કોરોનાની વકરતી સ્થિતિને કાબૂમાં લેવા રૂપાણી સરકાર એક્શનમાં, લઈ લીધો મહત્વનો નિર્ણય

હાલમાં કોરોનાની બીજી લહેર સમગ્ર રાજ્યમાં શરુ થઈ ચુકી છે. આની સાથે-સાથે જ આ લહેર ગુજરાતમાં વધુને વધુ પ્રચંડ બનતી જઈ રહી છે. પ્રતિદિન સામે આવી રહેલ કેસના આંકડાઓમાં સતત ઉછાળો જોવા મળ્યો છે ત્યારે કોરોના વાયરસનાં તમામ રેકોર્ડ તૂટી ગયાં છે.

ગુજરાતમાં કોરોનાના દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર મુખ્ય સચિવ શ્રી કે. કૈલાશનાથન, અગ્રસચિવ ડૉ. જયંતી રવિ તથા ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી કોર કમિટીની મિટિંગમાં અત્યંત મહત્વના નિર્ણયો કર્યા છે.

ગુજરાતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ ખાનગી હોસ્પિટલ, કિલનિક્સ,દવાખાનાઓ અને નર્સિંગ હોમને તા. 15મી જૂન સુધી કોવિડની સારવાર કરવાની મંજૂરી લીધા વિના સારવાર કરી શકશે તેવો મહત્વનો નિર્ણય લીધો છે. કોવિડની સારવાર કરવા માગતી હોસ્પિટલ,દવાખાનાએ માત્ર સંલગ્ન કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને લેખિત જાણ કરવાની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોવિડ હોસ્પિટલમાં સારવાર લેવાના સરકારે ભાવ નક્કી કર્યા છે, પણ આ નવા નિર્ણય પછી દર્દી પાસેથી શું ચાર્જ લેવાનો રહેશે તે જરૂર પડશે તો સરકાર એકાદ-બે દિવસમાં નિર્ણય લેશે તેમ ટોચના સરકારી સુત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.

CM વિજય રૂપાણીએ વેતન વધારાની જાહેરાત કરતા જણાવ્યું કે, દર્દીઓની સેવામાં રોકાયેલા વિવિધ સંવર્ગના કર્મચારીઓ અંગે નિર્ણય કર્યો છે. તજજ્ઞ ડોક્ટરોને માસિક અઢી લાખ આપશે. મેડિકલ ઓફિસરોને માસિક 1.25 લાખ, ડેન્ટિસ્ટોને માસિક રૂ. 40 હજાર, આયુષ ડોક્ટરો માટે 35 હજાર, હોમિયોપેથીના ડોક્ટરોને પણ 35 હજાર આપવામાં આવશે. જ્યારે જૂનિયર ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, એક્સ રે ટેકનિશિયન, ECG ટેકનિશિયનને માસિક રૂ.18 હજાર અને વર્ગ 4ના કર્મચારીને મહિને 15 હજાર રૂપિયા આપવામાં આવશે. જ્યારે આઉટ સોર્સિંગમાં કામ કરતી બહેનોને આગામી ત્રણ મહિના માટે મહિને 13 હજારને બદલે રૂ.20 હજાર માનદ વેતન પેટે આપવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ૧૫ મી માર્ચ ૨૦૨૧ની આસપાસ ગુજરાતની તમામ હોસ્પિટલોમાં કૉરોનાના દર્દીઓ માટે ૪૧ હજાર જેટલા બેડ હતા. જેની સંખ્યા વધારીને આજે લગભગ ૭૮ હજાર જેટલી કરવામાં આવી છે. પરંતુ વધતા જતા સંક્રમણ અને વધતા જતા કેસોને કારણે આ વ્યવસ્થા પણ અપૂરતી બની રહી છે. સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લઇને કોર કમિટીની મિટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ અને નર્સિંગ હોમના ડોક્ટરો પોતાની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર આપી શકશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને મેડીકલ અને પેરામેડીકલના વિવિધ સંવર્ગના કર્મીઓને દર્દીઓની સેવામાં રાજ્ય સરકારના પ્રયત્નોમાં સહભાગી થવા જલદીથી જોડાઇ જવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઇને દર્દીઓને સારી સેવા આપી શકાય તે માટે સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને પેરામેડીકલ સ્ટાફની નિમણુક માટે રાજ્ય સરકારે જાહેરાત કરી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, મેડિકલ ઓફીસર્સ, ડેન્ટલ ડોક્ટર્સ, આયુષ ડોક્ટર્સ, હોમિયોપેથી ડોક્ટર્સ તેમજ જુનિયર ફાર્માસિસ્ટ/લેબ ટેકનિશિયન/ એક્સ-રે ટેકનિશિયન અને ઇ.સી.જી. ટેકનિશિયનની આકર્ષક માનદ વેતન સાથે નિમણૂકો કરાઇ રહી છે. એ જ રીતે સરકારી હોસ્પિટલોમાં માનદ સેવા આપી રહેલા મેડીકલ, નર્સિંગ, ફાર્માસિસ્ટ, લેબ-ટેક અને વર્ગ-૪ના સ્ટાફને આગામી ત્રણ મહીના માટે વધું પ્રોત્સાહક વેતન આપવામાં આવશે.

તેમણે કહ્યું છે કે, સરકારી હોસ્પિટલોમાં વર્ગ-3ની કક્ષામાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ સ્ટાફ નર્સના હાલ મળતા પગારમાં વધારો કરીને ૩ માસ માટે માસિક રૂ. ૨૦,૦૦૦નું માનદ વેતન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. નવી ભરતીમાં દાખલ થનાર નર્સ બહેનો-ભાઇઓને પણ આ જ પ્રમાણે માનદ વેતન આપવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, હાલ સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે ફરજ બજાવતાં આવા એડહોક ડોક્ટરો, નર્સો, ફાર્માસિસ્ટ, ટેકનિશિયન તેમજ વર્ગ-૪ના કર્મચારીઓને પણ આ જ પ્રકારે મે,જુન અને જુલાઇ એમ ૩ માસ માટે માનદ વેતન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં આવેલી આર્મી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કચ્છ, જામનગર, અમદાવાદ અને વડોદરામાં આર્મી હોસ્પિટલો છે. ગુજરાતની આર્મી હોસ્પિટલો કોરોનાના દર્દીઓ માટે ઉપલબ્ધ થઈ શકે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આ માટે ભારત સરકારે પણ આહવાન કર્યું હતું.

આવતીકાલે આ સંદર્ભે આર્મીના અધિકારીઓ સાથે ગુજરાતના અધિકારીઓ બેઠક કરી રહ્યા છે. ગુજરાતમાં વધુ ને વધુ બેડ પ્રાપ્ત થાય તે માટેના પ્રયત્નોમાં આ એક મહત્વનું પગલું સાબિત થશે.

ગઈકાલના રોજ ગુજરાતમાં પહેલી વખત કોરોનાના કેસનો આંકડો 12 હજારને પાર થયો છે અને 24 કલાકમાં ઓલટાઈમ હાઈ 12,206 નવા કેસ નોંધાયા છે. તેમજ 121 દર્દીના મોત થયા છે. જ્યારે 4,339 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં રિક્વરી રેટ 80.82 ટકા થયો છે. સતત 21માં દિવસે ઓલટાઈમ હાઈ કેસ નોંધાયા છે. 31 માર્ચથી સતત નવા કેસ ઓલટાઈમ હાઈ બનાવી રહ્યા છે.

અત્રે ઉલેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 4 લાખ 28 હજાર 178ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 5,494 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3 લાખ 46 હજાર 63 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 76,500 એક્ટિવ કેસ છે, જેમાંથી 353 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 76,147 દર્દીની હાલત સ્થિર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *