ગુજરાત(GUJARAT): માત્ર 30 સેકન્ડમાં જ મોરબીમાં મચ્છુ નો ઝૂલતો પુલ તુટ્યો અને મરણચીસોથી ગુંજી ઊઠ્યો. રવિવારની એ સાંજ મોરબી માટે ગોઝારી સાબિત થઈ અને સેંકડો લોકોને ભરખી ગઈ. કંઈક કડાકા જેવો સામાન્ય અવાજ આવ્યો અને ખિલખિલાટ અને કિલકારીઓ વચ્ચે અચાનક જ ચીસાચીસોથી હાહાકાર મચી ગયો. કોઈ કંઈ સમજે એ પહેલાં તો 500થી વધુ લોકોને મોત દેખાયું અને ટપોટપ નદીમાં પડવા લાગ્યા. મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. મોરબી હોનારતમાં માત્ર મચ્છુમાં બ્રિજ જ નહિ તેની સાથે અનેક પરિવારો પણ તૂટ્યા છે. કોઈએ માતા-પિતા, બાળકો તો કોઇએ પત્ની-પુત્ર-બહેન ગુમાવ્યા છે.
મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં 400થી 500 લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 190 થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. જોકે, કેટલાક લોકોએ પુલના તૂટેલા ભાગ પર લટકીને અને કેટલાકે દોરડાથી લટકીને કોઈ રીતે પોતાનો જીવ બચાવ્યો હતો. જ્યારે કેટલાક લોકો તરીને નદી પાર કરવામાં સફળ રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે બ્રિજ પર 400થી વધુ લોકો હાજર હતા.
મોડી સાંજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાને કારણે રાજ્યભરમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 190થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું છે.
4 વર્ષના બાળકે ગુમાવી માતા-પિતાની છત્રછાયા
ઝૂલતો પુલ ધરાસાયી થતા 4 વર્ષનો માસૂમ જિયાંશ પણ નોધારો બન્યો છે. આ હોનારતમાં 4 વર્ષના જિયાંશે તેના માતા-પિતા ગુમાવ્યા છે. મૂળ હળવદ શહેરના હાર્દિક ફળદુ મોરબીમાં C.A તરીકે કામ કરતા હતા. પત્ની મીરલ ફળદુ અને 4 વર્ષનો દીકરા જિયાંશ સાથે ઝૂલતા પુલ પર ફરવા માટે ગયા હતા. દુર્ઘટના સર્જાઇ ત્યારે જિયાંશ પણ તેના માતાપિતા સાથે આ પુલ પર હાજર હતો અને પુલ તૂટતાં આખો પરિવાર નદીમાં ખાબક્યો હતો. દુર્ઘટનામાં જિયાંશના માતા-પિતાએ પોતાનો જીવ ગુમાવ્યો પણ આ ચાર વર્ષના માસૂમનો આબાદ બચાવ થયો. પણ મોરબીની આ દુર્ઘટના એ 4 વર્ષની ઉંમરમાં જ માસૂમ પાસેથી માતા-પિતાની છત્રછાયા છીનવી લીધી છે.
એક જ પરિવારના 6 લોકોને ભરખી ગયો પુલ
મોરબીમાં પુલ તૂટતાની સાથે જ રાપરનાં હલીમાબેનનો પરિવાર પણ તૂટી ગયો. હલીમાબેને આ દુર્ઘટનામાં પોતાના પરિવારના 6 લોકો ગુમાવ્યા છે. રાપરથી એમની છોકરીની નણંદની સગાઇમાં આવેલ હલીમાબેને સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય કે, કોઈ આવી દુર્ઘટના કાળ બનીને તેના પરિવારને ભરખી જશે. આ દુર્ઘટનામાં હલીમાબેને તેમની દીકરી, જમાઈ અને તેમની દીકરીની 7 વર્ષની દીકરી અને 4 વર્ષનો દીકરા સાથે એમના જેઠ અને તેના દીકરાને ગુમાવી દીધા.
હમિલાબેન કુંભારે જણાવતા કહ્યું કે, અમે સામે છેડે જઈને પરત આવી ગયા હતા. અમારો સામાન સામેના છેડે હતો. તેઓમાં પુલ તૂટતાં ની સાથે જ પુલ ઉપરના દરેક લોકો નદીમાં ખાબક્યા. હું, મારી દીકરી, મારો જમાઈ અને તેમના બંને પુત્રો તેમજ મારા જેઠ સાથે હતા તે દરમિયાન આ દરમિયાન ઘટના બનવા પામી હતી. મારી નજર સામે જ ઘરના 6 લોકો ડૂબી રહ્યા હતા.
દુર્ઘટના દરમિયાન આસપાસના તરવૈયાઓ જીવના જોખમે પાણીમાં ડૂબતા લોકોના જીવ બચાવી રહ્યા હતા અને બીજી તરફ નેતાઓ વિડિયો શૂટ કરી રહ્યા હતા. આસપાસના લોકો રેસ્ક્યુ ની કામગીરી માટે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા ત્યારે મોરબીના નેતા આવી હદય કંપાવાતી ઘટનામાં પણ વિડીયો ઉતારવાનો ખેલ કરતા હતા.
ફરવા ગયેલ એક જ ઘરના 8 લોકો પુલ પરથી નદીમાં ખાબક્યા
મજૂરી કામ કરતાં આરીફશા નૂરશા શાહમદાર દિવાળીના તહેવારમાં રજાનો આનંદ માણવા માટે તેના પરિવાર સાથે આ ઝુલતા પુલ પર ફરવા ગયા હતા. સાથે જ જામનગરથી તેમના બેન અને તેનો પરિવાર પણ મોરબી ફરવા આવ્યો હતો. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે, આ તેમની અંતિમ સફર હશે… આખા પરિવાર સાથે જ્યારે આરીફશા પુલ પર હાજર હતા ત્યારે જ આ દુર્ઘટના બની હતી અને નદીમાં આખો પરિવાર ખાબક્યો હતો. આરીફશા જ બચી ગયા પણ તેમના પત્ની અને 5 વર્ષીય દીકરાને આ ઝુલતો પુલ ભરખી ગયો હતો. આ સિવાય તેમની દીકરી સહીત પરિવારના 4 લોકો હજુ પણ લાપતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.