ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તથા બેચરાજી વિધાનસભાના ઉમેદવાર સાગર રબારીએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોઘતા કહ્યું કહ્યું કે, શરૂઆતમાં વરસાદ ખેંચાયા પછી ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી એકધારો વરસાદ પડી રહ્યો છે. દરિયાકાંઠાના જે જિલ્લાઓના વિસ્તારો છે, પોરબંદરનો ઘેડ વિસ્તાર હોય, ગીર સોમનાથ જિલ્લો, જૂનાગઢ જિલ્લો, અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લો ત્યાં હવે જમીનમાંથી પાણી ફૂટવાના શરૂ થયા છે. ખેડૂતોના કપાસ અને કઠોળના પાકો લગભગ સડી ગયા છે, અથવા તો સડી જવાની તૈયારીમાં છે. એવી જ રીતે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, તાપી આ બધા બાગાયતીની સાથે સાથે શાકભાજીની ખેતી કરતા મોટા વિસ્તારો છે. અને ત્યાંથી શાકભાજી મુંબઈ અને વિદેશ જતું હોય છે. ત્યાં દૂધી, ગલકા, તુરીયા, ભીંડા, રીંગણ જેવા તમામ શાકભાજી જે રોપાઈ હતી એ સડી ગઈ છે. અને નવી રોપી શકાય એવો વરાપ વરસાદ આવવા દેતો નથી.
આવા સંજોગોમાં સરકારે અગાઉ જે ‘મુખ્યમંત્રી કિસાન સહાય યોજના’ ચાલુ કરેલી તેના અંતર્ગત તાત્કાલિક આ બધા વિસ્તારોનો સર્વે થવો જોઈએ, ખેડૂતોને પાકના જે નુકસાન થયા છે એ નુકસાનના પૂરતા પ્રમાણ માં હાલના બજાર ભાવોને ધ્યાન માં રાખીને વળતર તાત્કાલિક ચૂકવવા જોઈએ. તાપી જિલ્લામાં પૂર્ણા નદીમાં પૂર આવવાને કારણે શરૂઆતમાં જે નુકસાન થયું હતું, એ પૈકીના પણ ઘણા બધા ખેડૂતોને હજી એ નુકસાનની રકમ મળી નથી એવી ત્યાંના ખેડૂતોની ફરિયાદો છે. ગુજરાત સરકાર તાત્કાલિક આ નુકસાન પામનાર ખેડૂતોનો આખા ગુજરાતમાં સર્વે કરે અને જેમને જેમને નુકસાન થયું છે એમને તાત્કાલિક વળતર ચૂકવે એવી આમ આદમી પાર્ટી ગુજરાતની માંગણી છે.
સાગર રબારીએ આગળ કહ્યું કે, અમે જ્યારે જ્યારે સામાન્ય મતદારને તેના બંધારણીય અધિકાર તરીકે સેવાઓ આપવાની વાત કરીએ છીએ, ત્યારે અન્ય પક્ષો પાસે બીજું કોઈ હથિયાર બચતું નથી, એટલે એને રેવડી કહી તેઓ મતદારોનું અપમાન કરે છે, તે આમ આદમી પાર્ટીનું અપમાન નથી. તાજા આંકડા જે મળ્યા છે તે પ્રમાણે એમના કોર્પોરેટ મિત્રોને, એમના કોર્પોરેટ ટેક્સ પર એમણે જે રાહત જાહેર કરી તેના કારણે વર્ષ 2021-22 માં 1,48,000 કરોડના ટેક્સ કલેક્શનનું નુકસાન થયું છે. રેવડી થોડા માર્યાદિત કોર્પોરેટ મિત્રોને અપાયેલી 1,48,000 કરોડની રાહત છે. ગરીબના બાળકને સારું શિક્ષણ મળે, જે પરિવાર મોંઘવારીની મારમાં પીસાઈ રહ્યો છે તેણે 300 યુનિટ વીજળી મફત મળે, જે બીમાર છે અને તેમના કોર્પોરેટ મિત્રોની હોસ્પિટલોમાં પૈસાના અભાવે દાખલ થઇ શકતો નથી એવા નાગરિકને સારી આરોગ્ય સેવાઓ મળે એ રેવડી છે કે જે કોર્પોરેટ મિત્રોને અપાય છે તે રેવડી છે? આ સામાન્ય મતદારને અપાતી રેવડી એ ઈશ્વરરૂપી પ્રસાદ છે અને એ એમનો બંધારણીય અધિકાર છે, કોઈનો ઉપકાર નથી.
ગઈકાલે કોંગ્રેસ એ પ્રેસ કોન્ફેરેન્સ કરી અને ખેડૂતોના મુદ્દે જાહેરાત કરી. સ્થાપિત રાજકીય પક્ષોના કોર્પોરેટ સાથે હિતો સંકળાયેલા છે એનું તાજું ઉદાહરણ એ છે કે એમણે બધી જ જાહેરાતો કરી પરંતુ જેમાં હજારો કરોડો રૂપિયા ગુજરાતના ખેડૂતોના હકના સલવાયેલા છે એવા પાક વીમા કૌભાંડ વિશે એક પણ શબ્દ કહેવાયો હોય એવું મારા ધ્યાનમાં આવ્યું નથી કારણ કે જે પાક વીમા કંપનીઓ હતી એ બધા જ મોટા કોર્પોરેટ હાઉસીસની હતી. કોણ કોની સાથે છે, કોનુ કોની સાથે ગઠબંધન છે, કોણ કોને રેવડી વહેંચે છે, તે ગુજરાતનો મતદાર ખુબ સારી રીતે સમજે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.