સુરત(Surat): હાલ સુરત માટે ગૌરવના સમાચાર મળી આવ્યા છે. વર્ષ 2022માં લેવાયેલી ઓલ ઇન્ડિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (Chartered Accountant)ની ફાઈનલ પરીક્ષાના પરિણામ જાહેર થયા છે. જેમાં સુરતની સૃષ્ટિ સંઘવીએ દેશભરમાં ત્રીજો ક્રમ મેળવીને તેના પરિવારનું તેમજ સુરત સહિત ગુજરાતનું નામ પણ રોશન કર્યું છે.
આ અંગે સૃષ્ટિએ જણાવ્યું હતું કે અઘરા વિષયોને તે ઇન્ટરેસ્ટિંગ બનાવીને પહેલા દિવસથી જ તૈયારી કરતી હતી. 2018માં ધોરણ 12 પાસ કર્યા બાદ ચાર વર્ષમાં જ તેણે સીએની પરીક્ષા પાસ કરી છે. આગામી સમયમાં તેની પાસે ઘણા બધા ઓપ્શન છે. જેથી તે કોર્પોરેટમાં પણ જોડાઈ શકે છે.
12.59 ટકા પરિણામ આવ્યું:
અહેવાલો અનુસાર, દેશભરમાંથી સીએના બંને ગ્રુપ-1 અને 2માં 29,348 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં દેશભરમાંથી 3,695 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેથી સીએનું 12.59 ટકા પરિણામ આવ્યું છે. જેમાંથી સૃષ્ટિ સંઘવીને દેશભરમાં ત્રીજો ક્રમ મેળવવામાં સફળતા મળી છે. સૃષ્ટિએ 800માંથી 611 માર્ક્સ મેળવ્યા છે.
પરિવારમાં મોટાભાગના સભ્યો સીએ:
આશ્ચર્યની વાત એ છે કે, સૃષ્ટિ સંઘવીના પરિવારમાં દાદા અશ્વિન સંઘવી, પિતા કેયુર સંઘવી, કાકા સીએ છે અને ફિયાન્સ હર્ષ પણ સીએની પ્રેક્ટિસ કરે છે. સૃષ્ટિએ જણાવ્યું હતું કે પરિવારમાં મોટાભાગના જ સભ્યો સીએ હોવાથી મને પણ બાળપણથી જ સીએ બનવાની ઈચ્છા હતી અને એ પ્રમાણે જ હું તૈયારી કરતી હતી. જેના કારણે આજે સફળતા મળી છે. તેમાં પરિવારનો અને શિક્ષકોનો પૂરતો સહયોગ રહ્યો છે. મારા પરિવારના દરેક સભ્યોના સહયોગથી મેં આ પરીક્ષા પાસ કરી છે.
ઇન્ટરમિડીયેટમાં 10મો ક્રમ હતો:
આ પહેલા પણ સૃષ્ટિએ સીએની ઇન્ટરમિડીયેટ પરીક્ષા આપી હતી. જેમાં તેણે ઓલ ઇન્ડિયામાં દસમો ક્રમ મેળવ્યો હતો. ત્યારથી તે સતત તૈયારી કરતી હતી. તેણે જણાવ્યું હતું કે, તે રોજના 10 થી 12 કલાક તૈયારી કરતી હતી. આર્ટીકલશિપના ત્રણ વર્ષ દરમિયાન પણ તેણે તૈયારી કરતી હતી. જેના કારણે આ સફળતા મળી છે.
પપ્પા મોટીવેટ કરતા હતા:
આ અંગે સૃષ્ટિના પપ્પા કેયુરભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, મેં ક્યારેય મારી બંને દીકરીઓને ફોર્સ કર્યો નહોતો. સૃષ્ટિ મારી મોટી દીકરી છે તેને પહેલેથી જ સીએ લાઈનમાં આગળ વધવાની ઈચ્છા હતી. જેથી તેને અમે મોટીવેટ કરતા હતા તથા જરૂર પડે તો માર્ગદર્શન પણ આપતા હતા.
છ મહિના સોશિયલ મીડિયાથી દૂર રહી:
સૃષ્ટિને ડાન્સનો શોખ છે. પરીક્ષા દરમિયાન પણ તે ડાન્સ રિલેક્સ થવા માટે કરતી હતી. પરંતુ છેલ્લા છ મહિના સુધી તેણે સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ ઉપરથી એક્ટિવ રહેવાનું છોડી દીધું હતું અને પૂરું ફોકસ તૈયારીઓ ઉપર લગાવી દીધું હતું. આ રીતે સખત મહેનત કરી તેણે આ સફળતા હાંસલ કરી છે.
ફિયાન્સનો પણ પૂરતો સપોર્ટ મળ્યો:
સૃષ્ટિએ જણાવ્યું હતું કે સીએનો અભ્યાસક્રમ ખૂબ વિશાળ છે. જેથી તેને સતત રિવિઝન કરવું જોઈએ. રિવિઝન વગર આ પરીક્ષા ક્લિયર કરવી ખૂબ અઘરી થઈ જાય છે. વધુમાં તેણે જણાવ્યું હતું કે,તેના ફિયાન્સ હર્ષ દ્વારા પૂરતો સપોર્ટ મળ્યો હતો. તેણે હમણાં જ સી.એ કમ્પ્લીટ કર્યું હોવાથી તેની પાસે કોઈ ડાઉટસ હોય તો સોલ્વ કરવાનું મોકો મળતો હતો અને તે પણ મને કહેતા હતા કે કઈ રીતે આ અઘરી ગણાતી પરીક્ષાને આપણે ક્લિયર કરી શકીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.