બનાસકાંઠા(ગુજરાત): તાજેતરમાં બનાસકાંઠા(Banaskantha)ના ડીસા પાલનપુર નેશનલ હાઈવે(Deesa Palanpur National Highway) પર ભોયણ ગામ (Bhoyan Village)ના પાટિયા પાસેથી એક ગંભીર અને વિચિત્ર અકસ્માત(Accident)નો બનાવ બનવા પામ્યો છે. જેમાં ત્રણ વાહનોમાં એકસાથે આગ ભભૂકી ઉઠી હતી. અકસ્માતમાં બે ટ્રક વચ્ચે ફસાયેલી રિક્ષા(Auto Rickshaw) પણ સળગી ગઈ હતી. રિક્ષામાં બેઠેલા એક મુસાફર જીવતો જ ભૂંજાયો હતો, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ ગામના પાટિયા પાસે આજે સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભોયણ ગામના પાટિયા પાસે હાઈવે પર ડિવાઈડર વચ્ચે પડેલા કટમાં એક ટ્રક વળાંક લેવા જતા તેની સાઈડમાં રિક્ષા ઊભી રહી ગઈ હતી. આ દરમિયાન, પાલનપુર તરફથી પથ્થર ભરીને આવતા ટ્રેલરે બંને વાહનોને અડફેટે લેતા બે વાહનો વચ્ચે રિક્ષા ચગદાઈ ગઈ હતી.
જ્યારે ડીસાથી પાલનપુર તરફ જતી ઇકો કાર પણ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ રીતે ચાર વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. જોકે, બંને ટ્રક વચ્ચે ફસાયેલી રિક્ષામાં અચાનક આગ લાગતા ટ્રક, ટ્રેલર અને રિક્ષા પણ સળગવા લાગ્યા હતા. આગ એટલી તીવ્ર હતી કે, ધૂમાડાના ગોટેગોટા ત્રણથી ચાર કિલોમીટર દૂર સુધી દેખાવા લાગ્યા હતા. રિક્ષામાં મુસાફરો બેઠેલા હોવાથી તેઓ બહાર ન નીકળી શકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બાદમાં ડીસા અને પાલનપુર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા બંને ફાયર ફાયટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યારે ડીસા તાલુક પોલીસ, મામલતદાર સહિત અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરો દ્વારા આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યા બાદ ક્રેન દ્વારા ટ્રક, ટ્રેલર ખસેડાતા રિક્ષામાં બેઠેલો એક મુસાફર જીવતો ભૂંજાયો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે ઇકો વાનમાં સવાર મુસાફરો પૈકી એક મુસાફરનું ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.