મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને શિવસેનાના નેતા અને પ્રવક્તા સંજય રાઉતે ફરી એક વખત મહત્વનું નિવેદન આપ્યું છે. સંજય રાઉતે જણાવ્યું કે સરકાર રચવાને લઇને જે કંઇ પણ મુશ્કેલી હતી તે તમામ મુશ્કેલીઓ દૂર થઇ ગઇ છે અને ગુરૂવાર સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થઇ જશે. ગુરૂવારે બપોર સુધીમાં બધાને ખબર પડી જશે. સંજય રાઉતે જણાવ્યું કે આગામી 5-6 દિવસોમાં તમામ ઔપચારિકતા પૂર્ણ થઇ જશે અને ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં સરકારની રચના થઇ જશે તેવો આશાવાદ સંજય રાઉતે વ્યક્ત કર્યો. શરદ પવાર અને પીએમ મોદી વચ્ચેની મુલાકાત અંગે પણ સંજય રાઉતે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે પક્ષની અંદર એનસીપી સાથે ગઠબંધન કરવાને લઇને કોઇ ખચકાટ નથી.
આજે શરદ પવાર પીએમ મોદી સાથે બેઠક કરશે
મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઇને સર્જાયેલા સસ્પેન્સ વચ્ચે આજે શરદ પવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. પીએમ મોદી અને પવાર વચ્ચેની આ મુલાકાતને લઇને અનેકવિધ અટકળો લગાવાઇ રહી છે. જો કે એનસીપીએ સ્પષ્ટતા કરી છે કે શરદ પવાર મહારાષ્ટ્રમાં ખેડૂતોની કફોડી સ્થિતિ મુદ્દે પીએમ મોદીને મળી રહ્યા છે. પરંતુ જે રીતે મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇને જે કોકડું ગુંચવાયેલું છે અને જે રીતે રાજનીતિના અઠંગ ખેલાડી શરદ પવાર શિવસેનાને લટકાવી રહ્યા છે તે જોતા પીએમ અને શરદ પવારની બેઠક ઘણી મહત્વની બની રહેશે.
ઉદ્ધવ ઠાકરેએ પોતાના ધારાસભ્યોની મીટીંગ બોલાવી
મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે ધારણા કરતા ઘણો વધુ વિલંબ થઇ રહ્યો છે. ત્યારે પોતાના ધારાસભ્યોને આશ્વાસન આપવા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે તેમના નિવાસ સ્થાને શિવસેનાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. બેઠકમાં સરકાર બનાવવામાં વિલંબ અંગે ધારાસભ્યોની શંકાઓનું સમાધાન કરવામાં આવશે. શિવસેનાના નેતાઓ ઘણા દિવસોથી કોંગ્રેસ અને એનસીપીના ટોચના નેતાઓ સાથે ચર્ચામાં છે. તેમ છતાં મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનું ચિત્ર હજુ સુધી સ્પષ્ટ નથી… આથી શિવસેનામાં પ્રવર્તી રહેલી બેચેની દૂર કરવાનો ઉદ્ધવ ઠાકરે પ્રયાસ કરશે.
પવારના એક નિવેદનથી શિવસેના બેચેન
આ પહેલા શરદ પવારે દાવો કર્યો હતો કે શિવસેનાની આગેવાનીવાળી સરકારને ટેકો આપવાના મુદ્દે તેમની અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વચ્ચે કોઈ ચર્ચા થઈ નથી. પવારના આ નિવેદનને કારણે શિવસેનાની છાવણીમાં બેચેની વધી ગઇ છે. શિવસેનાનો દાવો છે કે તેના તમામ ધારાસભ્યો પક્ષના નેતૃત્વના નિર્ણય સાથે સંમત છે. પરંતુ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શિવસેનાના ઘણા ધારાસભ્યોને આશંકા છે. કારણ કે ચૂંટણીના પરિણામો આવ્યા પછી લાંબા સમય બાદ પણ સરકાર રચાઇ નથી. આથી હવે તેઓ ભાજપ સાથે ગઠબંધન તોડવા અંગે પણ સવાલો કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.