ગુજરાત(Gujarat): વિકાસના મોટા મોટા બણગા ફૂંકતી ગુજરાત સરકાર(Government of Gujarat) આદિવાસી વિસ્તારમાં એક શાળાના ઓરડા પણ બનાવી શકતી નથી અને વાતો કરે વિકાસની. આ પ્રકારના દ્રશ્યો છોટાઉદેપુર(Chhotaudepur)ના સરહદી ગામ દિયાવાંટ(Diawant)માંથી સામે આવ્યો છે.
આપણે સૌ જાણીએ છીએ, શિક્ષણ મેળવવું બાળકોનો જન્મસિદ્ધ અધિકાર છે. એક બાજુ સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાના ધુમાડા કરી રહી છે, પરંતુ વિકાસની મોટી મોટી વાતો કરતી સરકાર છોટાઉદેપુર જિલ્લાના સરહદી ગામોમાં શાળાના ઓરડા પણ બનાવી શકતી નથી આ એક શરમજનક બાબત કહી શકાય. આ અંગેનો પુરાવો દિયાવાંટ ગામમાં જોવા મળ્યો છે.
દિયાવાંટ પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે અને 98 બાળકોની રજીસ્ટર સંખ્યા બતાવવામાં આવી રહી છે અને શાળામાં માત્રને માત્ર 3 શિક્ષકો છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ શાળાના બે ઓરડા ખુબ જ જર્જરિત થઈ ગયા છે અને શાળામાં બાળકોને બેસાડી શકાય તેવી વ્યવસ્થા નથી. શાળાના ઓરડાની દિવાલોમાં એક બાજુથી દેખી શકાય તેવી મસમોટી તિરાડો જોવા મળી રહી છે. સાથે જ ઓરડાના દરવાજાની બારસાક પણ ઉખડી ગઈ છે. માત્ર એટલું જ નહિ તળિયું પણ ઉખડી ગયેલું જોવા મળે છે, તો એક ઓરડામાં તો દિવાલમાં એવું મસમોટું ગાબડું પડી ગયું છે કે જાણે મોટું ટીવી મુકવા માટેની જગ્યા રાખવામાં આવી છે.
શાળાના આચાર્યે જાણો શું કહ્યું?
શાળાના ઓરડા બનાવવા માટે પાંચ વર્ષ અગાઉ દરખાસ્ત કરવામાં આવી હતી અને નવા ઓરડા મંજુર ન થાય ત્યાં સુધી જુના ઓરડા તોડવા નહિ તેવી શરતી મંજૂરી મળી હોવાનું શાળાના આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ તો શિક્ષકો દ્વારા બાળકોને વડલાના ઝાડ નીચે બેસાડીને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ જ્યારે ચોમાસુ શરૂ થશે ત્યારે બાળકોને ક્યાં બેસાડવા તે અંગેનો પ્રશ્ન હાલ શિક્ષકો અને ગ્રામજનો માટે એક ચિંતાનો વિષય બની ગયો છે.
આ વહીવટી તંત્રના અનગઢ વહીવટને કારણે આદિવાસી બાળકોનું ભવિષ્ય સાથે ચેડા થઇ રહ્યા છે. જેથી દિયાવાંટ શાળાના ઓરડા ક્યારે બનશે અને વિદ્યાર્થીઓને ક્યારે સારું શિક્ષણ પ્રાપ્ત થશે તે તો આવનારો સમય જ બતાવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.