તારીખ 12/6/2022ને રવિવારના રોજ સુદાન(Sudan)ના Red Sea બંદર સુઆકિન(Suakin)માં એક જહાજ ડૂબી ગયું હતું. આ જહાજમાં 15800 ઘેટાં સવાર હતા. ત્યારે વહાણ ડૂબી જતાં મોટાભાગના ઘેટાં મૃત્યુ પામ્યા હતા. મૃત્યુ પામેલા પશુઓની કુલ કિંમત 40 લાખ ડોલર હતી. જાણવા મળ્યું છે કે, જહાજના તમામ ક્રૂ મેમ્બર્સ (Crew members) નો જીવ બચી ગયો હતો.
મળતી માહિતી મુજબ, આ જહાજ પશુઓને સુદાનથી સાઉદી અરેબિયા લઈ જઈ રહ્યું હતું. આ દરમિયાન, આ જહાજ ડૂબી જવા પામ્યું હતું. ત્રિશુલ ન્યુઝનાં સુદાનના એક વાંચકે માહિતી આપતા જણાવ્યું હતું કે, જહાજમાં તેની ક્ષમતા કરતાં વધુ પશુઓથી ભરેલા હતા.
જહાજમાં માત્ર 9,000 ઘેટાં વહન કરવાની ક્ષમતા હતી પરંતુ 15,800 ઘેટાંનું પરિવહન કરવામાં આવી રહ્યું હતું. આ સાથે અધિકારીએ અકસ્માતની આર્થિક અને પર્યાવરણીય અસર અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ડૂબી ગયેલા જહાજથી માત્ર બંદરની કામગીરીને જ અસર નહીં થાય પરંતુ પર્યાવરણ પર પણ તેની અસર થશે.
નેશનલ એક્સપોર્ટ એસોસિએશનના વડા ઓમર અલ-ખલીફાએ જણાવ્યું હતું કે, જહાજને ડૂબવા માટે ઘણા કલાકો લાગ્યા હતા. મતલબ કે ઘેટાંને બચાવી શકાયા હોત. તેમણે કહ્યું કે પશુઓના માલિકોને 15800 ઘેંટામાંથી માત્ર 700 જેટલા ઘેટાં જીવંત હાલતમાં જોવા મળ્યા પરંતુ તેમની હાલત ખૂબ જ ખરાબ છે. અમને નથી લાગતું કે તે બચી જશે.
જણાવી દઈએ કે, સુઆકિન એક ઐતિહાસિક બંદર છે. જે એક સમયે મુખ્ય વિદેશી વેપાર હબ હતું. સુદાન લાંબા સમયથી આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. ત્યારે આર્મી ચીફ અબ્દેલ ફત્તાહ અલ-બુરહાનના નેતૃત્વમાં ગયા વર્ષે લશ્કરી બળવાથી સંકટ વધુ ઊંડું બન્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.