ગાંધીનગરમાંથી સરકારી નોકરીના બહાને યુવાનો સાથે લાખોની છેતરપિંડી: આ રીતે થયો કૌભાંડનો પર્દાફાશ 

ગૌણ સેવા પસંદગી મંડળના નિયંત્રણ નીચે ડેપ્યુટી કલેકટર તેમજ રેવન્યુ અધિકારીની ઓળખ આપી ગુજરાતના 260 જેટલા યુવાનો પાસેથી નોકરી અપાવવાના બહાને રૂપિયા 70થી 80 લાખનું કૌભાંડ બહાર આવ્યું છે. નવસારીની યુવતી સહિત પાંચ ઈસમોને ગાંધીનગરની સરગાસણમાં આવેલી હોટલમાંથી મળતી માહિતીના આધારે ઝડપી લઈ રાજ્ય વ્યાપી કૌભાંડનો ઈન્ફોસિટી પોલીસ દ્વારા બેનકાબ કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં ગાંધીનગરમાં ચાલી રહેલા બિન સચિવાલય આંદોલન વખતે મુખ્ય સૂત્રધાર હેતવી સંજયભાઈ પટેલ પણ આંદોલનમાં જોડાઈ હતી અને નોકરીની શોધમાં નીકળેલ યુવાનોને પોતાની જાળમાં ફસાવ્યા હતા.

પેટ્રોલીંગ દરમિયાન ઈન્ફોસિટી પોલીસ મથકના ઈન્સ્પેક્ટર પી.પી. વાઘેલાને જાણ મળી હતી કે, સરગાસણ ચાર રસ્તા પાસે આવેલા પ્રમુખ ટ્રેનઝન કોમ્પલેક્ષમાં આવેલ સ્લીપ ઇન હોટલમાં ડેપ્યુટી કલેકટર વલસાડ તથા અન્ય રેવન્યુ અધિકારીની ઓળખ આપીને ગુજરાતના યુવકોને છેતરટી ગેંગ પકડાય છે.

જાણ થતાની સાથે પોલીસ કાફલો બાતમી વાળી હોટલમાં ત્રાટક્યો હતો અને હોટલનું રજીસ્ટર ચકાસતા રૂમ નંબર 501મા ડેપ્યુટી કલેક્ટર રેવન્યુ વલસાડ હેતવી એસ પટેલ તથા ડેપ્યુટી કલેકટર રેવન્યુ વલસાડ નીરજકુમાર ગરાસીયા રોકાયાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આખી હોટલને કોર્ડન કરી રૂમમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં બન્નેની પૂછતાંછ કરતાં બન્ને જણાએ હાલમાં અધિકારી તરીકેના આઈ કાર્ડ ઘરે ભૂલી ગયા હોવાનું કહ્યું હતું, પરંતુ આગવી શૈલીમાં પોલીસને બન્નેએ કહેલું કે, ગુજરાતનાં સચિવ તેમજ તેમના ઉપરી અધિકારીઓ સાથે વાત કરવી હોય તો કહો.

પોલીસ પણ બે ઘડી માટે સ્તબ્ધ થઈ ગઈ હતી પરંતુ ઈન્સ્પેક્ટર વાઘેલા પાસે ચોક્કસ જાણ હોવાના કારણે પોલીસે બન્નેને ઉચ્ચ અધિકારી સાથે વાત કરાવવાનું કહ્યું હતું. જેમની સાથે અન્ય કોણ રોકાયેલું છે તેની તપાસ કરતા રૂમ નંબર 502માં કુણાલ શૈલેષમહેતા પણ મળી આવ્યા હતા. આ બંને ઈસમોની પૂછતાંછ કરતાં તેઓ પટાવાળા તરીકે હેતવી તેમજ નીરજકુમારની સૂચના મુજબ કામગીરી કરતા હોવાની કબૂલાત કરી હતી.

