ખેડૂતો સાવધાન: ગુજરાત તરફ વાયુ વાવાઝોડું ઝડપથી આવી રહ્યું છે, જાણો કયા થશે અસર ?

વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ વખતે ભારતે વાવાઝોડાનું નામ ‘વાયુ’ રાખ્યું છે. રિપોર્ટ મુજબ 12-13 જૂનની વચ્ચે સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર આ વાવાઝોડું ત્રાટકી શકે છે. ભારત હવામાન ખાતાના રિપોર્ટ મુજબ હાલમાં વાવાઝોડાની ગતિ 80-90 કિમી પ્રતિ કલાકની છે, પરંતુ સૌરાષ્ટ્રના દરિયા કિનારે પહોંચતા-પહોંચતા 110-135 કિમી પ્રતિ કલાકની ઝડપ આ વાવાઝોડું પકડી લે તેવો રિપોર્ટ છે.


બીજી બાજુ પાકિસ્તાનમાં પણ આ વાવાઝોડાના અસર થવાની છે. પાકિસ્તાન હવામાન ખાતાના અધિકારી અબ્દુર રાશિદે જણાવ્યું હતું કે, પાકિસ્તાની કિનારા પર આની વધુ અસર નહીં થાય, પરંતુ આને કારણે પાકિસ્તાનના દરિયા કાંઠાના વિસ્તારોમાં હીટ વેવ વધી શકે છે. આ તોફાન આગળ જઇને કેટેગરી-3નું વાવાઝોડું બની શકે છે.

સોમવારે ગુજરાત સરકારે જાહેર કર્યું હતું ઍલર્ટ…

ગુજરાતના વેરાવળથી દક્ષિણ-દક્ષિણ પૂર્વ દિશામાં 930 કિ.મી. દૂર વાવાઝોડું આકાર લઇ રહ્યું છે, જેની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે એક સમીક્ષા બેઠકમાં સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ બેઠકમાં પંકજકુમારે રાજ્યના વિવિધ વિભાગોને સંકલનમાં રહીને સંભવિત વાવાઝોડાની સ્થિતિનો સામનો કરવા માટે એક માઇક્રો પ્લાનીંગ તૈયાર કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ભારતના હવામાન ખાતાના હવામાનશાસ્ત્રી જયંત સરકારે વાવાઝોડાની સ્થિતિ વિશે વિશેષ માહિતી આપી હતી. જે મુજબ વેરાવળથી દક્ષિણ-અગ્નિ દિશામાં 930 કિ.મી. દૂર જે ડિપ્રેશન સર્જાયું હતું. તે હાલ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને આગામી 12 તારીખ સુધીમાં તે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરવાની પૂરી સંભાવના છે.

આ વાવાઝોડું ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાઇ-કાંઠાળા વિસ્તારને વધુ અસર કરશે. વાવાઝોડા દરમિયાન સમુદ્રના મોજાં બે મીટરથી વધુ ઉછળવાની સંભાવના છે. પવનની ઝડપ 80 કિ.મી.થી વધીને 100 કિ.મી. સુધી પહોંચવાની સંભાવના છે. કેટલાંક વિસ્તારોમાં પાંચ-સાત ઇંચ જેટલો ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે.

સંભવિત વાવાઝોડાની સ્થિતિ સંદર્ભે રાજ્ય સરકાર ભારતના હવામાન ખાતા અને ઇસરો સાથે સતત સંપર્કમાં રહીને પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહી છે. ખાસ કરીને રાહત-બચાવ કામગીરી કરનારી એજન્સીઓ, લશ્કર, હવાઇદળ, તટરક્ષક દળ, નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સને સજ્જ કરવામાં આવ્યા છે. દરિયામાં માછીમારી માટે ગયેલી અને પરત ફરી રહેલી બોટ ઝડપથી પાછી દરિયાકાંઠે સલામત જગ્યાએ આવી જાય તેવી સૂચનાઓ પણ આપવામાં આવી છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ બંદરો ઉપર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઇ પ્રવાસીઓને દરિયાકિનારે કે બીચ ઉપર સહેલગાહે નહીં જવા પણ જણાવાયું છે.

રાજ્ય સરકારે વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા આગોતરુ સધન આયોજન હાથ ધર્યું છે જેની વિગતો આપતા અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે વધુ માહિતી આપી હતી. તેમણે વીજળી, રસ્તા, મકાનો, વૃક્ષો વગેરેના નૂકસાનને પહોંચી વળવા સંભવિત વિભાગોને સંકલનમાં રહી સજ્જ થવા સુચના અપાઇ છે. જરૂર પડ્યે સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠાળા વિસ્તારમાં વાવાઝોડાની સ્થિતિ સામે રાહત-બચાવ કામગીરી અને સંભવિત સ્થિતિના સામના માટે મોકડ્રીલ કરવા સંબંધિત વિભાગોને જણાવાયું છે. આ વિસ્તારના નાગરિકોને સાવચેત રહેવા, જીવનજરૂરી ચીજવસ્તુઓ, પીવાનું પાણી, દવા-ચાર્જીંગ કરેલી બેટરી વગેરે હાથવગા રાખવા અને દરિયા નજીક નહીં જવા પણ જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *