુ પાનાનું ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. 150 સાક્ષીઓ, 25 પંચનામા, ફેનિલના મોબાઈલના પુરાવા, તેની ઓડિયો ક્લિપ(Audio clip)નો FSL રિપોર્ટ વગેરે સહિતના પુરાવા એકત્ર કરવા માટે રવિવારે રેન્જ આઈજી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની મેરેથોન બેઠક યોજાઈ હતી. ગ્રીષ્માને મારતા પહેલા ફેનિલે AK-47 રાઈફલ્સ ખરીદવા માટે વેબસાઈટ પણ સર્ચ કરી હતી. જોકે આ રાઇફલ ન મળવાને કારણે તેણે અન્ય વિકલ્પો શોધ્યા હતા. હત્યા કેવી રીતે કરી શકાય એ માટે પણ ફેનિલ દ્વારા 30થી પણ વધારે વેબસાઇટ સર્ચ કરી હતી.
હત્યા કરતા પહેલાં સવારે ફેનિલ ક્રાઇમ પેટ્રોલ જોઈને ગયો હતો:
શનિવારના રોજ ગ્રીષ્માની હત્યા કરતાં અગાઉ તે સવારથી જ હત્યાનો તખ્તો ઘડી રહ્યો હતો. હત્યા કરવા તેણે ક્રાઇમ પેટ્રોલ સહિતની કેટલીક જુદી-જુદી સિરિયલ્સ જોઈ હતી, જેમાંથી ફેનિલ હત્યા કરવાનું તે શીખ્યો હતો.
ચપ્પુની ડિલિવરી ફ્લિપકાર્ટ પરથી મોડેથી આવવાને કારણે ઓર્ડર કેન્સલ કરી મોલમાંથી ખરીદ્યું હતું:
ગ્રીષ્માનું ગળું કાપીને હત્યા કરવાનું નક્કી કર્યા પછી ફેનિલ દ્વારા ફ્લિપકાર્ટ પર એક ચાકુનો ઓર્ડર પણ કરવામાં આવ્યો હતો. જોકે એ મોડેથી મળવાનો હોવાના કારણે ફેનીલે ઓર્ડર કેન્સલ કરી દીધો હોવાનું પણ તેના મોબાઇલમાંથી પુરાવા સામે આવ્યા છે. ત્યાર પછી તેણે ગ્રીષ્માની હત્યા કરવા માટે અન્ય એક મોલમાંથી ચપ્પુ મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા હત્યા કરાયેલું ચપ્પુ પણ જપ્ત કરી લેવામાં આવ્યું હોવાથી ફેનિલ સામે પોલીસને મજબૂત પુરાવા મળી ચુક્યા છે.
પોલીસ તપાસમાં 150 સાક્ષીઓ, 25 પંચનામા:
ફેનીલ ગોયાણીએ ગ્રીષ્માની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો જે પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. કેવી રીતે હત્યા કરવી તે અંગે, ઓનલાઈન હથિયારો કેવી રીતે શોધી શકાય અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી માટે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું હતું. પોલીસને એક ઓડિયો ક્લિપ મળી છે જેમાં ગ્રીષ્માની હત્યા કરતા પહેલા તેના મિત્ર સાથે ફોન પર વાત પણ કરી હતી.
આ ક્લિપના આધારે પોલીસ રિમાન્ડ દરમિયાન ફેનિલને ગાંધીનગર એફએસએલમાં લઈ ગઈ હતી, જ્યાં તેના વોઈસ રેકોર્ડિંગની તપાસ કરવામાં આવી હતી, જેનો રિપોર્ટ પણ એફએસએલએ પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ફેનિલ સામે મજબૂત પુરાવા એકત્ર કર્યા બાદ હવે સોમવારે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. આટલા ઓછા સમયમાં ચાર્જશીટ દાખલ કરવાનો સુરત જિલ્લા પોલીસનો આ પ્રથમ કેસ હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.