856 કરોડના ખર્ચે તૈયાર થયેલા ‘મહાકાલ લોક’ની મૂર્તિઓ વાવાઝોડાથી પડી ભાંગી, સાત મહિના પહેલા જ PM મોદીએ કર્યું હતું લોકાર્પણ

Six idols at Ujjain Mahakal Lok corridor collapse: ઉજ્જૈનમાં જોરદાર વાવાઝોડાને કારણે મહાકાલ લોક કોરિડોર (Ujjain’s Mahakal Lok corridor) માં સ્થાપિત ઘણી મૂર્તિઓ પડી ભાંગી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકાલ લોક કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 856 કરોડ છે, જેમાં પ્રથમ તબક્કો રૂ. 351 કરોડમાં પૂર્ણ થયો હતો.

રવિવારે સાંજે અચાનક આવેલા તોફાની પવનને કારણે મહાકાલ લોકમાં બનેલી સપ્તઋષિઓની મૂર્તિઓને સૌથી વધુ નુકસાન થયું છે. આમાંથી ઘણી મૂર્તિઓ જમીન પર પડી હતી, જ્યારે ઘણી મૂર્તિઓના હાથ અને માથાનો ભાગ ખંડિત થયો હત. રવિવારના કારણે મોટી સંખ્યામાં ભક્તો મહાકાલ લોક પહોંચ્યા હતા. જો કે રાહતની વાત એ છે કે આટલા નુકસાન બાદ પણ કોઈ ભક્તને ઈજા પહોંચી નથી.

વાસ્તવમાં, આ 10 થી 25 ફૂટ ઉંચી મૂર્તિઓ લાલ પથ્થર અને ફાઈબર રિઇનફોર્સ પ્લાસ્ટિકથી બનેલી છે. ગુજરાતની એમપી બાબરિયા કંપની સાથે સંકળાયેલા ગુજરાત, ઓડિશા અને રાજસ્થાનના કલાકારોએ આના પર કારીગરી કરી છે.

11 ઓક્ટોબર, 2022 ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જૈન

માં મહાકાલેશ્વર મંદિરના નવા સંકુલ ‘મહાકાલ લોક’ નું ઉદ્ઘાટન કર્યું. જે બાદ દેશ-વિદેશમાંથી ભક્તો મહાકાલ લોકના દર્શન કરવા આવે છે. પરંતુ મહાકાલ લોકમાં કરવામાં આવેલ બાંધકામની ગુણવત્તા ચોક્કસપણે ખુલ્લી પડી હતી. ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા કલેક્ટર કુમાર પુરુષોત્તમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવાની સૂચના આપી હતી.

કલેક્ટરનું નિવેદન
ઉજ્જૈનના કલેક્ટર કુમાર પુરુષોત્તમે જણાવ્યું કે, મહાકાલ લોક કોરિડોરમાં કુલ 160 મૂર્તિઓ સ્થાપિત છે. તેમાંથી 10 ફૂટ ઉંચી ‘સપ્તરિષીઓ’ની છ મૂર્તિઓ રવિવારે સાંજે 4 વાગ્યાની આસપાસ ભારે પવનને કારણે પડી હતી અને તેને નુકસાન થયું હતું. તેમણે કહ્યું કે આ ક્ષતિગ્રસ્ત મૂર્તિઓ મહાકાલેશ્વર મંદિરની અંદર નથી, પરંતુ તેની આસપાસ વિકસિત મહાકાલ લોક કોરિડોરમાં સ્થિત છે. કોરિડોરનું મેન્ટેનન્સ પાંચ વર્ષ માટે બનાવનાર કંપની પાસે છે, તેથી મૂર્તિઓ ફરીથી સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ગુજરાતની કંપનીઓ મૂર્તિઓ બનાવવા અને કોરિડોર બનાવવાના કામમાં લાગેલી છે.

કોરિડોરમાં 160 શિલ્પો
તમને જણાવી દઈએ કે, મહાકાલ લોક કોરિડોર 900 મીટર લાંબો છે. આ કોરિડોરમાં 160 મૂર્તિઓ છે, જે ભગવાન શિવ અને ઋષિમુનિઓના વિવિધ સ્વરૂપો દર્શાવે છે. અહીં બે ભવ્ય પ્રવેશદ્વાર છે – નંદી દ્વાર અને પિનાકી દ્વાર. તેમાં ત્રિશુલ ડિઝાઇનના 108 થાંભલા છે. આ સાથે શિવપુરાણની કથાઓ દર્શાવતી 50 ભીંતચિત્રો બનાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *