ગુજરાત(Gujarat): ધોરણ 10ના હિન્દીના પેપર(10th Hindi Paper Leaked)ના જવાબો વાયરલ થવા અંગે હજુ વધુ એક કાંડ બહાર આવી શકે તેમ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, પેપર અડધો કલાક પહેલા નહીં પરંતુ અઢી કલાક પહેલાં વાયરલ થયું હતું. ધોરણ 10ની પરીક્ષા 10:15 એ શરૂ થઈ હતી અને પેપર 10:47 એ વાયરલ થઇ ગયું હતું. સોશિયલ મીડિયા પર પેપર અડધો કલાક બાદ મુકવામાં આવ્યું હતું. 11:52 મિનિટે પેપરની આન્સર કી સાથે તેનું સોલ્યુશન પણ સોશીયલ મીડિયામાં ફરતું થઇ ગયું હતું.
ધોરણ 10ના હિન્દી પેપરના જવાબો વાયરલ થવા અંગે કોંગ્રેસ દ્વારા શિક્ષણ વિભાગ પર ગંભીર આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપો કરતા કહ્યું છે કે, ‘શિક્ષણ વિભાગ દ્વારા ખોટા ખુલાસા કરવામાં આવ્યા છે. બોર્ડના અધિકારીઓ દ્વારા ત્રણ અલગ-અલગ જવાબો આપવામાં આવ્યા છે. જેમાં બોર્ડના સચિવે ગેરરીતિ થઇ હોવાનો કિસ્સો ગણાવ્યો છે. પરંતુ પેપર વિતરણ થતાંની સાથે જ વાયરલ થયું હતું અને બોર્ડે દ્વારા પણ આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ત્યારે બોર્ડની ફૂલપ્રુફ સિસ્ટમનો દાવો ક્યાં ગયો અને વિદ્યાર્થીઓને શાળામાં મોબાઇલ અને ગેજેટ પર પ્રતિબંધ છે તેમ છતાં પણ પેપર કોણે વાયરલ કર્યું એ સૌથી મોટો પ્રશ્ન ઉદભવી રહ્યો છે.
જુઓ કેવી રીતે વાયરલ થયું પેપર:
દાહોદના સંજેલી ગામમાંથી પેપર વાયરલ થયુ હોવાનો મોટો ખુલાસો થયો છે. પેપર વાયરલ થવા અંગે દાહોદ પોલીસ દ્વારા 5 લોકોને ઓળખી કાઢવામાં આવ્યા છે. જેમાંથી પેપર વાયરલ કરનાર 4 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. જોકે, પેપર વાયરલ કરનાર એક વ્યક્તિ હજુ પોલીસની પકડથી બહાર હોવાનું સામે આવ્યું છે. દાહોદ પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઘનશ્યામ ચારેલ નામના વ્યક્તિને સુરેશ ડામોર દ્વારા પેપર મોકલવામાં આવ્યું હતું. વધુમાં જાણવા મળ્યું છે કે, સુરેશ ડામોરનો પુત્ર ધોરણ 10માં અભ્યાસ કરે છે. જેને લીધે સુરેશ ડામોરે પેપર માટે શૈલેષનો સંપર્ક કર્યો હતો. આ શૈલેષ પટેલ સંજેલીની વૃંદાવન આશ્રમ શાળાના શિક્ષક હોવાનું સામે આવ્યું છે. શૈલેષ અને સુરેશનો સંપર્ક અમિત તાવિયાડ નામના વ્યક્તિએ કરાવ્યો હતો.
અમત તાવિયાડ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને શૈલેષના ઓળખીતા હોવાનું બહાર આવ્યું છે. સંપર્ક કર્યા પછી અમિત દ્વારા સુરેશને 10.47 એ પેપર જવાબ સાથે મોકલવામાં આવ્યું હતું. જેથી સુરેશે પેપરની પ્રિન્ટ કાઢવા માટે મિત્ર જયેશ ડામોરને ઘરે બોલાવ્યો હતો. જયેશ ડામોરે પેપરની પ્રિન્ટ કાઢવા માટે ઘનશ્યામને પેપર મોકલ્યું હતું. જેથી ઘનશ્યામે પેપરની પ્રિન્ટ કાઢી હતી અને ફેસબુક પર વાયરલ કરી દીધું હતું. ત્યારે દાહોદ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
અમિતે પેપર ક્યાંથી કાઢ્યું?
ઘનશ્યામ ડામોર દ્વારા જે પેપર ફેસબુક પર વાયરલ કરવામાં આવ્યું હતું એ અમિત તાવિયાડ પાસે આવ્યુ હતું અને આ પેપર પર જવાબો લખેલા હતા. સૌથી પહેલા આ પેપર અમિત તાવિયાડ પાસે આવ્યુ હતું. ત્યારે અમિત તાવિયાડ પાસે પેપર ક્યાંથી આવ્યુ તે એક ગંભીર તપાસનો વિષય બન્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.