આ અંગે નાયબ પોલીસ અધિક્ષક એમ. કે. રાણાએ જણાવ્યું હતું કે, હોટલના રૂમની તલાશી લેતા ચારેય જણાના ડેપ્યુટી કલેકટર, આરોગ્ય અધિકારી, મામલતદારનાં હોદ્દા ધરાવતા બનાવટી આઈ કાર્ડ મળી આવ્યા હતા. જેનાં પગલે હેતવી સંજયભાઈ પટેલ તેમજ નીરજ કુમાર રમેશભાઈ ગરાસીયા, કુણાલ મહેતા, બંસીલાલ પટેલ, તેમજ પ્રણવ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ મંડળી પાસેથી હાલમાં નોકરીની લાલચમાં ભોગ બનનાર 80 જેટલા ઉમેદવારોના જુદાજુદા હોદ્દા ધરાવતા ખોટા નિમણૂક પત્રો, આઈકાર્ડ, સરકારી સિક્કા, રજીસ્ટરો, લેપટોપ, મોબાઈલ ફોન તેમજ મોમેન્ટો અને ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર બનાવટી લેટરપેડ તથા ઉમેદવારોના બાહેધરી પત્રકો વગેરે સાહિત્ય મળી આવ્યું હતું.

આ બનાવટી સાહિત્ય રાજ ઝેરોક્ષના માલિક પ્રણવ પટેલ જોડે બનાવડાવ્યા હતા. જેઓ ઉપરોક્ત અધિકારી તરીકેની ઓળખ આપીને બેરોજગાર યુવાનોને નોકરી આપવાની લાલચ આપી યુવાનો પાસેથી નોકરીના બહાને તાલીમ પેટે નાણાં ઉઘરાવી લેતા હતા. જેમની કડકાઈથી પૂછતાંછ કરતાં અત્યાર સુધીમાં આ મંડળીએ ગુજરાતના 260 જેટલા યુવાનો પાસેથી નોકરી અપાવવાના બહાને રૂ. 30થી 40 હજાર ઉઘરાવી લીધા છે. જેનો આંકડો રૂપિયા 70થી 80 લાખની આસપાસ છે. જે અંગે વધુ પૂછતાંછ કરવા માટે રિમાન્ડ મેળવવાની પ્રકિયા શરુમાં આવી છે. સમગ્ર કૌભાંડની માસ્ટર માઈન્ડ હેતવી પટેલ છે.

નાયબ પોલીસ અધિક્ષક રાણાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં બિન સચિવાલયનું આંદોલન ચાલતું હતું તે દરમિયાન હેતવી પટેલ પણ આંદોલનમાં ભાગ લેવા માટે આવી હતી. તે દરમિયાન તેના સાથીઓ સાથે મળીને ઉમેદવારોને નોકરીની લાલચ આપી ફસાવતા હતા અને પ્રણવ નટવરલાલ પટેલ મારફતે રાજ ઝેરોક્ષમાં ખોટા ઓર્ડર પત્રો તૈયાર કરાવતા હતા. ત્યારબાદ ઉમેદવારો પાસેથી રૂપિયા ઉઘરાવી તેમને ખોટા નિમણૂક પત્રો આપીને ગાંધીનગરની વિવિધ હોટલોમાં ટ્રેનિંગનું આયોજન કરતા હતા.

સૌપ્રથમ ગાંધીનગરની ફોર્ચ્યુન હોટેલમાં 130 ઉમેદવારોની બેંચને ટ્રેનિંગ માટે બોલાવી હતી. હોટલ હિલટોન અને મોડલ ટાઉન તેમજ સ્લીપ ઇન હોટલમાં પણ ટ્રેનિંગ માટે ઉમેદવારોને બોલાવતા હતા. મુખ્ય સૂત્રધાર હેતવીના પતિ સંજય પટેલ સ્કૂલમાં શિક્ષક છે. જેને સંતાનમાં પાંચ વર્ષનો દિકરો પણ છે. જ્યારે નીરજ ગરાસીયા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે. હાલમાં તેઓ પાસેથી રૂપિયા 2.25 લાખનો માલ જપ્ત કરી સમગ્ર કૌભાંડમાં અન્યા ઈસમો સંડોવાયાં છે કે નહીં તે માટેની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *